વલ્ડૅ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન પ્રમાણે કોરોના સંક્રમણથી બચવા માટે દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાના હાથ સાબુ કે પછી સેનિટાઈઝરથી સાફ કરવા જરૂરી છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ઈનોવેટર્સ દ્વારા હાથને યોગ્ય પ્રકારે સેનિટાઈઝ કરવા માટે જી-બેન્ડ નામની હેન્ડ સેનિટાઈઝર વોચ બનાવવામાં આવી છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવિન શેઠ , કુલસચિવ ડો. કે. એન. ખેર અને ગુજરાત ઈનોવેશન સોસાયટીના ચેરમેન સુનિલ શાહની ઉપસ્થિતિમાં હેન્ડ સેનિટાઈઝર વોચનું લોન્ચિંગ કરવામાં આવ્યું. સાર્થક બક્ષી , કાર્તિક શેલડિયા , સાગર ઠક્કર , કરણ પટેલ અને જાગૃત દવે નામના જીટીયુના ઈનોવેટર્સ દ્વારા આ ઉપકરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવિન શેઠ , કુલસચિવ ડો. કે. એન. ખેર દ્વારા ઈનોવેટર્સ અને જીઆઈસીના ડાયરેક્ટર ડો. સંજય ચૌહાણ અને ઈન્ક્યુબેશન સેન્ટર મેનેજર શ્રી તુષાર પંચાલને અભિનંદન પાઠવ્યા હતાં.
ઈનોવેટર્સ દ્વારા આ હેન્ડ સેનિટાઈઝર વોચનું નિર્માણ 2 મહિનાના સમયમાં કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય પ્રકારે અને દરેક સ્થળ પર હાથને સેનિટાઈઝ કરીને કોરોના સંક્રમણને અટકાવવાનો છે. આ વોચમાં દરેક પ્રકારના લિક્વિડ સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકાય છે. તેના ઉપયોગથી સેનિટાઈઝરનો બગાડ થતો પણ અટકાવી શકાય છે. થર્મો પ્લાસ્ટિક ઈલાસ્ટોમરનો ઉપયોગ કરીને આ સેનિટાઈઝર વોચ બનાવવામાં આવી છે.
એક વખત આ વોચમાં સેનિટાઈઝર ઉમેર્યા પછી 30 થી વધુ વખત સ્પ્રે કરીને હાથ સેનિટાઈઝ કરી શકાય છે. ઈનોવેટર્સ દ્વારા આ જી-બેન્ડની પેર્ટન અને ટ્રેડમાર્કના રજીસ્ટ્રેશન માટેની પ્રકિયા પણ હાથ ધરવામાં આવી છે.