9 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સીએમ ટુ પીએમના યશસ્વી કાર્યકાળના 20 વર્ષ પૂર્ણ કરશે
ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરના રોજ 71મો જન્મ દિવસ છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તેવું દાયકાઓ જૂનું રામભક્તોનું સપનુ સાકાર કરવામાં સિંહફાળો આપનાર નરેન્દ્રભાઇ જન્મદિને રાજ્યના 7100 ગામડાઓમાં સાંજે 7 કલાકે એક સાથે ભગવાન શ્રી રામનો નાદ ગુંજશે. તેવી જાહેરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગઇકાલે કર્ણાવતી ખાતે કાર્યકર્તાઓની સંવાદ શિબિરમાં કરી હતી.
ભાજપના પ્રદેશ અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, સ્વયંશિસ્તએ ભાજપના કાર્યકરોની મહામૂલી મૂડી છે. મારા નામ કે કામથી કોઇ વિવાદ ન સર્જાય તેવો સંકલ્પ ચૂંટાયેલા દરેક જન પ્રતિનિધિઓએ કરવો અને પોતે કરેલા વિકાસ કામો અને જનસેવાના કામોની માહિતી રાખવી જોઇએ. આગામી 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો 71મો જન્મદિવસ છે ત્યારે ગુજરાતના 7100 ગામોમાં સાંજે 7 વાગ્યે રામધૂનનો કાર્યક્રમ યોજાશે. પ્રધાનમંત્રીના જીવન પર 353 પુસ્તકો લખાયા છે. આગામી 9 ઓક્ટોબરે નરેન્દ્રભાઇ મોદી સીએમ ટુ પીએમના યશસ્વી કાર્યકાળના 20 વર્ષ પૂર્ણ કરશે જે દરેક દેશવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે.
પ્રદેશ પ્રમુખે કાર્યકરોને પેજ કમિટિનું મહત્વ સમજાવ્યું હતું. પેજ કમિટિ પૂર્ણ હશે તો રાજ્યની તમામ વિધાનસભાની બેઠકો જીતવી કોઇ અઘરી વાત નથી. પેજ સમિતિ ચૂંટણી જીતવાનું અમોધ શસ્ત્ર છે. સરકારી યોજનાઓથી માહિતી મોબાઇલ એપ દ્વારા લોકો સુધી પહોંચે તે આપણી સૌ કાર્યકરોની ફરજ છે.
નવનિયુક્ત સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સમાજના સંકટના સમયમાં સમર્પણ ભાવથી કામ કરવું તે ભાજપના કાર્યકરોને એક વિશિષ્ટતા બક્ષે છે. માત્ર શબ્દો જ નહીં વ્યવહારમાં પણ પાર્ટી વિથ ડિફરન્સએ ભાજપના કાર્યકરોમાં રહ્યો છે. સુરક્ષા, પ્રગતી, ઉત્સાહ અને આનંદના વાતાવરણનું નિર્માણ એ સમગ્ર દેશમાં ભાજપનો સ્વધર્મ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ સાથે કનેક્ટીવીટીી માટે પેજ કમિટિ રામબાણ ઇલાજ છે. કાર્યકરોના સંઘર્ષ અને પરિશ્રમના કારણે આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનો ભગવો લહેરાયો છે. તેમ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું.