હિંદુસ્તાનના રેલ્વે વ્યવહારના આરંભનો ઐતિહાસિક દિન. તમને નવાઈ લાગશે કે તે દિવસે મુંબઈમાં રજા જાહેર કરવામાં આવી હતી. બોરીબંદરના સ્ટેશન પર જનમેદની ઉમટી પડી હતી.
બોરી બંદરના પ્લેટફોર્મ પર 14 કોચ સાથેની ટ્રેન તૈયાર હતી. તેને ત્રણ સ્ટીમ એન્જિનો જોડેલાં હતાં. ટ્રેનમાં આશરે 400 પેસેંજર ગોઠવાઈ ગયા. જીઆઇપીઆરના ભારતીય ડાયરેક્ટર સર જમશેત્જી જીજીભોય અને જગન્નાથ શંકર શેઠ સહિત ઇસ્ટ ઇંડિયા કંપનીના અધિકારીઓ, અન્ય પ્રતિષ્ઠિત અંગ્રેજ અને હિંદુસ્તાની આગેવાનો ગોઠવાયા. મુંબઈના ગવર્નર લોર્ડ ફોકલેન્ડ ન આવ્યા, પણ તેમનાં પત્ની લેડી ફોકલેંડ વિશેષ આમંત્રિત મહેમાન હતાં.
બપોરના સાડા ત્રણ વાગ્યા સુધીમાં આ તમામ મહેમાનો ગોઠવાઈ જતાં એકવીસ તોપોની સલામી અપાઈ. બપોરે 3 35 વાગ્યે પ્લેટફોર્મ છોડી, ત્રણ સ્ટીમ એંજિન લોકોમોટિવથી ચાલતી, 14 કોચની ભારતની પ્રથમ પેસેંજર રેલવે ટ્રેને થાણે તરફ પ્રયાણ કર્યું. બોરી બંદરથી 34 કિલોમીટરની – આશરે 45 મિનિટની – સફળ મુસાફરી પછી ટ્રેન હેમખેમ થાણે પહોંચી.
થાણામાં સમારંભ પછી, વળતી મુસાફરી કરી, સાંજના સાતેક વાગ્યે ટ્રેન બોરીબંદર મુંબઈ પાછી ફરી. આમ, સોળમી એપ્રિલ 1853ના રોજ મુંબઈમાં ભારતની (એશિયાની પણ) સર્વ પ્રથમ સ્ટીમ લોકોમોટિવ સંચાલિત જાહેર રેલવે ટ્રેન સેવાનો આરંભ થયો.
બીજે દિવસે, રવિવાર 17મી એપ્રિલના રોજ પૂરી બોરીબંદર-થાણા ટ્રેન જીઆઇપીઆરના ભારતીય ડાયરેક્ટર અને પારસી ઉદ્યોગપતિ જમશેત્જી જીજીભોયના પરિવાર અને તેમના આમંત્રિત પરિચિતો માટે રિઝર્વ્ડ કરાઈ હતી.ત્યાર પછી બોરીબંદર થાણે રેલવે ટ્રેન વ્યવહાર નિયમિત શરૂ થયો.
બીજી કરુણતા એ કે હિંદુસ્તાનની પ્રથમ પેસેંજર ટ્રેનને ખેંચનાર ત્રણ ઐતિહાસિક સ્ટીમ એંજિન લોકોમોટિવ – સાહેબ, સુલતાન તથા સિંધ – ક્યાં ખોવાઈ ગયા તેની કોઈ નોંધ નથી. ‘મધુસંચય’ના વાચકોને ખેદ થશે કે સાહેબ અને સુલતાનનું શું થયું તેનો કોઈ રેકર્ડ નથી. ઉપેક્ષિત સિંધ છાનુંમાનું મુંબઈના એક વર્કશોપમાં પડી રહ્યું હતું! ત્યાંથી બિચારાને ખેંચીને, 1953માં દિલ્હી લઈ ગયા – રેલવે શતાબ્દી ઉજવણી માટે પ્રદર્શન કરવા! બસ, પછી સિંધ ક્યાં ગુમ થઈ ગયું તેની કોઈને ખબર નથી. ઇતિહાસનાં અમૂલ્ય સ્મૃતિચિન્હો તથા સ્મારકોની ઘોર ઉપેક્ષા આપણને, ભારતીયોને એવી તો કોઠે પડી ગઈ છે કે મારી માફક આપ પણ કહેશો કે આ અરણ્ય રૂદન કોણ સાંભળશે?
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com