રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઇ હાર્દિક પટેલ તેને અમદાવાદ તાજ હોટેલમાં મળવા ગયો હતો. આ વાતને લઇ રાજકીય અટકળો વચ્ચે વાતાવરણ ગરમાયું છે ત્યારે હાર્દિક હોટેલ ગયો હોય અને રાહુલને મળ્યો હોય એવા સીસીટીવી બહાર આવ્યા છે. જેમાં હાર્દિક રાહુલને મળ્યો હોય તેવી વાત છે. પરંતુ રાજકોટના તરઘડીમાં હાર્દિકે મીડિયાને જણાવ્યું કે હું તાજ હોટેલ પર કેસ કરીશ અને કોઇની પ્રાઇવસી આ રીતે બહાર ન પડાઇ તે વિસ્તારના પીઆઇ પર પણ ફરિયાદ કરીશ.
હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે મેં મીડિયા દ્વારા સીસીટીવી ચારથી પાંચ વખત જોયા, પરંતુ હું અને રાહુલ સાથે હોય તેવું ક્યાંય દેખાતું નથી, હું માત્ર ગેહલોતને જ મળ્યો છું. આવનારા દિવસોમાં ચોક્કસથી મારી કમિટી સાથે રાહુલ ગાંધીને મળીશ. હું ભાજપ કે કોગ્રેસમાં ક્યારેય જોડાવાનો નથી. સમાજના હીત માટે આ લોકોને મળું છું. આવનારા દિવસોમાં રાહુલ ગાંધી સમાજને લઇને કોઇ મોટી જાહેરાત કરે તેવું લાગી રહ્યું છે.હાર્દિકે સરકાર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે રાજ્યની બોર્ડર પરથી હજારો લીટર દારૂ આવે છે ત્યારે સીસીટીવી ક્યાં હોય છે. અને કોઇ નેતા કે વ્યક્તિ મીટિંગ કરે તો તેના સીસીટીવી કેમ બહાર આવે છે.