કોંગ્રેસ હોય કે ભાજપ પીરઝાદાનો દબદબો યથાવત
અદાલતની કાર્યવાહીએ મતગણતરીના હિસાબમાં ‘ગડબડ’ સર્જી: એક વર્ષ પછી જાહેર થયેલ પરિણામમાં 10માંથી 6 પર કોંગ્રેસ, 4 પર ભાજપ પ્રેરિત પેનલના સભ્યોનેે વિજેતા જાહેર કરાયા
મોરબી જિલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણી મતદાન લગભગ એક વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ લાંબી કાનૂની લડાઇ ચાલી હતી અને હાલમાં વાકાંનેર માર્કેટ યાર્ડની ચૂંટણીનું ખેડૂત વિભાગનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેથી કરીને યાર્ડની કુલ મળીને 15 બેઠકોમાંથી હાલમાં કોંગ્રેસ પ્રેરિત 10 અને ભાજપ પ્રેરિત પાંચ બેઠકો આવી હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે સત્તાના કેન્દ્ર સ્થાન સુધી પહોંચવા માટે તળજોરનું રાજકારણ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. જે રીતે પરિણામ આવ્યું તે પરથી સ્પષ્ટ કહી શકાય કે કોંગ્રેસ હોય કે ભાજપ વાંકાનેરમાં પીરઝાદાનો દબદબો યથાવત છે. ધારાસભ્ય-બોર્ડના સભ્યો પણ વાંકાનેરમાં હોવા છતાં સહકાર અને સંગઠન ક્ષેત્રમાં હિન્દુઓની બાદબાકી જ થઇ ગઇ છે.
વાંકાનેર માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં ખેડૂત પેનલનું અનામત રાખવામાં આવેલ પરિણામ જાહેર થતાં 10માંથી 6 કોંગ્રેસ અને 4 સભ્યો ભાજપ પ્રેરિત પેનલમાંથી જાહેર કરાયા હતાં. ચૂંટણીમાં કુલ 654 મતોમાંથી 34 મતો રદ્ થયા હતાં. 13 મતો પરિણામમાં ધ્યાને લેવાયા ન હતા. પરિણામમાં કુલ 707 મતો ધ્યાને લેવાયાં હતાં.
વાંકાનેર માર્કેટીંગ યાર્ડની અંદાજે એકાદ વર્ષ પૂર્વે ચૂંટણી યોજાયેલ હતી. જેમાં ખેડૂત પેનલનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચેલ હતો.
લાંબા સમય બાદ ચુકાદો આવતા ખેડુત પેનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલ પરિણામમાં 10 સભ્યોમાંથી 6 સભ્યો કોંગ્રેસ પ્રેરિત પેનલના વિજેતા જાહેર થયેલમાં પીરઝાદા શકીલ અહેમદ ખુરશીદ હૈદરભાઇ, કડીવાર અબ્દુલરહીમ વલીમામદભાઇ, પરાસરા ગુલામભાઇ અમીભાઇ, શેરસીયા હુશેનભાઇ આહમદભાઇ, શેરસીયા હુશેનભાઇ માહમદભાઇ તથા ગોરીયા નાથાભાઇ મનજીભાઇ આ છ મુરતીયા કોંગ્રેસ પ્રેરીત પેનલના વિજેતા જાહેર થયેલ.
જ્યારે ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવારોમાં કડીવાર ઇસ્માઇલભાઇ ફતેહમામદભાઇ, ખોરજીયા યુનુસભાઇ અલાઉદ્ીભાઇ, બ્લોચ ગુલમહંમદભાઇ ઉંમરભાઇ, શેરસીયા જલાલભાઇ અલીભાઇ વિજેતા જાહેર થયેલ હતાં. આ સિવાયના બાકી 11 ઉમેદવારો પરાજીત જાહેર થયેલ હતા.
ભાજપ પ્રેરિત ચાર વિજેતા થયેલ ઉમેદવારોને પુર્ણચંદ્ર ગરાસીયા બોડીંગ ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે મહારાણા કેશરીસિંહજી ઝાલા તાલુકા પ્રમુખ રતીલાલ શહેર મહામંત્રી કે.ડી.ઝાલા તથા તા.ઉ.પ્રમુખ મહાવીરસિંહ ઝાલા સહિતના હોદ્ેદારો દ્વારા કાર્યાલય ખાતે સન્માનીત કરવામાં આવ્યા હતાં.
વાંકાનેરમાં સહકારી ક્ષેત્રની મંડળીઓ ભાજપ માટે હવે લાલબત્તી સમાન
જે રીતે વાંકાનેર માર્કેટીંગ યાર્ડની ચૂંટણીઓનું પરિણામ આવ્યું છે. જે જોતા તો ચોક્કસથી લાગી રહ્યું છે કે વાંકાનેરમાં સહકાર ક્ષેત્રની મંડળીઓ ભાજપ માટે લાલબત્તી સમાન થઇ ગઇ છે. કેમ કે યાર્ડમાં 15 બેઠકોમાંથી હાલ કોંગ્રેસ પ્રેરિત 10 બેઠકો વિજેતા જાહેર થઇ છે અને તેના ઉમેદવારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ પ્રેરિત 6 અને ભાજપ પ્રેરિત ચાર ઉમેદવારો વિજેતા થયા હોવાનું જાણવા મળ્યું છે.
વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં કુલ મળીને 15 બેઠકો છે. જેમાં સંઘની એક, વેપારીની ત્રણ અને ખેડૂતની 6 આમ કુલ મળીને 10 બેઠકો કોંગ્રેસ પ્રેરિત છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યો ભાજપના હોય છતાં સહકારી ક્ષેત્ર ભાજપની સીટ ન આવતાં આ ચર્ચાએ જોર પકડ્યું છે અને ત્યાં સહકારી ક્ષેત્રની મંડળીઓ ભાજપ માટે લાલબત્તી સમાન થઇ ગઇ હોય તેવું જણાઇ રહી છે.