એક અજીબોગરીબ ઘટના જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. ઉત્તરાખંડના ગેંડી ખાટા ગામમાં દરેક વ્યક્તિની જન્મતારીખ 1 જાન્યુઆરી છે, ફક્ત વર્ષ બદલવામાં આવ્યું છે. આ ભૂલ ભરેલી માહિતીની જાણકારી ગ્રામજનોના આધારકાર્ડ પરથી સામે આવી છે.
જાણકારી મુજબ, ઉત્તરાખંડના ગેંડી ખાટા ગામમાં લગભગ 800 લોકો રહે છે અને દરેક લોકોની જન્મતારીખ 1 જાન્યુઆરી નોંધાઈ છે. ગ્રામજનોએ જણાવ્યું કે, તેમણે આધારકાર્ડ બનાવનારી એજન્સીને રેશનકાર્ડ, ઈલેક્શન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ આપ્યા હતા. જેનાથી તેઓ અમારી જન્મતારીખ જોઈ શકે અને તે મુજબ આધારકાર્ડમાં જન્મતારીખ નોંધાય, પરંતુ એજન્સીએ ભૂલ કરતાં બધાની જન્મતારીખ એક થઈ ગઈ.
મહત્વનું છે કે, એવું નથી કે દહેરાદૂનના ગામમાં આવો પહેલો મામલો સામે આવ્યો હોય. આ પહેલા ઓગસ્ટ મહિનામાં ઉત્તર પ્રદેશના આગ્રા અને અલ્હાબાદમાં આધારકાર્ડની એજન્સીના બેદરકારીભર્યા મામલા સામે આવ્યા છે. તે વખતે પણ સમગ્ર ગ્રામજનોની જન્મતારીખ 1 જાન્યુઆરી નોંધાઈ હતી. જ્યારે ગ્રામજનોએ આ અંગે જણાવ્યું હતું કે, એજન્સીની બેદરકારીને કારણે આવું થયું. ઉલ્લેખનીય છે કે, એજન્સીઓની ગંભીર ભૂલોને કારણે સરકારના આધારકાર્ડ જેવા ગંભીર પ્રયાસોને ઝાટકો લાગે છે.