ઝિમ્બાબ્વેથી આવેલા વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વેરિએન્ટની તપાસ માટે સેમ્પલ પૂણે લેબમાં મોકલ્યા: પરિવારના 11 સભ્યો ક્વોરેન્ટાઇન
અબતક-રાજકોટ
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. કર્ણાટકમાં નવા વેરિએન્ટના બે કેસો મળી આવતા દેશભરમાં નવેસરથી કોરોનાની દહેશત ફેલાઇ છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થઇ ચુકી હોય તેવી શંકા ઉભી થવા પામી છે. ઝિમ્બામ્વેથી જામનગર આવેલા 53 વર્ષના વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેને જી.જી.હોસ્પિટલમાં આઇસોલેશન કરી દેવામાં આવ્યા છે અને તેઓના લોહીના સેમ્પલ પૂણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પરિવારના 11 સભ્યોને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
જામનગરમાં આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે. ઓમિક્રોન વેરિઅન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.
જામનગરમાં ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિએન્ટનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર ઉંધા માથે થયું છે. હાલ આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીએન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દર્દીના રીપોર્ટ પર સવિશેષ નજર રહેશે.
જામનગરમાં વધુ એક પોઝિટીવ દર્દી નોંધાયો છે. સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્રણ દિવસ પૂર્વે એક જ પરિવારના સાત દર્દીઓ નોંધાયા હતા. જો કે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ આજે આ ચિંતા બેવડાઈ છે. કારણ કે કોરોનાના નવા વોરીએન્ટ ભારતમાં દસ્તક દઈ ચુક્યો છે. ખુબ જ ઝડપી ચેપી એવા ઘાતક આ વેરિએન્ટને લઈને દેશમાં નવી ચિંતા ઉમેરાઈ છે ત્યારે આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિએન્ટ શંકાસ્પદ જાહેર થયો છે. જી. જી. હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં ચિંતા બેવડાઈ છે.
રાજકોટમાં હાઇરિસ્ક ક્ધટ્રીમાંથી 12 મુસાફરો આવ્યા: તમામના રિપોર્ટ નેગેટીવ
વિદેશથી રાજકોટમાં આવેલા 119 નાગરિકો પૈકી 23નો કોઇ અતોપતો નથી
વિશ્ર્વના જે 12 દેશોમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના કેસો નોંધાયા છે તે 12 દેશોમાંથી 12 જેટલા નાગરિકો રાજકોટમાં આવ્યા છે. જો કે તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ છે. છતા તકેદારીના ભાગરૂપે તેમને હાલ હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે અને તેમના પર બાજ નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા એક અઠવાડીયામાં વિદેશથી કુલ 119 લોકો રાજકોટ આવ્યા છે જે પૈકી 19 નાગરિકોનો કોઇ જ અતોપતો નથી.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો.લલીત વાજાના જણાવ્યાનુસાર રાજકોટમાં વિદેશથી કુલ 119 નાગરિકો આવ્યા હોવાનું લીસ્ટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યુ છે. જે પૈકી 82 નાગરિકોને શોધી તેની વિઝીટ કરી લેવામાં આવી છે. તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ છે. તેમને સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. દરમિયાન જે 12 દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે તે દેશોમાંથી 12 નાગરિકો રાજકોટમાં આવ્યા છે. તમામના રિપોર્ટ નેગેટિવ છે. દરમિયાન ગઇકાલે આવેલા 14 નાગરિકોની આજે વિઝીટ કરવામાં આવશે. 23 નાગરિકો મળતા નથી. તેઓએ ઉમેર્યું હતું કે, આ 23 નાગરિકો એવા હોય શકે જેઓના પાસપોર્ટમાં રાજકોટનું સરનામું હોય પરંતુ તેઓ મુંબઇ, અમદાવાદ કે અન્ય કોઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ સૌરાષ્ટ્રના કોઇ બીજા શહેરમાં ગયા હોય અને ત્યાં તેઓને ક્વોરેન્ટાઇન કરાયા હોય.
દરમિયાન છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં ચાર અને શહેરમાં કોરોનાનો એક કેસ મળી આવ્યો છે. ગોંડલના પાંચાવદર, ગોંડલ સિટી, ધોરાજીના જમનાવડમાં દાદા તથા પૌત્રને કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકોટ શહેરના વોર્ડ નં.14માં કેવડાવાડી વિસ્તારમાં પલંગ ચોક નજીક 48 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓએ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50 કેસો નોંધાયા છે. અમદાવાદમાં 15, સુરતમાં 7, વડોદરાના 6, રાજકોટમાં 5, કચ્છમાં 3, ભાવનગરમાં 2, આણંદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, નવસારી, તાપી અને વલસાડમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયા છે. જ્યારે 24 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.