ઓલિમ્પિક 2036 માટે 4000 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ જે ઓલિમ્પિકનું મુખ્ય કેન્દ્ર બની રહેશે: ગુજરાત 2026માં એશિયન વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને 2025માં એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ તેમજ કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરે તેવી પુરી સંભાવના
સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું બાંધકામ 2025 માં શરૂ થવાનું છે અને 2028 સુધીમાં પૂર્ણ થવાનું છે,ઓલિમ્પિક 2036 માટે 4000 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ બની રહ્યું છે. જે ઓલિમ્પિકનું મુખ્ય કેન્દ્ર બનશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ બનશે. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. જેનો પ્લાન 2036ની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. ઓલિમ્પિક માટે કઇ કઇ જરૂરિયાત રહેશે તથા કેટલા લોકોની કેપેસિટી રાખવી એ તમામ બાબતે વિચારણા કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, ઇકો સિસ્ટમ માટે પણ સ્ટડી કરવામાં આવ્યો છે. 2036ના ઓલિમ્પિક માટે 6,000 થી 10,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ એરેના તૈયાર કરવામાં આવશે. 5,000 લોકોની કેપેસિટીવાળું રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશે. જ્યાં ગરબા, યોગ, ઉત્સવ અને ઓપન બજાર પણ હશે. 18,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ ઇન્ડોર એરેના, 10,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ટેનિસ સેન્ટર, સ્વિમિંગ સહિતની ગેમ માટે 12,000 લોકોની કેપેસિટીવાળું એકવાટિસ સેન્ટર તૈયાર કરવામાં આવશે.
50,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે 631 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સની 80 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. બી અને ડી બ્લોક 90 ટકા તૈયાર થઈ ગયા છે. સ્વિમિંગ માટે તૈયાર થઈ રહેલા એક્વાટિક સ્ટેડિયમને પણ શેપ અપાઇ ગયો છે. આ કોમ્પ્લેક્સ ઓલિમ્પિક કક્ષાનું પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ હશે.
82,507 ચોરસ મીટરમાં બની રહેલા આ કોમ્પ્લેક્સ નિર્માણની કામગીરી મે, 2022થી શરૂ થઈ હતી. અહીં 300 ખેલાડી રહી શકે તેવી વ્યવસ્થા છે. આ ઉપરાંત 850 કાર અને 800 ટુવ્હીલર પાર્કિંગની પણ ક્ષમતા છે. ગુજરાત પણ વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે પોતાનું સ્થાન જમાવી રહ્યું છે.
“ગુજરાત 2026માં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે અને 2025માં એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ તેમજ 2028માં અંડર20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન કરવા માટે વાટાઘાટ કરી રહ્યું છે.