- જૈનમ્ જયતિ શાસાનમ્ !!!
- રિવરફ્રન્ટ ખાતે દીક્ષાના મહાનાયક આચાર્યદેવ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે 11 વર્ષની ઉંમરના બાળકથી લઇને 56 વર્ષના પ્રૌઢ સુધીના મુમુક્ષો સંયમના માર્ગે પ્રયાણ કરશે
અમદાવાદમાં સૌપ્રથમવાર સામુહિક 35 મુમુક્ષો એક સાથે સંયમના માર્ગ પર પ્રયાણ કરશે. આ દીક્ષા મહોત્સવ 18થી 22 એપ્રિલ વચ્ચે યોજાશે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણના 2,550 વર્ષની ઉજવણીના ભાગરૂપે 35 મુમુક્ષો 22મીએ સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરશે. રિવરફ્રન્ટ ખાતે અધ્યાત્મ નગરીમાં દીક્ષાના મહાનાયક આચાર્યદેવ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે 11 વર્ષની ઉંમરના બાળકથી લઇને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષો સંસારનો પરિત્યાગ કરીને પ્રભુ વીરના પંથે પ્રયાણ કરશે. આ પ્રસંગે ભવ્ય વરઘોડાની સાથે 7 કિમી લાંબી રથયાત્રા નીકાળવામાં આવશે. આ પાંચ દિવસીય મહોત્સવમાં દુનિયાભરમાંથી એક લાખ શ્રદ્ધાળુઓ હાજરી આપશે.
રિવરફ્રન્ટ ખાતે ત્રણ લાખ ચોરસ ફીટ વિસ્તારમાં રાજસ્થાનના ભવ્ય મહેલોની ઝાંખી કરાવતી અધ્યાત્મ નગરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બે લાખ મીટર કાપડનો અને 2.5 લાખ ચોરસ ફુટ લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય મંડપમાં 20 હજારથી વધુ લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા કરાઈ છે. રાત્રિના સમયે 2 હજાર દીવાઓ દ્વારા રોશની કરાશે. અધ્યાત્મ નગરી રાજસ્થાનના રાજમહેલની થીમ પર ભવ્ય મંદિરનુ નિર્માણ કરાયું છે. આ સાથે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ભક્તો માટે કરાઈ છે. ભક્તો માટે ત્રણેય ટંકના ભોજનની અને પીવાના પાણી માટે જગનો નહીં પરંતુ સેંકડો માટલાના પાણીની વ્યવસ્થા કરાઈ છે.
પાંચ દિવસના મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. જેમાં 18મીએ ભવ્ય શોભાયાત્રા અને ઉદ્ઘાટનની સાથે સાંજે સંધ્યા ભક્તિ, 19મીએ વિશિષ્ટ પુસ્તકોના વિમોચન કાર્યક્રમની સાથે દીક્ષાર્થીઓ પોતાનુ મંતવ્ય રજુ કરશે. 20મીએ મહેંદી મહોત્સવ અને સંધ્યા ભક્તિ, 21મીએ 7 કિમી લાંબી રથયાત્રા કાઢવામાં આવશે અને 22મીએ દીક્ષા વિધિનો પ્રારંભ કરાશે અને સંસારી નામોને કાયમી રદ કરી સાધુ-સાધ્વી તરીકેના નામ પ્રદાન કરાશે. સુરતના દેવેશ રાતડિયા ગાયક અને સંગીતકાર પણ છે. દીક્ષા ગ્રહણ કરનારા મુમુક્ષુઓથી પ્રેરાઈને તેમણે પોતે જ સાંસારિક જીવનનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદનો રહેવાસી 18 વર્ષનો હીત શાહ ક્રિકેટનો મોટો ચાહક છે. દીક્ષા લીધા બાદ તેણે છેલ્લો વર્લ્ડ કપ જોવાનું ટાળ્યું હતું.
દીક્ષા લીધા પછી તેણે ક્રિકેટના સ્કોર્સ વિશે પૂછપરછ કરવાથી પણ દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. સુરતના રહેવાસી અને 35 મુમુક્ષુઓમાંના એક ભવ્યે દર મહિને ગિરનાર તીર્થની યાત્રા કરવાની પ્રતિજ્ઞા લીધી છે. જો તે આમ કરવામાં નિષ્ફળ જાય, તો તે તે મહિના માટે મીઠાઈઓ ખાવાથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લે છે. માત્ર 13 વર્ષની ઉંમરે, સુરતના રહેવાસી હેત શાહે પંચ પ્રતિક્રમણ, ચાર વર્પા, ત્રણ ભાષ્ય, ત્રણ કર્મગ્રંથ, યોગશાસ્ત્ર અને અલંકાર શાસ્ત્ર જેવા જૈન સૂત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે. તેમણે જૈન હસ્તપ્રતોમાંથી આશરે 3,500 સૂત્રો કંઠસ્થ કર્યા છે.