રાજયભરના આરોગ્ય કર્મચારીઓ ર૧મીથી પાંચ દિવસ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે, ર૮મીએ ફરજ પર હાજર રહેશે  પરંતુ રીપોટીંગ નહી કરે, ૬ ફેબ્રુઆરીએ માસ સીએલ અને ૧પ ફેબ્રુઆરીથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરશે

રાજયભરના આરોગ્ય કર્મચારીઓ વિવિધ પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે આગામી તા.ર૧થી વિરોધદર્શક કાર્યક્રમો આપવાના છે. જેમાં આરોગ્ય કર્મીઓ ર૧મીથી પાંચ દિવસ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે ર૮મીએ ફરજ પર હાજર રહેશે. પરંતુ રીપોટીંગ કરશે નહીં. ૬ ફેબ્રુઆરીએ માસ સીએલ અને ૧પ ફેબ્રુઆરીએ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરવાનું એલાન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજયભરનાં વિવિધ સંવર્ગના તમામ આરોગ્ય કર્મચારીઓના હિતાર્થે પડતર પ્રશ્ર્નો અંગે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને પંચાયત મંત્રીને આવેદન પાઠવીને રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત સંદર્ભે રાજય સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તાકીદે કારોબારી સભા બોલાવવામાં આવી હતી આ કારોબારી સભામં પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા માટે લડતો માર્ગ અપનાવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. આ બેઠકમાં આંદોલનના કાર્યક્રમનું આયોજન કરીને રાજયભરના વિવિધ સંવર્ગનાં તમામ આરોગ્ય કર્મચારી ભાઇઓ- બહેનોને આ આંદોલનમાં જોડાવાની સુચના આપવામાં આવી છે.

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘનાં આદેશને પગલે રાજયભરનાં આરોગ્ય કર્મચારીઓ આગામી તા.ર૧ થી રપ સુધી કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવશે. તા. ર૮ના રોજ આરોગ્ય કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે પરંતુ તાલુકા, જીલ્લા અને રાજયકક્ષાએ રીપોટીંગ કરશે નહીં. તા.૬ ફેબ્રુઆરીના રોજ માસ સીએલ મુકી જીલ્લા મથકે રામધુન, સફાઇ કામગીરી અને દેખાવ કાર્યક્રમો આપશે. બાદમાં તા.૧પ ફેબ્રુઆરીથી આરોગ્ય કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જશે તેમ આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી વજુભા જાડેજા, મુખ્ય કન્વિનર સુરેશભાઇ ગામીત અને પ્રમુખ કીરીટસિંહ ચાવડાએ જાહેર કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.