બંદીવાન ભાઈઓ દ્વારા ગાંધી-મેઘાણી ગીતો કી સ્વરાંજલિ; મોહન ઝા, ડો.એમ.કે.નાયક, પી.બી.સાયરા, પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્થિત
અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની, સમાજ સુધારક, ચિંતક, શિક્ષણવિદ્, પત્રકાર લોકમાન્ય બાલ ગંગાધર તિલકની ૧૬૩મી જન્મજયંતીએ અમદાવાદ સ્થિત ઐતિહાસિક સાબરમતી જેલ (અમદાવાદ મધ્યસ્થ જેલ) ખાતે ભાવાંજલિ અર્પણ થઈ. આઝાદીની લડત સમયે ૧૯૦૮માં લોકમાન્ય તિલકને અહિ રખાયા હતા જે ખાસ ઉલ્લેખનીય છે.
ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટના પોલીસ મહાનિર્દેશક મોહન ઝા (આઈપીએસ), અમદાવાદ મધ્યસ્થ જેલના અધિક્ષક ડો. એમ. કે. નાયક (આઈપીએસ) અને નાયબ અધિક્ષક પી. બી. સાપરા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગ ડાભી, જીતુભાઈ શાહ તેમજ મોટી સંખ્યામાં બંદીવાન ભાઈઓની હાજરી રહી હતી.
પોલીસ મહાનિર્દેશક મોહન ઝા અને ઉપસ્થિત સહુએ લોકમાન્ય તિલકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જેલના સંગીત શિક્ષક વિભાકરભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ બંદીવાન ભાઈઓએ ગાંધી-મેઘાણી-ગીતો થકી અનોખી સ્વરાંજલિ અર્પણ કરી હતી. આઝાદીની લડતમાં લોકમાન્ય તિલકના અનન્ય યોગદાનની રસપ્રદ વાતો પિનાકી મેઘાણીએ કરી હતી.
ઝવેરચંદ મેઘાણીને સરદાર યાર્ડમાં આવેલ જે ખોલીમાં રખાયા હતા ત્યાં ‘જેલ સ્મૃતિ કુટિરની સ્થાપના ગુજરાત રાજ્યના જેલ પ્રશાસન અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા હાલમાં થઈ હતી. એવી જ રીતે ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજ અને અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની અબ્બાસ તૈયબજીની ખોલીનો પણ સ્મૃતિ-સ્થળ તરીકે વિકાસ થશે. પોલીસ લાઈન અને પોલીસ પરિવારમાં જન્મેલા ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી — ૨૮ ઑગસ્ટના રોજ — સાંજે ૪થી ૬ ગુજરાતની દરેક જેલમાં ‘મેઘાણી વંદના સ્વરાંજલિ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવશે તેમ પોલીસ મહાનિર્દેશક મોહન ઝાએ જણાવ્યું હતું. બંદીવાન ભાઈઓ-બહેનોના લાભાર્થે નવીન કલ્યાણકારી યોજનાઓ વિશે પણ જાણકારી આપી હતી.