જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ તળેના ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા-2023 અંતર્ગત પરિક્રમામાં આવેલ શ્રધ્ધાળુઓ દ્વારા પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે પરિક્રમા રૂટ પર ઝીણા બાવાની મઢીથી માળવેલા ઘોડી વિસ્તારમાં રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) ના 280 તાલીમાર્થીઓ અને વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ-અલગ ટુકડીઓ બનાવી ગિરનાર જંગલ વિસ્તારમાંથી અંદાજિત 1.5 ટન, જાંબુડી રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગના મજુરો તથા આસપાસના ગામના 122 લોકો સાથે અલગ-અલગ ટુકડીઓમાં અંદાજિત 17 ટન, પાટવડ રાઉન્ડ વિસ્તારમાં વન વિભાગના સ્ટાફ અને કરિયા ગામના 21 ગ્રામજનો દ્વારા અંદાજિત 1 ટન જેટલો કચરો.મળી અંદાજિત 19.5 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.
જ્યાં સુધી સમગ્ર રૂટ સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી કામગીરી જારી: નાયબ વન સંરક્ષક અક્ષય જોશી
આ સાથે બોરદેવી ખાતે રાજય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર ચોકી (સોરઠ) ના 150 તાલીમાર્થીઓ અને વન વિભાગના સ્ટાફ દ્વારા અલગ-અલગ 121 ટુકડીઓ દ્વારા ગિરનાર જંગલ વિસ્તારમાંથી પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવાની કામગીરી ચાલુ છે. તથા જ્યાં સુધી સમગ્ર રૂટ સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી સંસ્થાઓના સહયોગથી ચાલુ રહેશે.તેમ નાયબ વન સંરક્ષક અક્ષય જોશી એ જણાવ્યું હતું.
ગિરનાર અંબાજી ટુંક સુધી વિજળી પહોચાડવા 7.91 કરોડની યોજનાનું ખાતમૂહૂર્ત
ગિરનાર પર્વત પર અવિરત વિજ પુરવઠો શિવરાત્રી મેળા સુધીમાં મળતો થઈ જશે
ગિરનાર પર્વત પર વીજળી ગુલ ન થઈ જાય તે માટે શિવરાત્રીના મેળા સુધીમાં ગિરનારની અંબાજી ટૂંક સુધી રૂ. 7.91 કરોડના ખર્ચે વીજળી પહોંચાડવા માટે 11 કે.વી. વીજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેનું આજે સાધુ, સંતો અને રાજશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે ખાત મુહર્ત પણ કરવામાં આવ્યું હતું.જૂનાગઢના ગરવા ગિરનાર ઉપર વારંવાર લાઈટ ગુલ થઈ જવાના અને ચોમાસાના સમયમાં તો દિવસો સુધી લાઈટ ચાલુ ન થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. ત્યારે પીજીવીસીએલ દ્વારા રૂ. 7.91 કરોડના પ્રોજેક્ટને અમલમાં મૂકીને ગિરનારની સીડીથી છેક અંબાજી મંદિર સુધી 11 કે.વી. લાઈન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને જૂનાગઢમાં ગિરનારના સાનિધ્યમાં ફેબ્રુઆરી માસમાં યોજાનાર શિવરાત્રીના મેળા પૂર્વે હાલની એલટી લાઈનના બદલે 11 કે.વી. ની હેવી લાઇન નાખવામાં આવશે. અને 4 ટ્રાન્સફોરમર મૂકવામાં આવશે, જેથી હવે ગિરનાર પર્વત ઉપર વીજ પુરવઠો અવિરત જળવાઈ રહેશે.આ માટે આજે સવારે ભવનાથ ક્ષેત્રના સંતો, મહંતો અને જુનાગઢના રાજશ્રીઓની ઉપસ્થિતિ વચ્ચે ગિરનાર ના 50 માં પગથિયા ઉપર 11 કે.વી. લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે પીજીવીસીએલ.ના અધિકારીઓ સહિતનો સ્ટાફગણ હાજર રહ્યો હતો.