ઉદઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરાશે
પ્રજાસતાક પર્વની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે રાત્રે ૦૮:૦૦ કલાકે વિરાણી હાઇસ્કુલના ગ્રાઉન્ડ ખાતે જુના ગીતોનો “સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનુ ઉદઘાટન ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમમાં બોલીવૂડ સિંગર મનીષા કરંદીકર, કવિતા મૂર્તિ, બેલા સુલેખે, આનંદ વિનોદ, સલીમ માલિક, નિતાંત યાદવ, સંજય સાવંતઅય મેરી જોહરાજબી, ઓ બસંતી પવન રે પાગલ, યે રાત યે ચાંદની ફિર કહાં, તેરી મહેફિલમે કિસ્મત, ઝુમતા મૌસમ મસ્ત મહિના, રાજકોટ રંગીલું શહેર છે, લેકે પહેલા પહેલા પ્યાર, ઓ મહેબુબા, ઉડે જબ જબ ઝુલ્ફે તેરી, જવાં હે મુહબ્બત વિગેરે જેવા જુના ગીતોની રમઝટ બોલાવશે. સુરીલી શામ રાષ્ટ્ર કે નામ કાર્યકમમાં વિવિધ ગીતો રજુ કરનાર સિંગર આનંદ વિનોદ સને ૧૯૯૯ થી મેઘદુત રંજન કેન્દ્ર, વડોદરાથી પોતાની સિંગિંગ કારકિર્દીનો પ્રારંભ કરેલો. અને જુના મેલોડિયસ ગીત માટે તેઓ વિખ્યાત છે.
બોલીવૂડના વિખ્યાત સંગીતકારો અનીલ બિસ્વાસ, નૌશાદજી, ખૈયામ, રવિન્દ્ર જૈન, રવિ સહિતના મહાનુભાવો સાથે ગીત ગાયેલ છે. દેશ-વિદેશમાં તેઓએ ૧,૫૦૦થી વધુ સ્ટેજ શો કરેલ છે. તેઓ લીજેન્ડરી સિંગર કિશોર કુમારના ગીતો માટે ખુબ જ જાણીતા છે. અન્ય એક સિંગર સંજય સાવંત પણ દેશ-વિદેશમાં ૧,૫૦૦ થી વધુ સ્ટેજ કાર્યક્રમ આપેલા છે. ૨ દાયકાનો સિંગિંગ અનુભવ ધરાવતા સંજય સાવંત હિન્દી, મરાઠી, ગુજરાતીમાં ગીતો ગાય છે. તેમનું રીમીક્સ મ્યુઝિક આલ્બમ ઓઢણી ઉડ ઉડ જાયે (બેબી બોક્સ મિક્સ) સા રે ગ મા દ્વારા ૨૦૦૪માં રીલીઝ કરાયું હતું. આ ઉપરાંત કે.એલ. સાયગલ જેના લીજેન્ડરી સિંગરના ગીતો ગાતા નિતાંત યાદવ પંકજ મુલીકના ગીતો પણ રજુ કરશે. તેમજ અન્ય કલાકારો જુના યાદગાર ગીતો રજુ કરી શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરશે. જુના ગીતના આ શાનદાર કાર્યક્રમમાં એન્કર તરીકે વિખ્યાત મોડેલ અભિનેત્રી હેમાલી સેજપાલ રહેશે. શહેરીજનોને માણવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.