રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ રીક્રુટમેન્ટ ડ્રાઈવથી ભરતી પ્રક્રિયા આવનારા વર્ષોમાં હાથ ધરવાના સંવેદના સ્પર્શી અભિગમ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઈન્ડ ગુજરાત બ્રાંચ દ્વારા સન્માન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસના ઉપલક્ષમાં નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઈન્ડની ગુજરાત શાખાના દસ જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ લીધી હતી.
દિવ્યાંગોને સમાજની મુખ્ય ધારામાં આગળ ધપાવવાં તેમજ તેમના પ્રત્યેનો લોકોનો દ્રષ્ટિકોણ બદલવાના ઉદ્દાત ભાવ સાથે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૪ના આ વર્ષના આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસની થીમ “સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિઓના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું” રાખવામાં આવેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત અને સંવેદનાસ્પર્શી નેતૃત્વમાં રાજ્ય સરકારે આ થીમને અનુરૂપ એક અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીના આ અભિગમ અનુસાર રાજ્ય સરકારની સેવાઓમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પેશ્યલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ-ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરીને નિયમાનુસાર સમગ્રતયા અંદાજે ૨૧ હજારથી વધુ જગ્યાઓ પર દિવ્યાંગ વ્યક્તિઓની આવનારા વર્ષોમાં ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવેલી આ સંવેદના માટે નેશનલ ફેડરેશન ઓફ ધી બ્લાઈન્ડની ગુજરાત શાખાના પ્રજ્ઞાચક્ષુઓએ મુખ્યમંત્રીને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રત્યક્ષ મળીને તેમનું સન્માન કર્યુ હતું અને આભાર પ્રગટ કર્યો હતો.
આ વેળાએ ફેડરેશનની ગુજરાત બ્રાંચના પ્રેસિડેન્ટ અને જનરલ સેક્રેટરી સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શારીરિક કે માનસિક અશક્ત વ્યક્તિ પ્રત્યે સંવેદના દાખવીને વિકલાંગ વ્યક્તિઓને ‘દિવ્યાંગ’ જેવું સન્માનજનક નામ આપ્યું છે.
૨૦૧૬માં વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ-2016 પણ પસાર કર્યો છે, અને દિવ્યાંગજનોને સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે.
એટલું જ નહિ કેન્દ્ર અને રાજ્ય સરકારે દિવ્યાંગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે.