ભાજપ કોંગ્રેસના નર્મદાના રાજકારણની કારી ન ફાવવા દેતી કુદરત
મોરબીના લાખો લોકોને પીવાનું પાણી પૂરું પાડતા મચ્છુ – ૨ ડેમ તળિયા ઝાટક થઈ જતા શહેરી અને ગ્રામ્યપ્રજા ભગવાન ભરોસે મુકાઈ હતી તેવામાં ગઈકાલે રાત્રિથી મેઘરાજાએ મોરબીવાસીઓની ચિંતા કરી અપાર હેત વરસાવતા મચ્છુ ડેમમાં ૨૫ એમસીએફટી નવું પાણી આવી ગયું છે અને સવાર સુધીમાં આ જથ્થો ૩૦ એમસીએફટીની સપાટી વટાવી જશે તેવી શક્યતા સિંચાઈ વિભાગે વ્યક્ત કરી છે, જો કે એક ખરા સમયે આવેલા મેઘરાજાએ ” બહુ મથે માનવી ત્યારે વિઘો માંડ પવાય. પણ રઘુવિર રીજે રાજડા નવખંડ લીલો થાય ” કહેવત સાચી પાડી છે અને નર્મદાના નાટક કરતા તંત્રને પણ ચૂપ કરાવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પંથકમાં ગઈકાલે રાત્રિથી વરસાદ શરૂ થયા બાદ આજે સવારથી મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ્સ શરૂ કરતાં સિઝનનો સૌથી વધુ વરસાદ આજે પડ્યો છે. બીજી તરફ તળિયાઝાટક મચ્છુ-૨ ડેમ સાઇટ વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યાથી અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે સાથે મચ્છુ ઉપરવાસના ગામડાઓમાં પણ શ્રીકાર વરસાદ પડતાં મચ્છુ – ૨ ડેમમાં ૨૫ એમસીએફટી નવા પાણીની આવક થવા પામી હતી.
મચ્છુ – ૨ ડેમના અધિકારી બેચરભાઈ બરાસરાના જણાવ્યા મુજબ મચ્છુ- ૨ ડેમમાં માત્ર ૧ એમસીએફટી પાણીનો જથ્થો હતો. ત્યારે આજે બપોરે ૩ વાગ્યા થી અત્યાર સુધીમાં ડેમમાં પડેલો ભારે વરસાદ તેમજ ઉપરવાસના વરસાદના કારણે ડેમમાં ૨૫ એમસીએફટી પાણીની આવક થઈ છે અને હજુ પણ પાણીની ધીંગી આવક ચાલુ હોય આવતીકાલે સવાર સુધીમાં ડેમમાં પાણીનો જથ્થો ૩૧ એમસીએફટી સુધી પહોંચી જશે.
ઉલ્લેખનીય છે કે, મોરબી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને પાણી પૂરું પડતા મચ્છુ ડેમ તળીયા ઝાટક થવાને આરે હતો તે પૂર્વે છેલ્લા દોઢેક માસથી કોંગ્રેસના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે મચ્છુ ડેમમાં સૌની યોજના મારફતે નર્મદાના નિર ઠાલવવા સરકારને વારંવાર રજુઆત કરી હતી પરંતુ કોઈ જ પગલાં ન લેવાતા આજે તો ડેમના ડેડસ્ટોક વોટરમાંથી પાણી ઉપાડવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.
છે ને કુદરતની કમાલ અત્યાર સુધી કોરા ધાકોડ રહેલા મોરબીમાં સોમવારે સવાર સુધી તળિયાઝાટક દેખાતા મચ્છુ -૨ ડેમમાં વરસાદના કારણે અચાનક પાણીનો મોટો જથ્થો આવી જતા પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી અબોલ પશુઓ અને કાળા માથાના માનવીની ચિંતા એક જ રાત્રીમાં વગર રાજકારણ અને વગર રજુઆતે દૂર થવા પામી છે.