બાઇક પર આવેલા બે શખ્સોએ ચાર કાર અને ચાર રિક્ષાના કાચ ફોડી બંને શખ્સો બાઇક પર સીંધી કોલોની તરફ ભાગી ગયા: સીસીટીવી ફુટેજ મેળવી પોલીસે શોધખોળ શરૂ કરી

જામનગર રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં એક સાથે આઠ જેટલા વાહનના ગત મધરાતે બે શખ્સોએ ફોડી બાઇક પર ફરાર થઇ જતાં વાહન ચાલકોમાં ગોકીરો બોલી ગયો છે. પ્ર.નગર પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તોડફોડ કરી ભાગી છુટેલા બંને તોફાની તત્વોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલા હુડકો કવાર્ટરમાં જી.જે.3એચઆર. 5227, જી.જે.3કેએચ. 2592, જી.જે.3એચઆર. 7862 અને જી.જે.3જેસી. 8358 નંબરની કાર અને જી.જે.3 બીએકસ. 4125, જી.જે.3બીયુ. 1971, જી.જે.27ટી. 8864 અને જી.જે.7વીડબલ્યુ. 5293 નંબરની રિક્ષાના કાચ ફોડી બાઇક પર બે અજાણ્યા શખ્સો ભાગી ગયાની હુડકો કવાર્ટરમાં રહેતા રફીકભાઇ ઓસમાણભાઇ દલે પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ગતરાતે રફીકભાઇ દલ જામનગર રોડ પર થયેલી શબીલમાં મોડીરાત સુધી રોકાયા બાદ પોતાના ઘરે સુઇ ગયા હતા ત્યારે અચાનક શેરીમાં અને શબીલ પાસે ગોકીરો થતા તેઓ જાગી ગયા હતા અને શેરીમાં શું થયું તે જોવા ગયા તે દરમિયાન પોતાની એક રિક્ષા અને ઇક્કો કારના કાચ તુટેલા જોવા મળ્યા હતા તેમજ એકઠાં થયેલા ટોળામાંથી જાણવા મળ્યું કે, અન્ય ત્રણ રિક્ષા અને ત્રણ કારના કાર પણ બંને શખ્સોએ ફોકી નુકસાન કર્યાનું જાણવા મળ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

પ્ર.નગરના એએસઆઇ એસ.આર.જોગરાણાએ બે અજાણ્યા શખ્સો સામે નુકસાન કર્યા અંગેનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા બાઇક પર આવેલા બંને અજાણ્યા શખ્સો ધારદાર હથિયારથી કાચ ફોડી સીંધી કોલોની તરફ ભાગી ગયાના ફુટેજ મળ્યા છે. બંને શખ્સોને ઝડપી લેવા પોલીસે ચ્રકો ગતિમાન કર્યા છે. બંને શખ્સો ઝડપાયા બાદ જ શા માટે એક સાથે આઠ જેટલા વાહનના કાચ ફોડયા તે અંગેની વિગત બહાર આવે તેમ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.