- ધ્વનિ મતથી થયેલી ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકને ફટકો: પ્રથમ સંબોધનમાં જ ઓમ બિરલાએ કટોકટીની આકરી ટીકા કરતા ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવ્યો, લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
લોકસભામાં ફરી એક વાર ઓમ બિરલા સ્પીકર બન્યા છે. આજે તેઓ ધ્વનિ મત દ્વારા સ્પીકર તરીકે ચૂંટાયા છે. ત્યારે પોતાના પ્રથમ સંબોધનમાં જ ઓમ બિરલાએ કટોકટીની આકરી ટીકા કરી હતી. જે બાદ ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે લોકસભાની કાર્યવાહી આવતિકાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.
સ્પીકર પદ માટે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સએ રાજસ્થાનના કોટાથી ત્રીજી વખત સાંસદ ઓમ બિરલાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે વિપક્ષી ભારતીય બ્લોકે કેરળના માવેલિકારાથી 8 વખતના સાંસદ કોડીકુન્નીલ સુરેશને મેદાનમાં ઉતાર્યા હતા. આજે ધ્વનિ મતથી ચૂંટણી થતા ઓમ બિરલા જીત્યા હતા.
લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કટોકટીની ટીકા કરતા જ વિપક્ષે હોબાળો કરીને ગૃહમાં સૂત્રોચ્ચાર શરુ શરુ કરી દીધો હતો. હોબાળાને પગલે સ્પીકર ઓમ બિરલાએ લોકસભાની કાર્યવાહી ગુરુવાર (27 જૂન) સુધી સ્થગિત કરી દીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં તેમની કેબિનેટની રજૂઆત કરી. આ પછી સ્પીકર ઓમ બિરલાએ ઈમરજન્સીની ટીકા કરી હતી. ઓમ બિરલાએ કટોકટીને દેશના ઈતિહાસનો કાળો અધ્યાય ગણાવ્યો હતો. આ દરમિયાન તેમણે ગૃહમાં 2 મિનિટનું મૌન પણ રખાવ્યું હતું. ઓમ બિરલાએ કહ્યું કે ” ગૃહ 1975માં દેશમાં કટોકટી લાદવાના નિર્ણયની સખત નિંદા કરે છે. આ સાથે, અમે તે તમામ લોકોના નિશ્ચયની પ્રશંસા કરીએ છીએ જેમણે કટોકટીનો સખત વિરોધ કર્યો, અભૂતપૂર્વ લડત આપી અને ભારતના લોકતંત્રની સુરક્ષાની જવાબદારી નિભાવી છે.
મોદી અને રાહુલ ગાંધી ઓમ બિરલાને સ્પીકરની ખુરશી સુધી લઈ ગયા
લોકસભા સ્પીકર તરીકે વરણી થયા બાદ ઓમ બિરલાને ગૃહના લીડર વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સ્પીકરના આસન સુધી લઈ ગયા હતા. ઓમ બિરલાના આસન સુધી પહોંચતા જ પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ ઊભા થઈ ગયા અને તેમણે કહ્યું – હવે આ તમારું આસન છે અને તમે જ સંભાળો.
રાહુલ ગાંધી ઉપર વિપક્ષી નેતાની પસંદગીનો કળશ ઢોળાયો
ઇન્ડિયા બ્લોકની બેઠકમાં લેવાયો નિર્ણય: પ્રોટેમ સ્પીકરને વિપક્ષના નેતા બનાવવા માટે પત્ર પણ મોકલી દેવાયો
લોકસભા ચૂંટણી બાદ એનડીએની નવી સરકાર બની ગઈ છે. હવે લોકસભામાં વિપક્ષ તરફથી નેતા કોણ હશે? તેની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી. પણ અંતે તેના પરથી પડદો હટી ગયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે ઈન્ડિયા બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રોટેમ સ્પીકરને વિપક્ષના નેતા બનાવવા માટે પત્ર પણ લખવામાં આવ્યો છે.
મંગળવારે રાત્રે ખડગેના ઘરે આયોજિત ઈન્ડિયા બ્લોકની બેઠક બાદ માહિતી આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને ગૃહમાં વિપક્ષના નેતા બનાવવા પર ચર્ચા થઈ હતી.
તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની સર્વાનુમતે માગ કરવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. લોકસભામાં વિપક્ષના નેતા માટે તેમના નામનો પ્રસ્તાવ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાસે આ અંગે વિચારવા માટે થોડો સમય માંગ્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમની શરૂઆતની ટિપ્પણીમાં કહ્યું, ’હું તમારું ધ્યાન એ હકીકત તરફ દોરવા માંગુ છું કે જ્યાં પણ ભારત જોડો યાત્રા નીકળી છે ત્યાં અમે કોંગ્રેસ પાર્ટીની મત ટકાવારી અને બેઠકોની સંખ્યામાં વધારો જોયો છે.