ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

આગામી તા. 19 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ ખાતે આવી રહ્યા છે અને જંગી સભાને સંબોધશે તેવી ચર્ચાઓ છેલ્લા એકાદ અઠવાડિયાથી ચાલી રહી છે અને વડાપ્રધાનની જૂનાગઢની મુલાકાતને લઈને ભાજપ દ્વારા તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. જો કે, તંત્ર દ્વારા આ બાબતે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. કારણ કે વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ તંત્રને હજુ મળ્યો નથી, તો બીજી બાજુ જુનાગઢ જિલ્લાના ધોરણ 1 થી 12 સુધીના શિક્ષકોને આ દિવસે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું હોવાની વાતો સંભાઈ છે.

જુનાગઢમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં 19 તારીખે આવી રહ્યા છે અને એક જંગી સભાને સંબોધવાના છે. આ સાથે અનેક લોકાર્પણના કાર્યક્રમો તેમના દ્વારા કરવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અને બીજી બાજુ ભાજપ દ્વારા પણ પોતાના પક્ષ મોવડી એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જુનાગઢ આવી રહ્યા છે ત્યારે તેમની સભામાં જંગી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટે માઇક્રો લેવલનું કામ આરંભી દેવામાં આવ્યું છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

જો કે, આ બાબતે તંત્ર દ્વારા મગનું નામ મરી પાડવામાં આવતું નથી. કારણ કે, વડાપ્રધાનનો કોઈ સત્તાવાર કાર્યક્રમ હજુ જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રને મળેલ નથી. પરંતુ એક વાત મુજબ જો વડાપ્રધાનનો કાર્યક્રમ છેલ્લી ઘડીએ નક્કી થાય તો જરૂરી વ્યવસ્થા અને સભામાં સંખ્યા દેખાય તે માટે તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે અંદરખાને તૈયારી ચાલી રહી છે. તથા સભામાં સંખ્યા દેખાય તે માટે ધોરણ 1 થી 12 સુધીના શિક્ષકોને હાજર રહેવા સૂચના પણ અપાય રહી હોવાનું સંભળાઈ રહ્યું છે.

આમ જો અને તો ની વચ્ચે આગામી તારીખ 19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જૂનાગઢમાં આવી રહ્યા છે અને તેના માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ તંત્ર દ્વારા પણ આગમચેતી રાખીને કાર્યવાહી કરી રહ્યું હોવાનું અંદરખાનેથી સંભળાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.