ઉંદર મારવાની દવા ખાંડણીમાં ખાંડીને પતિ-પત્નીએ ગટગટાવી જીવન ટૂંકાવતા પટેલ પરિવારમાં હોળીના તહેવારમાં જ કરૂણાંતિકા સર્જાઇ
શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા મોરબી રોડ પર રાજમોતી રેસિડેન્સીમાં વૃધ્ધ પટેલ દંપત્તીએ કાળઝાળ મોંઘવારીના કારણે આર્થિક ભીસની હોળીના કારણે હોળીના સપરમાં તહેવારે જ સજોડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતા પટેલ પરિવારમાં કરૂણાંતિકા સાથે અરેરાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજમોતી રેસિડેન્ડીમાં છેલ્લા સાત વર્ષથી ભાડાના મકાનમાં રહી ઇમીટેશનની છુટક મજુરી કામ કરતા અશોકભાઇ રવજીભાઇ પાંભર નામના ૬૦ વર્ષના પટેલ વૃધ્ધ અને તેમના પત્ની ૫૫ વર્ષના પત્ની પ્રભાબેન પાંભરે સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું બી ડિવિઝન પોલીસમાં નોંધાયું છે.
કાલાવડ રોડ પર આવેલા આણંદપરના વતની અને છેલ્લા ૩૦ વર્ષથી રાજકોટમા સ્થાયી થઇ સામાકાંઠે રાજમોતી રેસિડેન્સીમાં રહેતા અશોકભાઇ પાંભર અને તેમના પત્ની પ્રભાબેન પાંભર નિત્યક્રમ મુજબ સવાર થવા છતાં મકાનનો દરવાજો ન ખોલતા પાડોશમાં રહેતા કુટુંબીભાઇ દિપેનભાઇ પાંભર તેમના ઘરે તપાસ કરવા ગયા ત્યારે તેઓએ બારીમાંથી જોતા અશોકભાઇ પાંભર અને તેમના પત્ની પ્રભાબેનના મૃતદેહ જોવા મળ્યા હતા તેમજ બાજુ બાજુમાં બંનેએ ઉલ્ટી કરી હોવાનું તેમજ મોઢામાં ફીણ હોવાથી તેઓ તુરંજ પરિસ્થિતી પામી બી ડિવિઝન પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.
બી ડિવિઝન પી.આઇ. વી.જે.ફર્નાડિઝ, એએસઆઇ કે.આર.ચોટલીયા અને રાઇટર મહેશભાઇ સહિતનો સ્ટાફ રાજમોતી રેસિડેન્સી દોડી ગયા હતા અને અશોકભાઇ પાંભરના મકાનનો દરવાજો ખોલી તપાસ કરતા બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને તેઓના મકાનમાંથી લોખંડની ખાંડણી મળી હતી તેમા ઉંદર મારવાની દવાના ટીકડા ખાંડીને પી ગયા હતા. અશોકભાઇ અને તેમના પત્ની પ્રભાબેને મોડીરાતે સજોડે ઝેરી દવા પી આપઘાત કર્યાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
અશોકભાઇ પાંભર છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીસ અનુભવી રહ્યા હોવાના કારણે મોંઘવારીમાં પુરૂ થતું ન હોવાથી પત્ની પ્રભાબેન સાથે ઝેરી દવા પી આપઘાત કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અશોકભાઇ પાંભરે આ પહેલાં પણ ત્રણ વર્ષ પહેલાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારે પત્ની પ્રભાબેનને જાણ થતા ૧૦૮ની મદદથી સમયસર સારવાર મળી જતા તેઓ બચી ગયા હતા. આર્થિક સંકડામણના કારણે અશોકભાઇ અને પ્રભાબેન વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાનું જાણકારો કહી રહ્યા છે.
પોલીસ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા છે. અને આર્થિક ભીસના કારણે જ આપઘાત કર્યો છે. કે અન્ય કોઇ કારણસર જીવન ટૂંકાવ્યું તે અંગે પોલીસ દ્વારા મૃતકના બે મોબાઇલ કબ્જે કરી છેલ્લી કોની સાથે વાત થઇ તેમજ બંનેના કોલ ડીટેઇલ મેળવી તપાસ હાથધરી છે.
મૃતક અશોકભાઇ પાંભર છ ભાઇમાં સૌથી મોટા અને તેઓના ૩૦ વર્ષ પહેલાં લગ્ન થયા હતા તેમજ તેઓ નિસંતાન હોવાનું જાણવા મળે છે. અશોકભાઇ પાંભર અને તેમના પત્ની પ્રભાબેન પાંભરે સજોડે ઝેરી દવા પી જીવન ટૂંકાવતા હોળી-ધૂળેટીના તહેવાર ટાંકણે પટેલ પરિવારમાં અરેરાટી સાથે શોક છવાઇ ગયો છે.