નોટબંધી બાદ કાળા નાણા પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરીને નરેન્દ્ર મોદી સરકારે બેનાવી સંપતિ પર નિશાન સાધ્યું હતું. હવે આ પહેલમાં બેનામી સંપત્તિધારકોની ગુપ્ત માહિતી આપશે તે બાતમીદારને સરકારે એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. સરકારી અધિકારીના જણાવ્યા મુજબ બાતમી સચોટ હોવી જોઈએ અને બાતમી આપનારનું નામ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે.
ગત વર્ષે સરકારે જે બેનામી સંપતિ કાયદો લાગુ કર્યો હતો, તેમાં આ જોગવાઈ નહતી. જો કે અગાઉ પણ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ, ડીઆરઆઈ દ્વારા બાતમી આપનારને ઈનામનું પ્રોત્સાહન આપવામાં આવતું હતું. પરંતુ આટલી મોટી રકમ ઈનામ સ્વરૂપે પ્રથમ વખત આપવામાં આવશે.
બેનામી સંપતિ ધરાવતા લોકોની માહિતી એકત્ર કરવાનું કામ આઈટી અધિકારીઓ અને વહીવટી તંત્ર માટે કપરું હોય છે. સીબીડીટીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જો અમે બાતમીદારોની મદદ લઈએ તો કાર્યવાહી ઘણી સરળ, ઝડપી અને અસરકારક બનશે. માહિતી પુરી પાડનારને ઈનામ આપવામાં આવશે જેથી કામગીરી સરળ બની જશે અને દેશભરમાં બેનામી સંપતિ ધરાવનારાઓની મુશ્કેલીમાં વધારો થશે.’ પ્રવર્તમાન સમયે આ દરખાસ્ત નાણાં મંત્રાલય પાસે છે. નાણાં મંત્રાલયની લીલી ઝંડી મળ્યા બાદ સીબીડીટી તેની સતાવાર જાહેરાત કરી શકે છે. પ્રાપ્ત વિગતો મુજબ ઓકટોબર અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ બાબતની જાહેરાત થઈ શકે છે.