- લોકાર્પણ-ખાતમુહૂર્તના 4100 કરોડના કામોની યાદી તૈયાર, હજુ દોઢેક હજાર કરોડના કામો ગાંધીનગરથી ઉમેરાશે
- રોડ શો, રેસકોર્સમાં જાહેરસભા અને ત્યાંથી જ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનો કાર્યક્રમ તેમજ શાસ્ત્રી મેદાનમાં અર્બન ડેવલપમેન્ટ કોન્કલેવની તૈયારીઓ માટે તંત્રની દોડધામ
- જૂનાગઢથી સાંજે 5 વાગ્યાના અરસામાં વડાપ્રધાન મોદી રાજકોટ પહોંચશે, બાદમાં સાંજે 7 વાગ્યે એરપોર્ટ ખાતેથી વિદાય લેશે રેસકોર્સમાં 1 કલાક 15 મિનિટ તેમજ શાસ્ત્રી મેદાનમાં 20 મિનિટ રોકાશે
વિધાનસભાની ચૂંટણી જાહેર થવાને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. તેવામાં વડાપ્રધાન મોદી બીજી વખત તા.19એ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. અહીં તેઓના ત્રણ કાર્યક્રમનું હાલ આયોજન ઘડાઈ રહ્યું છે. વડાપ્રધાન અહીં માત્ર 2 કલાક જ રોકાશે. બીજી તરફ રેસકોર્સની સભામાં દોઢ લાખ લોકો એકત્ર થશે તેવું હાલ આયોજન ચાલી રહ્યું છે.
વડાપ્રધાન 18 ઓક્ટોબરે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કરશે. બીજા બે દિવસ અલગ અલગ વૈશ્વિક ડિફેન્સ એક્સ્પર્ટ્સ, વિશ્વના જુદા જુદા દેશોના મહાનુભાવો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફર્સ, સમીટમાં હાજરી આપવા સાથે રાજકોટ, છોટાઉદેપુર જેવા જિલ્લાઓના રાજકીય પ્રવાસ પણ કરશે. જેમાં 19મીએ સાંજે 5 વાગ્યે વડાપ્રધાન રાજકોટ પહોંચવાના છે.
અહીં વડાપ્રધાનનો રોડ શો, રેસકોર્સ ખાતે સભા તેમજ લોકાર્પણ – ખાતમુહૂર્તના કાર્યક્રમ અને શાસ્ત્રી મેદાન ખાતે અર્બન ડેવલપમેન્ટ કોન્કલેવ આ ત્રણ કાર્યક્રમ યોજનાર છે. વધુમાં રેસકોર્સ ખાતેના કાર્યક્રમમાં અંદાજે દોઢ લાખની મેદની એકત્ર કરાશે. આ માટે પાંચ જેટલા ડોમ પણ ઉભા કરાશે.
વધુમાં રેસકોર્સ ખાતે વડાપ્રધાનનો જેકાર્યક્રમ છે. તેમાં લોકાર્પણના 420 કરોડના કાર્યક્રમ, ખાતમુહૂર્તના 2700 કરોડ અને રૂ. 1000 કરોડના કામોની જાહેરાત મળીકુલ રૂ.4100 કરોડના કામોની યાદી તૈયાર થઈ ગઈ છે. હજુ દોઢેક હજાર કરોડના કામો ગાંધીનગરથી ઉમેરાશે તેવું જાણવા મળી રહ્યું છે.
- સાંજે અધિકારીઓ રોડ-શોનો રૂટ ફાઇનલ કરવા એસપીજી સાથે સ્થળ સમીક્ષા કરશે
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોનો રૂટ ફાઇનલ થયો નથી. આ માટે આજે સાંજે અધિકારીઓ એસપીજીની ટિમ સાથે સ્થળ સમીક્ષા હાથ ધરશે. વડાપ્રધાન મોદી સીધા એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજે કે રેસકોર્સથી શાસ્ત્રી મેદાન સુધી, અથવા એરપોર્ટથી શાસ્ત્રી મેદાન સુધી રોડ શો યોજે તે અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય જાહેર કરાયો નથી. આજે કલેક્ટર, પોલીસ કમીશનર અને મ્યુનિસિપલ કમિશનર સાંજે સ્થળ સમીક્ષા કરી તેનો રિપોર્ટ પીએમઓમાં મોકલવાના છે.
- પીએમનું સેડ્યુલ ટાઈટ : રોડ-શો, રેસકોર્સ અને શાસ્ત્રી મેદાનમાંથી એક કાર્યક્રમ કાંપવો પડે તેવી નોબત
ભાજપના સતાવર સુત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સેડ્યુલ અતિ વ્યસ્ત છે. વડાપ્રધાન રાજકોટમાં માત્ર 2 કલાક જ હાજરી આપવાના છે. તેમાં પણ એક કલાકને 15 મિનિટ રેસકોર્સની સભામાં હાજરી આપવાના છે. જ્યારે 20 મિનિટ શાસ્ત્રી મેદાનમાં હાજરી આપવાના છે. બીજી બાજુ 25 મિનિટ જેટલો સમય બચે છે. આટલા સમયમાં રોડ શો કરવો શક્ય ન હોવાનું અગ્રણીઓ જણાવી રહ્યા છે. માટે વડાપ્રધાનના રાજકોટમાં ત્રણ કાર્યક્રમોમાંથી કોઈ એક કાર્યક્રમમાં કાતર ફેરવવી પડે તેવી નોબત આવી છે.
- રેસકોર્સની સભા માટે 130થી વધુ અને રોડ-શો માટે 50થી વધુ વહીવટી અધિકારીઓને જવાબદારી સોંપાશે
વડાપ્રધાન મોદીના રાજકોટના કાર્યક્રમને લઈને જિલ્લા કલેક્ટર અરુણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં રેસકોર્સમાં જાહેર સભાના કાર્યક્રમ માટે ત્રણ ફેઝમાં ઓર્ડર કરવામાં આવનાર છે. આ માટે કુલ 130થી વધુ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવનાર છે. જ્યારે રોડ શોના કાર્યક્રમ માટે અંદાજે 50થી વધુ અધિકારીઓને જવાબદારી સોંપાઈ શકે છે. આ તમામ અધિકારીઓ વહીવટી જ હશે. પોલીસ વિભાગના અધિકારીઓને અલગથી ફરજ સોપાશે.
- રેસકોર્સ ખાતેથી આટલા કામોના થશે લોકાર્પણ, ખાતમુહૂર્ત અને જાહેરાતો
- ખાતમુહૂર્ત ( રૂ. 2700 કરોડ)
- રાજકોટ -ગોંડલ- જેતપુર સિક્સલેન હાઇવે ( રૂ. 1200 કરોડ)
- અમુલ પ્લાન્ટ ( રૂ. 500 કરોડ)
- નાગલપર, છાપરા, ખીરસરા, પીપરડી જીઆઇડીસી ( રૂ.1000 કરોડ)
- રેલવે પેસેન્જર એમિનિટી ( રૂ. 50 કરોડ)
- લોકાર્પણ (રૂ.420 કરોડ)
- હોસ્પિટલ ચોક, નાના મવા અને રામપીર ચોક આ ત્રણ બ્રિજ ( રૂ. 200 કરોડ)
- લાઈટ હાઉસ પ્રોજેક્ટ ( રૂ. 120 કરોડ)
- સાયન્સ મ્યુઝીયમ ( રૂ. 90 કરોડ)
- રૂડાનો એઇમ્સ ડીપી રોડ ( રૂ. 36 કરોડ)
- જાહેરાત (રૂ.1000 કરોડ)
- રાજકોટ અને જામનગર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ (રૂ. 400 કરોડ)
- મકનસર ગતિ શક્તિ ક્ધટેનર ટર્મિનલ ( રૂ. 280 કરોડ)
- ગોંડલ રોડ ઉપર ટેકનોલોજી હબ સેન્ટર (રૂ. 200 કરોડ)
- આર એન્ડ બી અને પંચાયત હેઠળના રોડ( રૂ. 41 કરોડ)
- ગોંડલ, ત્રાફડા, બીલખા, ભાદર ડેમ સહિતના રોડ ( રૂ. 26 કરોડ)
- રાજકોટ ડેરી પ્લાન્ટ એક્સપાન્સન ( રૂ. 21 કરોડ)