સિદ્ધિ વિનાયક યુવા ગૃપ દ્વારા સાતમાં વર્ષે વિશિષ્ટ ત્રિવિધ આયોજન કરાયું
યુવા વર્ગની એકતા અને હકારાત્મક કાર્યો જ સમાજ અને રાષ્ટ્રનો ઉત્કર્ષ કરી શકે છે: હર્ષદ રિબડીયા
વિસાવદર તાલુકાના જૂની ચાવંડ ગામ ખાતે સિદ્ધિ વિનાયક યુવા ગૃપ દ્વારા ગ્રામજનોનું સ્નેહમિલન, તેજસ્વી બાળકોની સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ એમ વિશિષ્ટ ત્રિવિધ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજર આગેવાનોએ ગામના યુવાનોની આ રચનાત્મક પ્રવૃત્તિને બિરદાવી ગ્રામજનોમાં સંગઠન ભાવના વધે તથા જરૂરિયાતના સમયે એક-બીજાને ઉપયોગી બની રહે તેવી સમજણ આપી હતી. જૂની ચાવંડ ગામમાં ગામ લોકોમાં એકતાની ભાવના જળવાઈ રહે તે માટે સિદ્ધિ વિનાયક ગૃપ દ્વારા સાતમાં વર્ષે નવા વર્ષ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કે.જી.થી ધો.૧૨ સુધીના સર્વજ્ઞાતિય તેજસ્વી છાત્રોને ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ૩૦ જેટલા બાળકો દ્વારા પુલવામા હુમલાના શહીદોને અર્પણ કરતું નાટક તેમજ દેશભક્તિ અને સમાજ જાગૃતિને લગતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. જેને નિહાળી હાજર તમામ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા.
આ પ્રસંગે હાજર રહેલા સમાજ સેવક અને સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આજે સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી તે સક્ષમ અને સદ્ધર લોકોની ફરજ છે. આ સાચો ધર્મ છે. માધ્યમ તરીકે યુવાનો દ્વારા આ કાર્ય હાથમાં લેવામાં આવે ત્યારે આવું કાર્ય સાર્થક થાય છે. જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા હાથ ધરવામાં આવતા સમુહલગ્ન, સિલાઈ મશીન વિતરણ, સમાજ જાગૃતિ શિબિરો, જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવાના આયોજનો વગેરેમાં પણ યુવાન ભાઈઓ બહેનોનો સિંહ ફાળો હોય છે. આ પ્રમાણે જ જુની ચાવંડના યુવાનોએ ગામના સંગઠન અને એકતા માટે નવા વર્ષ સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને તેજસ્વી બાળકોને સન્માનવાના કાર્યક્રમનું જે આયોજન શરૂ કર્યું છે, સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સિદ્ધિ વિનાયક ગૃપના નિકુંજ દિલીપભાઈ રૂડાણી અને અંકિત બાબુભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ યુવા મિત્રોની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.