ઘેર-ઘેર પુરાશે રંગોળી અને તુલસી કયારે મુકાશે શેરડીના સાટા: દેવ ઉઠી અગિયારસ બાદ લગ્ન પ્રસંગની મોસમ

કારતક સુદ અગિયારસને સોમવારે તુલસીવિવાહ છે. ભગવાન વિષ્ણુ અષાઢ સુદ અગિયારસે ગાઢ નિંદ્રામાં પોઢી કારતક સુદ અગિયારસે જાગે છે. આથી દેવ ઉઠી અગિયારસ પણ કહેવાય છે. આદિવસે તુલસી અને શાલિગ્રામના મંગલ વિવાહ થાય છે. ત્યારબાદ આમ લોકો પોત પોતાના શુભ માંગલિક પ્રસંગો લગ્નની શરૂઆત કરે છે.

ભાવિકો આદિવસે સાંજના સમયે તુલસીવિવાહ કરે છે. વાજતે ગાજતે જાનના સામૈયા, મંડપ, ફેરા, જમણવાર વગેરે કાર્યક્રમો ધાર્મિક વાતાવરણ ઉભુ કરે છે. કોઈ જાનૈયા તો કોઈ માંડવિયા પક્ષમાં જોડાઈ કન્યાદાન કરે છે. સુખી દામ્પત્ય, સંતાન સુખ વગેરે માટે તુલસીવિવાહ કરવામાં આવે છે. જેમાં ઘરે દિકરી ન હોય તેઓ તુલસીને પરણાવી કન્યાદાનનું સુખ પ્રાપ્ત કરે છે.

આ દિવસ દેવદિવાળીના ‚પમાં મનાવાતો હોય ઘર ઘરના આંગણમાં દિવડા રંગોળી પુરાય છે.તુલસીના કયારા પાસે શેરડીના સાટાને રાખી મંડપ બનાવવાનું મહત્વ છે. બાળકો ફટાકડા ફોડી દિવાળીની યાદ તાજી કરે છે.

એક લોક વાયકા પ્રમાણે પતિવ્રતા વૃંદાનું પાતિવ્રત્ય ભગવાને ખંડિત કરતા વૃંદાને શ્રાપ આપ્યો અને સતી થઈ ત્યારબાદ તેની રાખમાંથી તુલસીનો જન્મ થયો અને ભગવાનનું આઠમું સ્વરૂપ એવા શાલીગ્રામ સાથે વિવાહ્ થયા ત્યારથી તુલસી વિવાહ પર્વ ઉજવાય છે.

તુલસીનો છોડ વાતાવરણને શુધ્ધ અને પવિત્ર બનાવે છે. તુલસીનો તાજો રસ મોંમા માંદા ચાંદા પડયા હોય તો તેના માટે ફાયદાકારક છે. તુલસીના સેવનથી મોંની દુર્ગંધ દૂર થાય છે. તુલસીવાળી આ રોગપ્રતિકારક શકિત વધારે છે. આમ તુલસીનો છોડ આયુર્વેદિક રીતે પણ ખૂબજ ફાયદાકારક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.