પાડોશીના ગણેશના ફોટામાં તોડફોડ કરી, ધાર્મિક લાગણી દુભાવી વિવાદાસ્પદ વાણી વિલાસ કરતા વકીલની ધરપકડ
અબતક,રાજકોટ
મુંજકા નજીક આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા વકીલે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવી શિવાજી મહારાજ અંગે અભદ્ર કોમેટ કરતા પોલીસ સ્ટાફ વિવાદાસ્પદ વાણી વિલાસ કરતા વકીલની ધરપકડ કરવા જતા પોલીસ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરતા તેની ધરપકડ કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.શહેરના યુનિવર્સિટી રોડ મુંજકા ક્રાઇસ્ટ કોલેજ રોડ પર આવેલી શ્રીશ્યામાપ્રસાદ મુખર્જી નગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં એડવોકેટ સોહિલ હુશેનભાઇ મોરએ સોસાયટીના વ્હોટ્સએપ ગ્રુપ ’સપનો કા ઘર-ડ્રીમ હાઉસ’ નામના ગ્રુપમાં 19મીએ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમીતે એક સભ્યએ શિવાજી મહારાજનો ફોટો પોસ્ટ કરતાં ગ્રુપમાં સામેલ એક વ્યકિતએ શિવાજી લૂંટારા હતાં એવી કોમેન્ટ કરતાં બાજુના રહેવાસી મહિલા પણ ગ્રુપમાં હોઇ
આ કોમેન્ટ વાંચી જે નંબરમાંથી અણછાજતી કોમેન્ટ આવી હતી તેમાં ફોન કરીને પુછતાં તેણે ’હજુ આવી કોમેન્ટ કરીશ, તમે ગ્રુપમાંથી રીમુવ થઇ જાવ, અહિયા પાકિસ્તાન થઇ ગયું છે, બધા મુસ્લિમ બની ગયા છે, તમે હિન્દુઓ ભાગી જાવ’ તેમ કહી ડખ્ખો કરતાં તેમજ હાથમાં ચપ્પુ રાખી એક ફલેટ ધારકના દરવાજા પરની ગણપતિની ફ્રેમ તોડી નાંખી અને તોરણ પણ તોડી નાંખી ધાર્મિક લગાણી દુભાવતાં પોલીસને બોલાવાતાં આ વકિલે પોલીસની ફરજમાં પણ રૂકાવટ કરતાં તેના વિરૂધ્ધ બે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે મુંજકા ક્રાઇસ્ટ કોલેજ રોડ પર રહેતાં જ્યોતિબા ગિરીરાજસિંહ સોઢા (ઉ.36)ની ફરિયાદ પરથી આ કવાર્ટરમાં જ સી-વીંગ ફલેટ નં. 103માં રહેતાં સોહિલ હુશેનભાઇ મોર નામના એડવોકેટ સામે આઇપીસી 395, 295 (ક), 504, જીપીએકટ 135 મુજબ ગુનો નોંધ્યો છે.
જયેતિબાએ ફરિયાદમાંમાં જણાવ્યું છે કે મારા પતિને ઠંડાપીણાની એજન્સી છે. અમારી બાજુમાં શ્રીશ્યામા પ્રસાદ મુખર્જી નગર આવાસ યોજના છે. જેના રહેવાસીઓએ ’સપનો કા ઘર-ડ્રીમ હાઉસ’ નામનું વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. જેમાં હું પણ સામેલ છું. તા. 19/2ના રોજ શિવાજી મહારાજની જયંતિ હોઇ ગ્રુપમાં વિષ્ણુભાઇ ગુણવંતભાઇ જોષી કે જેઓ ઇ વીંગ ફલેટ નં. 1304માં રહે છે તેમણે શિવાજી મહારાજનો ફોટો મુકયો હતો. આ ફોટા નીચે ગ્રુપના મેમ્બર મો. 88660 49567ના ધારકે ’શિવાજી લૂટારો હતો તેવી કોમેન્ટ મુકી હતી. આ પછી ગ્રુપમાં સતત ઘણા મેસેજ આવતાં હતાં. મેં રવિવારે બપોરે ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ જોતાં હું ગ્રુપમાંથી લેફટ થઇ ગઇ હતી.એ પછી ગ્રુપમાં શિવાજી મહારાજ વિશે ખરાબ કોમેન્ટ કરનાર કોણ છે?
એ જાણવા મેં જે નંબર પરથી કોમેન્ટ આવી હતી એ નંબર પર ફોન કરતાં એ શખ્સ પોતે સોહિલ મોર બોલે છે તેમ જણાવ્યું હતું. મેં તેને શિવાજી મહારાજ વિશે આવી કોમેન્ટ શા માટે કરી? તેમ પુછતાં તેણે કહેલું કે, ’હું હજુ પણ કોમેન્ટ કરીશ, તમે બધા ગ્રુપમાંથી રીમૂવ થઇ જાવ અને અહિયા પાકિસ્તાન થઇ ગયું છે, તમે હિન્દુઓ અહિથી ભાગી જાવ’ તેમ કહેવા લાગતાં મેં તેને કયાં રહો છો? તેમ પુછતાં તેણે સી-વીંગ ફલેટ નં. 103માં રહુ છું તેમ કહેતાં મેં તેઓને હું રૂબરૂ તમને મળવા આવુ છું તેમ કહી ફોન કટ કર્યો હતો.ત્યારબાદ બાદ મેં મુંજકાના રહેવાસી જયદીપભાઇ દેવાયતભાઇ જાદવ મળતાં તેને મેં આ અંગે વાત કરી હતી. તેણે રહેવાસીઓની મીટીંગ રાખશું તેમ કહ્યું હતું. એ પછી હું શ્રીશ્યામાપ્રસાદ મુખર્જી આવાસની એચ વીંગમાં સંબંધના ઘરે ગઇ હતી. ત્યારે મને માલતીબેન આશીતભાઇ સાતાનો ફોન આવ્યો હતો કે સોહિલ મોર અમારા ફલેટ નં. 1003ની પાસે હાથમાં ચપ્પુ લઇને આટા ફેરા કરે છે અને મોટા અવાજે રાડો પાડી ગાળો બોલે છે.
તેમજ ફલટના દરવાજા પર રાખેલી ગણપતિ ભગવાનની ફોટોવાળી ફ્રેમ તોડીને નીચે પાડી દીધી છે. ગણપતિજીનું તોરણ હતું તે પણ ચપ્પુ મારી તોડી નાંખ્યું છે. આથી અમે પોલીસને જાણ કરતાં પોલીસ આવી હતી. પોલીસ સાથે પણ સોહિલ મોરએ માથાકુટ કરી હતી.આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ રાવતભાઇ ધીરૂભાઇ ડાંગરની ફરિયાદ પરથી એડવોકેટ સોહિલ હુશેનભાઇ મોર સામે આઇપીસી 332, 186, 504 મુજબ ફરજમાં રૂકાવટ કરી ગાળો ભાંડવાનો અલગથી ગુનો નોંધાયો છે. કોન્સ. રાવતભાઇ ડાંગરે ફરિયાદમાં જણાવ્યું છે કે 20મીએબપોરે બાર વાગ્યાથી હું પીસીઆર ઇન્ચાર્જમાં હતો. મારી સાથે કોન્સ. રામશીભાઇ કાળોતરા અને એસઆરપીમેન કાંતિભાઇ હતાં. સાંજે સવા સાતેક વાગ્યે પેટ્રોલીંગમા હતાં ત્યારે ક્ધટ્રોલ રૂમ તરફથી કોલ મળ્યો હતો કે મુંજકા નવા 150 રીંગ રોડ પર શ્રીશ્યામાપ્રસાદ મુખર્જી આવાસ કવાર્ટરના સી વીંગના પહેલા માળે માથાકુટ ચાલુ છે. આ થી અમે કોલ મુજબની જગ્યાએ પહોંચ્યા હતાં.
જ્યાં ફલેટ નં. 103 પાસે એક શખ્સ ઉભો હતો. તેને પોતાનું નામ સોહિલ મોર જણાવ્યું હતું. તેને શા માટે ઝઘડો કરો છો? તેમ પુછતાં તેણે ઉશ્કેરાઇ જઇ મારી સાથે અને સ્ટાફના માણસો સાથે ગાળાગાળી કરી જેમતેમ બોલવાનું ચાલુ કર્યુ હતું. આવુ નહિ કરવા સમજાવવા છતાં તેણે ગાળો દઇ મારી સાથે મારામારી કરી ઢીકાપાટુ મારી લીધા હતાં. બીજા કર્મચારીઓએ બળપ્રયોગ કરી મને છોડાવ્યો હતો. એ પછી અમે સોહિલ મોરને પોલીસ સ્ટેશને લાવી ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએઅસાઇ એચ. બી. રવૈયાએ વધુ તપાસ હાથ ધરી છે.