- મકાન વેચાણના પૈસા ઘરે લઈને આવ્યા ત્યારે ભત્રીજો થેલો પડાવી બાઈક પર ભાગી ગયો
- ગણતરીની કલાકોમાં જ લૂંટારા ભત્રીજાને પોલીસે ગોંડલ પાસેથી દબોચી લીધો: રૂ.11 લાખની મત્તા કબ્જે
શહેરમાં કોઠારીયાના પેટ્રોલ પંપ પાસે દીન દહાડે એક લૂંટની ઘટના સામે આવી છે આ અંગે ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો કાપલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો શરૂ કર્યો હતો જેમાં મકાન વેચ્યાના રૂ.14 લાખ લઈને કાકાના હાથમાંથી ભત્રીજો પૈસાનો થેલો ઝૂંટવી નાસી ગયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે. ગણતરીની કલાકોમાં જ લૂંટારા ભત્રીજાને પોલીસે ગોંડલ પાસેથી દબોચી લઈ રૂ.11 લાખની મત્તા કબ્જે કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા પાસે આવેલી શાનદાર ટાઉનશિપમાં રહેતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અશોકભાઈ ગોરધનભાઈ ચોવટીયાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પોતાના કાકાના પુત્ર હાર્દિક ચંદ્રકાંત તેમનો રૂ.14 લાખથી ભરેલો થયેલો લુટી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે.આજીડેમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અશોકભાઈ ગોરધનભાઈ ચોવટીયા તથા તેમના પિતા ગોવર્ધનભાઈ ચોવટીયા પત્ની સંગીતાબેન ચોવટીયા અને મિત્ર કાંતિભાઈ તેમનું રણુજા મંદિર પટેલ પાર્કમાં આવેલું મકાન કૌશલ ભાઈ શિશાંગિયાને વહેચ્યું હતું.પરિવારના તમામ સભ્યો મવડી ચોકડી પાસે કૌશલભાઈના ઘરે મકાનના કાગડિયા કરી અને રૂ.14 લાખ લઈને પરત કોઠારીયા પોતાના ઘરે આવી રહ્યા હતા.
અશોકભાઈ ચોવટીયા પોતાની પાસે રહેલો રૂ.14 લાખ ભરેલો થેલો લઈને ઘરના પાર્કિગમાં પહોંચ્યા હતા. તે દરમિયાન ત્યાં જ મૂળ જામનગરનો અને હાલ પાડોશમાં રહેતો તેમના કાકાનો પુત્ર હાર્દિક ચોવટીયા ત્યાં પોતાનું જીજે – 11 – એલએલ – 9876 નંબરનું બાઈક લઈને ધસી આવ્યો હતો અને પૈસા ભરેલો થેલો ફરિયાદીના પિતા ગોરધનભાઈના હાથમાંથી ઝોટ મારી લૂંટ ચલાવીને નાસી ગયો હતો.આ અંગે ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને અશોકભાઈ ચોવટીયા ની ફરિયાદ પરથી હાર્દિક ચોવટીયા સામે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તેનું પગેરું મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.