એક વર્ષથી પજવણી અને હેરાન કરતા શખ્સને ઠપકો દેતા લાજવાને બદલે ગાજેલા પરિણીત શખ્સની માતા અને ભાભુએ ઉપરાણું લઇ માથાકૂટ કરી
ઓમનગરના શખ્સ એકાદ વર્ષથી પાડોશી માતા-પુત્રીની પજવણી કરી હેરાન કરતો હોવાથી મકાન વેચી રાજદીપ સોસાયટીમાં રહેવા જતા રહ્યા હોવા છતાં 13 વર્ષની તુરણીની સ્કૂલે જઇ છેડતી કરતો હોવા અંગે ઠપકો દેતા પરિણીત શખ્સની માતા અને ભાભુ લાજવાના બદલે ગાજતા હોય તેમ ઉપરાણું લઇ ઝઘડો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા માતા-પુત્રીની છેડતી કરતા ઓમનગરના શખ્સની તાલુકા પોલીસે ધરપકડ કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજદીપ સોસાયટીમાં રહેતા ધર્મિષ્ટાબેન નિતીનભાઇ પતરીયાએ પોતાના જુના પાડોશી પ્રદિપ દિનેશ પતરીયા, તેની માતા પુષ્પાબેન દિનેશભાઇ પતરીયા અને ભાભુ સંગીતાબેન અશોકભાઇ પતરીયા સામે છેડતી કરી માર માર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રદિપ પતરીયાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.
ધર્મિષ્ટાબેન પોતાના પરિવાર સાથે એકાદ વર્ષ પહેલાં ઓમનગરમાં રહેતા હતા ત્યારે પાડોશી પ્રદિપ પરિણીત હોવા છતાં છેડતી કરતો હોવાથી કંટાળી પોતાનું મકાન વેચી રાજદીપ સોસાયટીમાં રહેવા જતા રહ્યા હતા. તેણીની પુત્રીની સ્કૂલે પાછળ જઇ પ્રદિપ પતરીયા છેડતી કરતો હોવાથી પોલીસમાં અરજી કરી હતી ત્યારે પ્રદિપ પતરીયાએ માફી માગી લેતા પોલીસમાં ફરિયાદ કરી ન હતી.
ફરી છેલ્લા કેટલાક સમયથી પ્રદિપ સગીર પુત્રીની સ્કૂલે જઇ છેડતી કરતો હોવાથી સગીર બાળાના પિતા નિતિનભાઇએ ઠપકો દેતા તેનું ઉપરાણું લઇ માતા પુષ્પાબેન અને ભાભુ સંગીતાબેન નિતિનભાઇના બહેન કોમલબેન અને બનેવી વિજયભાઇના ઘરે જઇ માથાકૂટ કરી ધમકી દેતા વિજયભાઇએ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરતા પોલીસે પ્રદિપ પતરીયાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે.