ઢેબર રોડ સ્થિત જુના બસ સ્ટેન્ડની ઈમારતને તોડવાની જોવાતી શુભ ચોઘડિયાની રાહ: તંત્રની ગોકળગતિ
રાજકોટની મધ્યમાં આવેલા ૫૦ વર્ષ જુનુ એસ.ટી.બસ સ્ટેન્ડનું નવું તેમજ એરપોર્ટ જેવું અદ્યતન બનાવવા માટે કોન્ટ્રાકટર ટેન્ડર સહિતની પ્રક્રિયા લાંબા સમયથી સંપૂર્ણ થઈ ગઈ છે. આ જુનુ એસ.ટી.બસ સ્ટેન્ડને નવા બનાવવાની વાતે રાજકોટના મધ્યમાં શાસ્ત્રીમેદાન ખાતે કામચલાઉ એસ.ટી.સ્ટેન્ડ બે મહિના પૂર્વે કાર્યરત થઈ ગયું છે પરંતુ હજુ જુના એસ.ટી.બસસ્ટેન્ડને નવું બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી. છેલ્લા ૨ મહિનાથી જુના બસ સ્ટેન્ડની પાડવાની શુભ ચોઘડિયાની રાહ જોવામાં આવી રહી છે. તંત્ર પણકશુ ધ્યાન આપતુ નથી. ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ગોકળગાયની ગતિએ જુના બસ સ્ટેન્ડની જગ્યાએ નવું એસ.ટી.સ્ટેન્ડ ઉભુ કરવાની કામગીરી સામે હાલ અનેક સવાલો ઉઠી રહ્યા છે. લાંબા સમયથી કોન્ટ્રાકટરને જુના બસ સ્ટેન્ડનો કબજો સોંપી દીધા બાદ પણ હજુ કામગીરી હાથ ધરવામાં આવી નથી. હાલમાં તો જુના એસ.ટી.સ્ટેન્ડની હાલત જોતા લાગી રહ્યું છે કે, રાજકોટને નવું એરપોર્ટ જેવું બસપોર્ટ મળતા ૧૦ વર્ષ જેટલો સમય લાગી જશે. બે મહિનાથી એસ.ટી.ની એક પણ ઈમારતને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્યારે લોકોમાં પણ જુનુ એસ.ટી. નવું બનાવવાની પ્રક્રિયા કયારે હાથ ધરાશે તેની ચર્ચા ચાલી રહી છે.
કામગીરી શરૂ થઈ જશે: જેઠવા
આ મુદ્દે રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામકે દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, બે મહિના પૂર્વે જ જુના એસ.ટી.ને નવી બનાવવાની કામગીરીનો કોન્ટ્રાકટ આપી દેવામાં આવ્યો છે. રાજયભરમાં ચૂંટણીનો માહોલ હોવાના લીધે મંદ ગતિએ કામકાજ થતુ હતું પરંતુ હવે ચુંટણી પૂર્ણ થઈ છે. આચારસંહિતા પણ ઉઠી ગઈ છે એટલે હવે ફરીથી ઈમારતને નવી બનાવવાની કામગીરીનો ધમધમાટ ચાલુ થઈ જશે અને અંદાજે ૨૦૨૦માં રાજકોટને અરેપોર્ટ જેવું અદ્યતન બસપોર્ટ મળી જશે.