મુખ્યમંત્રીની જસદણ તાલુકાની મુલાકાતને પગલે જિલ્લા કલેકટર જસદણ-વિંછીયાની મુલાકાતે: ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા
કનેસરા ગામે સૌની યોજના હેઠળ ૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ચેક ડેમનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૨૭મીના રોજ જસદણ અને વિંછીયાની મુલાકાતે આવી રહ્યા હોય આજે જિલ્લા કલેકટર જસદણ-વિંછીયાની મુલાકાતે દોડી ગયા હતા. સાથોસાથ તેઓએ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ આગામી તા.૨૭ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિંછીયા ખાતે નવનિર્મિત મામલતદાર કચેરીનું લોકાર્પણ કરનાર છે ઉપરાંત આજ દિવસે જસદણના કનેસરા ગામે સૌની યોજના હેઠળ રૂ.૨ કરોડના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમના ખાતમુહુર્ત માટે આવી રહ્યા છે. મુખ્યમંત્રી જસદણ અને વિંછીયા તાલુકાની મુલાકાતે આવી રહ્યા હોય સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. વધુમાં મુખ્યમંત્રીના કાર્યક્રમના બદલે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ તૈયારી શરૂ કરવામાં આવી છે. આજરોજ જિલ્લા કલેકટર રાહુલ ગુપ્તા જસદણ-વિંછીયાની મુલાકાતે દોડી ગયા હતા સાથોસાથ તેઓએ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી હતી.