આજી ડેમ, ન્યારી ડેમ સાઈટ, કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં વૃક્ષો વવાશે : ઉછેર તથા જતન પણ કરાશે: વૃક્ષારોપણ માટે નવી જગ્યાઓ શોધી કાઢવા વોર્ડ ઓફિસરોને હોમવર્ક
દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ૧લી ઓગસ્ટના દિવસે ધનિષ્ઠ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં આજીડેમ, ન્યારીડેમ સાઈટ, કોર્પોરેશનના ખુલ્લા પ્લોટ સહિતના સ્થળોએ ૫૧,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હોવાનું આજે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને બાગ બગીચા તથા ઝૂ સમિતિના ચેરમેન દેવુબેન જાદવે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૧લી ઓગસ્ટે ધનિષ્ઠ વૃક્ષારોપણ સંદર્ભે ગઈકાલે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી તથા પૂર્વ પ્રમુખ નિતીનભાઈ ભારદ્વાજની ઉપસ્થિતિમાં એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વૃક્ષારોપણ માટેની એક ‚પરેખા તૈયાર કરવામાં આવી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા મહાપાલિકાને મોટા રોપા આપવામાં આવશે. ગત ૨૯મી જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે આજીડેમ ખાતે ધનિષ્ઠા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. છતા આગામી ૧લી ઓગસ્ટના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. જેમાં ૫૧ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાશે છતાં શહેરીજનોને રોપાનું વિતરણ પણ કરવામાં આવશે. ધનિષ્ઠ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં શાળા-કોલેજો તથા સ્વૈચ્છીક સંસ્થાઓને જોડવામાં આવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજીડેમ સાઈટ, ન્યારી ડેમ સાઈટ તથા રેસકોર્સ-૨માં ૧૫ થી ૨૦ હજાર વૃક્ષો વાવવામાં આવશે. રાજકોટની ભૌગોલિક સ્થિતિ અને પરિસ્થિતિને અનુકુળ આવે તેવા લીંબુ, કરેજ, શીશુ, ગુલમહોર, ગરમાળો, રાયણ, ટીકોમા, આસોપાલવ અને અર્જુન જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. મહાપાલિકાના આ કાર્યક્રમમાં શહેર ભાજપ સંગઠન માળખુ પણ જોડાશે.
વૃક્ષારોપણ માટે શહેરભરમાં જગ્યાઓ શોધી કાઢવા વોર્ડ ઓફિસરને સુચના આપી દેવામાં આવી છે. આ વર્ષે રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.