સામસામે મારામારીમાં વૃદ્ધા સહિત ચાર ઘાયલ: માથાકૂટ બાદ મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું
શહેરના દૂધ સાગર રોડ પર પરિણીતા સાથે મોબાઈલમાં વાતચીત કરવા મામલે ચાલતા પ્રકરણમાં ગઇ કાલે ફરી એક વખત બે પરિવાર સામસામે આવી જતા માથાકૂટ થઇ હતી. ત્યાર બાદ સામસામે હથિયાર વડે હુમલો કરતા વૃદ્ધા સહિત ચાર લોકો ઘવાયા હતા. માથાકૂટ બાદ એક મહિલાએ ફિનાઇલ ગટગટાવી લેતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત દૂધ સાગર શેરી નંબર -1માં રહેતા યાકુબભાઈ પુંજાભાઈ મુલતાની (ઉ.વ.72) તેમના પુત્ર હનીફભાઇ મુલતાની (ઉ.વ.43) અને પૌત્ર એઝાઝ મુલતાની (ઉ.વ.24) પર તેમના પાડોશમાં રહેતા ઇનાયત, મોહસીન સહિત ચાર શખ્સોએ છરી અને પાઇપથી હુમલો કરતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હોસ્પિટલના બીછાને રહેલા યુવાને જણાવ્યું હતું કે થોડા મહિના પહેલા યાકુબ ભાઈનો પુત્ર શેહઝાદ કોઈ પરિણીતા સાથે મોબાઈલમાં વાતચીત કરતો હતો.
જે બાબતે બંને પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી.તો સામાપક્ષે જણાવ્યા મુજબ દૂધ સાગર રોડ પર રહેતા રોશનબેન બાબુભાઈ સંધી નામના 62 વર્ષીય વૃદ્ધા પર હનીફ અને શેહઝાદ નામના શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કરતા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ બંને પક્ષે માથાકૂટ થતા હનીફભાઇની પત્ની રૂકશાનાબેન મુલતાનીએ ફિનાઇલ ગટગટાવી લેતાં તેઓને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.