સંત-સતીજીઓના સ્વાગત વધામણા કરવા શોભાયાત્રાનું આયોજન: સી.એમ.પૌષધશાળાના દ્વારનું ઉદઘાટન કરાશે
ઉવસગ્ગહંર સ્તોત્રના અખંડ સાધક, રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના નાભિના નાદે ૨૧ રવિવારીય કરાવવામાં આવનારી સંકલ્પ સિદ્ધિદાયક જપ સાધનાના બીજા તબકકાની સાધના રવિવારે સવારે આયોજીત કરવામાં આવેલ છે. ગત રવિવારના પરમ પ્રભાવક સાધનાનો પ્રારંભ વીરાણી પૌષધશાળાના આંગણે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં શ્રદ્ધા અને ભકિતભાવ સાથે કરાવવામાં આવ્યો હતો. જેમાં જોડાઈને અનેક ભાવિકો એક અદ્વિતય દિવ્યતાની અનુભૂતિ સાથે પરમ શાંતિનો અહેસાસ કર્યો હતો. રાષ્ટ્રસંતના શ્રીમુખેથી કરાવવામાં આવતી સિદ્ધિની આ સાધનાના બીજા તબકકામાં પણ જે ભાવિકોને જોડાવવું હોય તેઓ શ્ર્વેત વસ્ત્ર પરિધાન કરીને આ સાધનામાં સ્વયંની સંકલ્પ સિદ્ધિ સાધવા શ્રદ્ધા ભકિત સાથે જોડાઈ શકે છે.
એક અનેરી દિવ્યાનુભૂતિ સાથે જીવનમાં શાંતિ-સામાધિ આપતી આ સાધના સાથે આવતીકાલે રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળાના નૂતનીકરણ દ્વાર ઉદઘાટનના ભવ્ય અવસરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રત્ન પૂ.સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા. આદિ ૬ સંતો તેમજ ડુંગર દરબારના જશ-ઉતમ-પ્રાણ-સંઘાણી પરીવારના રાજકોટમાં બિરાજમાન વિશાળ સંખ્યામાં સતીવૃંદના સાનિધ્યે આયોજીત આ વિશિષ્ટ અવસર અંતર્ગત સંત-સતીજીઓના સ્વાગત વધામણા કરતી સુંદર શોભાયાત્રા રવિવારે વહેલી સવારના ૬:૦૦ કલાકે શેઠ ઉપાશ્રયથી પ્રારંભ થઈને માન સરોવર એપાર્ટમેન્ટ ચોક થઈને રોયલ પાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.પૌષધશાળા પધારશે જયાં દ્વાર ઉદઘાટિત કરવામાં આવશે.રાજકોટના સમસ્ત સ્થા.જૈન સંઘોના શ્રેષ્ઠીવર્યો, મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે જય જય કારના નાદ સાથે દ્વાર ઉદઘાટન બાદ સવારના ૭ થી ૮:૪૫ કલાક દરમ્યાન સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ દરેક ભાવિકો માટે ૯:૦૦ કલાકે નૌકારશી રાખવામાં આવી છે.