શાંતિ નિકેતન પાર્ક અને ધરમનગરમાં કોરોનાનાં પોઝિટિવ કેસ મળી આવતા કુલ ૮૭ કેસ: જશુમતીબેન વિષ્ણુ કોરોના સામેનો જંગ હારી ગયા: ક્રાઈસ્ટ હોસ્પિટલનાં મહિલા કર્મચારીનો કોરોના પોઝિટિવ કેસ રાજકોટ ગ્રામ્યનો ગણાયો: ૧૪ લોકોને કરાયા કવોરેન્ટાઈન
રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસમાં કોરોનાનાં વધુ ૨ કેસ નોંધાયા છે. ૮૭ વર્ષનાં જસુમતીબેન વિષ્ણુ કોરોના સામેનો જંગ હારી ગયા છે. આજે શહેરમાં કોરોનાથી ત્રીજું મૃત્યુ નિપજયું હતું જયારે ક્રાઈસ્ટ હોસ્પિટલનાં મહિલા કર્મચારીનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જોકે તે બેડી ગામ પાસે આવેલી ક્રાઈસ્ટ હોસ્પિટલની હોસ્ટેલમાં જ રહેતા હોય આ કેસને રાજકોટ ગ્રામ્યમાં ગણવામાં આવ્યો છે. શહેરમાં કોરોના પોઝીટીવની સંખ્યા ૮૭એ પહોંચી છે જે પૈકી ૭૬ વ્યકિતઓ સાજા થઈ ગયા છે. ૩ વ્યકિતઓનાં મૃત્યુ નિપજયા છે જયારે ૮ વ્યકિતઓ હાલ સારવાર લઈ રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત ૧૪મી મેનાં રોજ અમદાવાદથી રાજકોટ આવેલા અરવિંદભાઈ દેવરાજભાઈ જેઠવા નામના ૬૦ વર્ષના પુરુષ જે ગાંધીગ્રામ વિસ્તારમાં ધરમનગર શેરી નં.૧માં રહે છે. તેઓને સામાન્ય શરદીની તકલીફ જણાતી હતી. તબિયતમાં સુધારો ન થતા તેઓનો કોરોના રીપોર્ટ કરાવવામાં આવતા ગઈકાલે તેઓનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનાં નજીકનાં પાંચ સગા અને તેઓએ શરદીની દવા જે ડોકટર પાસેથી લીધી હતી તે તબીબ સહિત કુલ ૬ વ્યકિતઓને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આજે શહેરમાં વધુ એક વ્યકિત કોરોના પોઝીટીવ જાહેર કરવામાં આવ્યો છે. રૈયા રોડ પર શાંતીનગર પાર્ક શેરી નં.૧માં રહેતા ૨૧ વર્ષીય સમીરભાઈ હસમુખભાઈ બારોટનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ ગત બીજી તારીખે વડોદરાનાં દામનગર ખાતેથી રાજકોટ આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં તેઓ દામનગરમાં કોરોના પોઝીટીવ દર્દીનાં સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને શરદી અને સામાન્ય તાવ આવતા ખાનગી તબીબ પાસેથી સારવાર મેળવી હતી. સુધારો ન જણાતા ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેઓનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. તેમનાં સંપર્કમાં આવેલા ૮ વ્યકિત અને ખાનગી તબીબને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
શહેરનાં ભગવતીપરા વિસ્તારમાં જયપ્રકાશનગર શેરીનં.૧૭માં ભારતીબેન કાલેરીયા નામની ૨૩ વર્ષીય યુવતીનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો હતો જોકે આ યુવતી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં નોકરી કરે છે અને બેડી પાસે ક્રાઈસ્ટ હોસ્પિટલની હોસ્ટેલમાં રહેતી હોવાથી આ કેસને રાજકોટ જિલ્લામાં ગણવામાં આવ્યો છે. આજ સુધીમાં શહેરમાં કોરોનાનાં ૮૭ કેસો નોંધાયા છે જે પૈકી ૭૬ દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થયા છે. કોરોનાથી ત્રણ વ્યકિતઓનો જીવનદિપ બુઝાયો છે. હાલ ૮ વ્યકિતઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ગત ૨૮મી મેનાં રોજ ૮૭ વર્ષનાં જસુમતીબેન વિષ્ણુનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તેઓએ અમદાવાદમાં જે ડોકટર પાસે સર્જરી કરાવી હતી તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ પણ કોરોના સંક્રમિત થયા હતા. તેઓ છેલ્લા એક સપ્તાહથી સારવાર લઈ રહ્યા હતા દરમિયાન આજે સવારે તેઓનું મૃત્યુ નિપજયું છે. લોકડાઉન-૪માં રાજય સરકાર દ્વારા આંતર જિલ્લા હેર-ફેરની મંજુરી આપ્યા બાદ રાજયમાં કોરોનાની સંખ્યા કુસકેને ભુસકે વધી રહી છે. ગઈકાલે જાણે કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ ૫૦૦થી વધુ કેસો નોંધાયા હતા.