વીજ ચેકિંગ ઝુંબેશનાં આજે પાંચમાં દિવસે પીજીવીસીએલ બોટાદ, બરવાળા, પાળીયાદ તેમજ રાજકોટ સીટીમાં મવડી, વાવડી અને માધાપરમાં વીજ ચેકિંગ કરશે
પીજીવીસીએલે સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં વીજ ચોરી પકડવા માટે આદરેલી કવાયતનાં ચોથા દિવસે જામનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ ગ્રામ્યના વિસ્તારોમાં કુલ ૧૨૪ ટીમોએ ૨૧૭૪ કનેકશનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગેરરીતિવાળા ૩૫૯ કનેકશનોને ઝડપીને ૪૮.૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ગઈકાલે વીજ ચેકીંગ ઝુંબેશના ચોથા દિવસે પીજીવીસીએલ દ્વારા જામનગર સર્કલ હેઠળના ખંભાળીયા ગેટ સહિતના સબ-ડીવીઝન હેઠળના વિસ્તારોના ૫ ફિડરોમાં ૩૩ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૪૬૧ કનેકશનો ચેક કરાતા ૯૮ ગેરરીતિવાળા કનેકશનો પકડાયા હતા. આ ગેરરીતિવાળા કનેકશનોને ૧૨.૬૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર સર્કલના લીંબડી સીટી અને ‚રલ, ચુડા, સાયલાના ૮ ફીડર હેઠળના ૨૪ ગામોમાં ૫૧ ટીમો દ્વારા ૮૩૨ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૧૪૧ ગેરરીતિવાળા કનેકશનો પકડાતા તેઓને ૨૪.૨૧ લાખનો દંડ ફટકારાયો હતો. રાજકોટ ગ્રામ્યમાં પડધરી, લોધીકા, કુવાડવા, રોણકીના સબ ડીવીઝનના ૭ ફીડરો હેઠળના ૨૪ ગામોમાં ૪૦ ટીમો દ્વારા ૮૮૧ કનેકશનોનું વીજ ચેકિંગ હાથ ધરાતા ૧૨૦ ગેરરીતિવાળા કનેકશનોને પકડયા હતા. તેઓ પાસેથી ૧૧.૬૪ લાખના બીલની વસુલાત કરવામાં આવી હતી.
આજે સતત પાંચમાં દિવસે વીજ ચેકિંગ ઝુંબેશ યથાવત રાખતા પીજીવીસીએલ દ્વારા બોટાદ, બરવાળા અને પાળીયાદના કુલ ૬ ફીડરમાં ૫-જયોતિગ્રામ અને ૧ અર્બનમાં કુલ ૪૮ ટીમો દ્વારા ચેકિંગ કરાશે. આ ઉપરાંત રાજકોટ સિટી ડીવીઝનનાં વાવડી, મવડી અને માધાપરના ૪ ફિડરોમાં ૩૨ ટીમો દ્વારા વીજ ચેકિંગ કરાશે.