સાયન્સ મ્યુઝિયમ, મુવેબલ હોસ્પિટલ અને સ્પોર્ટ્સ હોસ્ટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લી મુકાઈ તેવી શકયતા
રાજકોટમાં સાયન્સ મ્યુઝિયમ, મુવેબલ હોસ્પિટલ અને સ્પોર્ટ્સ હોસ્ટેલ તૈયાર થઈ ગઈ છે. આ ત્રણેય મહત્વના પ્રોજેકટના લોકાર્પણ માટે સરકારમાં દરખાસ્ત કરી સમય માંગવામાં આવ્યો હતો. ત્યારે આગામી 31મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં આવી આ ત્રણેય પ્રોજેક્ટનું લોકાર્પણ કરે તેવી શકયતા સુત્રોમાંથી જાણવા મળી રહી છે.
ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી મારફત અદ્યતન પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમનું ઈશ્વરીયા પાર્ક પાસે નિર્માણ થયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના નવા ક્ષેત્રે યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા, શિક્ષિત કરવા અને આત્મવિશ્વાસ વધારવા આ કેન્દ્ર મહત્વનું બની રહેશે. આ મ્યુઝિયમ 10 એકર જમીન ઉપર બનાવવામાં આવ્યું છે.
પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમના મુખ્ય આકર્ષણોમા વિવિધ વિજ્ઞાનને ખંગાળતી થીમ આધારિત છ ગેલેરીઓ, આરામ સાથે માહિતીઓને ખંગાળવા માટે સેન્ટ્રલ કોર્ટયાર્ડ, વર્કશોપ્સ નું આયોજન કરવા માટે સુવિધા, થીએટર, થીમ આધારિત ઉદ્યાન, દિવ્યાંગો અને વૃધ્ધો માટે અનુકૂળ એવી મ્યુઝિયમની ડિઝાઇન, આઉટડોર મનોરંજક પ્રવૃતિઓ અને કાફેટેરિયા જેવી સુવીધાઓ પણ છે.
આ ઉપરાંત પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીની મદદથી સોલાર સિસ્ટમ પણ લગાવવાનું આયોજન છે. જેથી મ્યુઝિયમ કલીન એનર્જી એફિસિયન્ટ બને અને સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરી અને તેનો વપરાશ કરવા માટે આવનાર લોકોને પ્રેરણા પણ મળશે.આ મ્યુઝિયમ તૈયાર થઈ ગયું છે.
બીજી તરફ કોરોનાની બીજી લહેરમાં ચૌધરી હાઇસ્કૂલના મેદાનથી લઇને છેક રોડ સુધી એમ્બ્યુલન્સની લાઇન લાગી હતી. હજુ સંભવિત ત્રીજી લહેરનો ખતરો તોડાઇ રહ્યો છે. ત્યાંરે એક નવીન ટેક્નોલોજીસાથે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં જરૂર પડ્યે એકસાથે 100 બેડની વ્યવસ્થા કરી શકાય તેવી ઇન્ડો અમેરિકન ટેક્નોલોજીની મુવેબલ હોસ્પિટલ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ છે.
કોરોનાની બીજી ઘાતક લહેરમાં ઓક્સિજન બેડ, સામાન્ય બેડ સહિતના ટાંચા સાધનોને લઇને જે સ્થિતિ થઇ હતી તેમાથી બોધપાઠ લઇને સંભવિત ત્રીજી લહેર સામે અત્યારથી જ તમામ સ્તરે તૈયારીઓ સ્ટેન્ડ ટુ રાખવામા આવી છે. ઇન્ડો અમેરિક ટેકનોલોજીથી આ પ્રકારની એર ડોમ ટાઇપ મુવેબલ હોસ્પિટલની વ્યવસ્થા સમગ્ર ભારતમાં પ્રથમ રાજકોટમાં થઇ છે. આ હોસ્પિટલ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે.
વધુમાં રાજકોટના રેસકોર્સ નજીક પોલીસ કમિશનરના બંગલાથી આગળની બાજુએ સ્પોર્ટ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. રમત ગમત વિભાગ દ્વારા મહાપાલિકા સંચાલિત સ્કૂલમાં હોસ્ટેલ તૈયાર કરી દેવામાં આવી છે. આ ત્રણેય પ્રોજેકટ હાલ તૈયાર થઈ ગયા છે. કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા આ ત્રણેય પ્રોજેકટના લોકાર્પણ માટે સરકાર પાસે સમય માંગવામાં આવ્યો હતો. ત્યારે આગામી 31મીએ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થાય તેવી પ્રબળ સંભાવના છે.