વડાપ્રધાનના હસ્તે થનારા ભૂમિપૂજન સંબંધમાં સનસનીખેજ વિવાદ: દ્વારકાના શંકરાચાર્યનાં મતે વિનાશકારી નીવડશે શુભ અવસર: શિલાન્યાસની ગતિવિધિ તો ૧૯૮૯માં પૂર્ણ થઈ ચૂકી હોવાનો ઘટસ્ફોટ: હવે નિર્માણ-કાર્યનો જ શુભારંભ: આંધળે બહેરૂં કૂટાયા જેવો ઘાટ ! તા.૬મીના વિવાદ લેખાશે અમંગળે એંધાણ ?

‘અજબ હૈ કુદરતકી માયા, ન ઉસકા પાર કોઈ આયા !’ આ કહેવતનું અહી સ્મરણ થયા વિના રહેતું નથી…

આમ તો એવું જ કહેવાય કે જયાં યુધ્ધ નહિ તે અયોધ્યા ! પરંતુ નિયતિએ શ્રી રામચંદ્રજીનું અવર્તરણ અયોધ્યાની ભૂમિ પર થયું અને અયોધ્યાની સરયુ નદીનાં જળ પ્રવાહમાં તેઓ અંતર ધ્યાન થયા !

‘રામાયણજી’ના સર્જનની મુખ્ય અને અજયઅમર પૃષ્ઠભૂમિમાં શ્રી રામ અને સીતા જ રહ્યા એમના જ પગલે પગલે આખો રામદરબાર સર્જાયો અને માનવજાતને આદર્શ પરિવારની કૃપા સાંપડી હનુમાનજી મહારાજ પણ ધરતીથી આકાશ સુધી આ સ્વર્ગીયભૂમિ પર સાંપડયા.. પરમ સંત ગોસ્વામી તુલસીદાસજી સાંપડયા અને ‘રત્ના’ સમા નારીરત્ન પણ સાંપડયા…. હવે આપણા દેશનું રાજકારણ એમના દિવ્યોત્તમ મંદિરની ભેટ આપશે !

‘હમ મંદિર વહી બનાયેંગે’ એવો અસંખ્ય ભારતવાસીઓનો સંકલ્પ આગામી તા.૫મી ઓગષ્ટના શુભદિને વડાપ્રધાન શ્રી મોદીના વરદહસ્તે મૂર્તિમંત થવનાં પગરણ કરાવશે!

પરંતુ કોઈપણ શુભકાર્યમાં અડચણ આવે છે એવી લોકોકિત આપણે આપણા પૂર્વજો પાસે સાંભળતા હોઈએ છીએ !

એક અખબારી અહેવાલ આ લોકોકિતને આપણી નજર સામે મૂકે જ છે. અને દર્શાવે છે કે, ‘મોદીના હસ્તે શ્રીરામ મંદિરની તા.૫મીએ નિર્ધારેલી શિલાન્યાસવિધિ વિનાશકારી સાબિત થવાનું પરમપૂજય દ્વારકાના શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજીએ જે દર્શાવ્યું છે. તેને અપશુકનિયાળ અને અમંગળ એંધાણ નહીં કહી એ તો બીજું શું કહેશું એવો સવાલ આપણી ભોળીભલી પ્રજા ઉઠાવી શકે છે.

દ્વારકાના શંકરાચાર્યશ્રીએ આવો મત જાહેરમાં અભિવ્યકત કર્યો છે. એ સૂચક છે.

શ્રી મોદીના તા.૫મીના શિલારોપણ-ભૂમિપૂજનનું આયોજન કરતી વખતે તો એવું કહેવાયું હતુ કે, વારાણસીના એટલે કે શ્રી મોદીનાં મત વિસ્તારનાં વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા આ અવસરને લગતી ગતિવિધિઓ શાસ્ત્રોકત વિધિવિધાનપૂર્વક થનાર છે.

એમ છતા શંકરાચાર્યશ્રી દ્વારા જે મત દર્શાવાયો છે, અને આ શિલાન્યાસવિધિ વિનાશકારી બનવાની દહેશત દર્શાવાઈ છે. તે નવાઈજનક પણ લાગે છે. અને વિવાદસર્જક પણ જણાય છે.

આ અહેવાલ સંબંધમાં કશીજ સ્પષ્ટતા કે પ્રત્યાઘાત પ્રકાશમાં આવ્યા હોવાનું હાલતૂર્ત જણાતું નથી!

આ મામલો સરવાળે કેવું સ્વરૂપ ધારણ કરશે તેની પણ કલ્પના થઈ શકે તેમ નથી.

આ ઘટનામાં રાજકારણની ઘૂસણખોરી પણ નવા નવા ફટાકડા ફોડી શકે છે. કારણ કે ભૂતકાળમાં અવનવાં છમકલાં થઈ ચૂકયા છે.

બાબરી-ધ્વંસ-રામમંદિર નિર્માણનો મુદો વર્ષો જૂનો બની ચૂકયો છે. અને ઘણે ભાગે ચૂંટણીને સ્પર્શતા મુદા તરીકે તે ઉપસતો રહ્યો હતો. પક્ષાપક્ષીનો એંઠવાળ પણ અને આભડી ચૂકયો છે. વાજપેયીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર વખતે પણ એનો સળવળાટ જેમનો તેમ રહ્યો હતો.

હવે મોદી સરકાર અયોધ્યા મંદિરનાં નિર્માણનો નિર્ણય લઈ શકી છે અને તમામ અવરોધોને પાર કરી ચૂકી છે.

આપણા દેશને માટે એ અભૂતપૂર્વ અને ઐતિહાસીક અવસર બની શકે છે.

ભારતની રાજકી હવાને પલટવાની એમાં પ્રબળતા છે. આ ઘટના રામરાજયને નજીક લાવી આપે અને ભારત પાકિસ્તાનને સારા પાડોશીની જેમ એક કરી આપે, એમ કોણ નહિ ઈચ્છે?

આમ છતા આ મામલો પૂરેપૂરો ખબરદાર રહેવા જેવો છે, એ નિર્વિવાદ છે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.