અંજારના સતાપર ગામે લૂંટના ઈરાદે મહિલાની કરપીણ હત્યા
અંજાર તાલુકાના સતાપર ગામે લૂંટના ઈરાદે છકડા ચાલકના ઘરમાં ઘુસી મોઢુ બાંધી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી પ્રહારો કરી મહિલાને મોતને ઘાટ ઉતારી નાખી હતી કબાટમાંથી દાગીનાની ચોરી કરી હત્યારા પલાયન થઈ જતા સનસનાટી મચી ગઈ છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સતાપર જુનાગામે રહેતા અને છકડો ચલાવતા હરી પાંચા ઢીલા (આહિર) ઉવ.36 ધંધાર્થે અંજાર ગયા હતા. જ્યારે તેમની પત્ની મીઠીબેન ઢીલા ઉવ.34 જેઓ પણ ગામમાં ચાલતા મનરેગા યોજના હેઠળના રાહતકામમાં જતા હોઈ કામેથી 11 વાગ્યાના અરસામાં પરત આવ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઈસમ લૂંટના ઈરાદે તેમના ઘરમાં ધસી ગયા હતા.
મીઠીબેન રાડરાડ ન કરી સકે તે માટે તેમનુ મોઢુ બાંધી નાખ્યું હતુ. બાદ તેમને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધો હતા. ગંભીર ઈજાને કારણે મીઠીબેને દમ તોડી દીધો હતો. ઘરમાં રાખેલા કબાટમાં દાગીનાનો સફાયો કરી પલાયન થઈ ગયા હતા. બપોરના દોઢેક વાગ્યાના અરસામાં હરીભાઈ જમવા ઘેર ગયા હતા. ત્યારે પત્ની મીઠીબેન રુમમાં પલંગમાં મોઢા પર ઓશીકુ રાખી સુતેલાં નજરે પડયા હતા. હરીભાઈએ જમવાનુ આપવાનુ કહેતા મીઠીબેને કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. જેથી ઓશીકુ હટાવતા નજર સામે પત્નીની લોહીથી લથબથ હાલતમાં લાશ નજરે પડી હતી. હરીભાઈએ રાડારાડ કરતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતા અંજાર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગે પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યા, લૂંટ સહિતની કલમો તળે ગુનો નોધી તપાસનો દોર હાથ ધર્યો છે.
ડોગ સ્કવોર્ડ, એફએસએલ સહિતની મદદથી તપાસનો દોર હાથ ધર્યો છે. લૂંટના ઈરાદે મહિલાની ઘાતકી હત્યા નિપજાવાનો બનાવ ઉજાગર થતા હડકંપ મચી ગયો છે. ત્યારે બનાવમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, અંજાર પોલીસ વગેરેની 5 અલગ અલગ ટીમો બનાવામા આવી છે અંજાર પોલીસ મથકના એસ.એન.ગડુ સહિતના સ્ટાફે હત્યારાનું પગેરૂ દબાવ્યું છે.