- પવિત્ર કૃકલાશ કુંડમાં પંચામૃતથી સ્નાન કરાવાયું: બહોળી સંખ્યામાં ભક્તો રહ્યા ઉપસ્થિત
પવિત્રા એકાદશીને ર્જીણા કે જીલણા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્વારકાધીશ જગતમંદિરના મુખ્ય પટ્ટરાણીવાસમાં આવેલાં રાધાકૃષ્ણ મંદિરના બાલસ્વરૂપ દ્વારકાધીશ નગરના પવિત્ર સરોવરમાં સ્નાનાર્થે ગમન કરે છે. જેમાં દ્વારકાસ્થિત સૂર્યકુંડ કે જે હાલમાં કૃકલાશ કુંડ પણ કહેવાય છે. તેમાં સ્નાન કરાવવામાં આવે છે. આ ઉત્સવમાં કકલ એટલે કે નોળિયારૂપી નૃગરાજાનો ભગવાન શ્રીકૃષ્ણે ઉધ્ધાર કરેલ તે કુંડમાં સ્નાનાર્થે ભગવાનનું બાલસ્વરૂપ મુખ્ય મંદિરેથી આવી ઠાકોરજીને પૂજન-અર્ચન કરી પંચામૃતથી નવડાવી કુંડમાં સ્નાન કરાવવામાં આવે છે. આજના પવિત્રા એકાદશીના દિને ભગવાનનું જ એક બાલ સ્વરૂપ નગરજનોને દર્શન આપી એક ઉત્કૃષ્ટ પ્રજાપાલક તરીકે બધાની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. દ્વારકાધીશએ અહીંના રાજા હોય તેઓને એક રાજાની આન, બાન અને શાન હોય તેવા ઠાઠમાં ઠાકોરજીનું બાલસ્વરૂપ શહેર ભ્રમણ કરે છે. અને દ્વારકા પોલીસ તેમજ એસ.આર.પી.ના જવાનો ખડેપગે રહી દ્વારકાના રાજાને ગાર્ડ ઓફ ઓનર પણ આપે છે. આ વખતે પણ રાણીવાસના પૂજારી આનંદભાઈ ઉપાધ્યાય તથા વિજયભાઈ વિગેરે દ્વારા શાહી ઠાઠ સાથે ઠાકોરજીની પાલખી કાઢી વાજતે ગાજતે કૃકલાશ કુંડ પહોંચી તમામ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર જીલણા એકાદશીની ઊજવણી કરવામાં આવી હતી.
દ્વારકાધીશજીને વિશેષ શ્રૃંગાર કરાયા
શ્રાવણ સુદ અગિયારસ એટલે કે પવિત્ર એકાદશી. દ્વારકાધીશ જગતમંદિરમાં પવિત્રા એકાદશી પર્વને દર વર્ષે પરંપરાગત રીતે ઊજવવામાં આવે છે. જગતમંદિરના પ્રણવભાઈ પૂજારીના જણાવ્યાનુસાર આજના પાવન દિને કૃષ્ણ વંદે જગદ્ગુરૂ એટલે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશને પોતાનું સર્વસ્વ માનતા ભક્તગણ દ્વારા જગતગુરૂ દ્વારકાના રાજાધિરાજને સંધ્યા આરતી પહેલાં ભક્તિભાવ સાથે પવિત્રા પધરાવવામાં આવે છે. પવિત્રાને પૂજારીઓ દ્વારા રાત્રે શયન સ્તુતિ પહેલાં ઠાકોરજીને અર્પણ કરવામાં આવી છે.