નિવૃત્તિના આ દૌરને હોસ્પિટલમાં તબીબો અને દવાઓ સાથે જ નહીં, પણ પુસ્તકોના સાનિધ્યમાં વિતાવવો જોઇએ
‘ગાત્રો’ સાથ છોડે ત્યારે એક મેકનો હાથ ઝાલીને પાર પાડવાની શુભ ભાવના રાખી યાદગાર બનાવવામાં આવશે તો ‘ઘડપણ દોહયલુ’ નહીં પણ ‘વહાલું’ લાગશે
‘અભી તો મૈ જવાન હુ’…. આ સદાબહાર ભાવના પ્રત્યેક વયોવૃદ્ધમાં કયારેકને કયારેક તો ઉમટે જ છે. આ ભાવના પ્રવૃતિમય જીવનશૈલી માટે ખરેખર બિરદાવવા લાયક છે. પણ આ ભાવના દરેક સિનિયર સિટિઝનોમાં નથી જોવા મળતી, કારણ કે પરિવારનું વહન કરવાની જવાબદારીઓ નિભાવતા નિભાવતા મિત્રો, પરિજનો, સમાજ અને વિવિધ પરિસ્થિતિઓ પાર પાડતા પાડતા મનોબળ કયારેક સાથ છોડી દે છે.
હૃદયના પેટાળમાં જીવનના કેટલાક સંઘર્ષો, ખાટી-મીઠી પળો, સંબંધોમાં આવેલા તણાવોના તાપાવાણામાં જ મન અટવાયેલું રહે છે. તથા જુવાનીમાં કેટ કેટલીય આશાઓ અને ઇચ્છાઓને સંઘરીને બેઠેલુ મન વારંવાર એ બધુ કરી શકવાની યાદ અપાવ્યા કરે છે. ખૈર, આ તો થઇ ઉમરના ૬૦ વર્ષને પાર કરી ચૂકેલા પ્રત્યેક વડીલોની વાત, પણ આપણે આજે ‘વૃદ્ધાવસ્થા’ના એ દૌરની વાત કરીશું જેમાં દાંયત્ય જીવનમાં વડીલોનું જીવન અને જીવનશૈલી કેવી હોવી જોઇએ.
કહેવાય છે ઘડપણ એટલે અનુભવોનું વડપણ ‘વૃદ્ધાવસ્થા’ એ જીવનનો એક એવો અંતિમ પડાવ છે કે જેમાં એક પણ જીવનમાં અને બીજો મરણ તરફ હોય છે.
આ સ્થિતિમાં સહજ પણે બુઝુર્ગોના મનમાં નકારાત્મક વિચારો ઉદ્દભવે જ છે કે ‘ભગવાન લઇ લે તો સારુ’ કારણ કે શારિરીક દુર્બળતા મનને નબળુ બનાવી દે છે. વર્તમાન સમયની વાત કરીએ તો હાલમાં વડીલોની જે પરિસ્થિતિ થાય છે કે જેમાં સંતાનો પણ સાથ છોડી દે છે જીવનના આવા કપરા કાળમાં ‘પતિ અને પત્ની’ આ બન્ને એ જ એક બીજાનો સહારો બનવાનું હોય છે.
આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાની જો વાત કરીએ તો એ જ જમાનામાં સરકારી નોકરી કરતા યુવાનોનું દામ્યત્ય જીવન આજે થોડું સરળ હોય તેમ લાગે છે. કારણ કે આર્થિક સંકળામણ ‘પેન્શનના રૂપમાં સહારો બને છે. પરંતુ આજે વડીલોએ છેક સુધી ઝઝુમવુ પડે છે. તેવામાં પ્રવૃતિમય રહેવું ફરજિયાત બની ગયુ છે.
‘પતિ અને પત્ની’ એક સિકકાની બે બાજુ સમાન છે. એ વાત ‘વૃદ્ધાવસ્થા’માં આગમન કર્યા પછી વધારે સાચી લાગે છે. આ વાત સાથે ‘બાગબાન’ મુવીનો એ સંવાદ યાદ આવે છે. જેમાં ફિલ્મના પીઠ નાયકની મુખ્ય ભૂમિકા ભજવનાર બીગ બી અમિતાભજી નાયિકા ડ્રીમ ગર્લ હેમાજીને કહે છે ‘ભરોસા હૈ? જવાબમાં હેમાજી કહે છે ખુદ સે જયાદા.. આ સંવાદ ‘ઘર ચલાવવાની વાતને લઇને છે’ દરેક વડીલોને છેક સુધી આ ચિંતા સતાવતી જ હોય છે. પણ આ સમયે ખરા અર્થમાં ચિંતા કરવાના બદલે જો મનોબળ મજબૂત રાખીને ટેકો કરવાની ભાવના સાથે ‘પતિ-પત્ની’ એક મેકનો હાથ ઝાલીને જીવન જીવવાની કળા શીખી જાય તો જીવન એક બીજાના સહારે જ પાર પડી જાય. જીવનનો આ એક એવો સમજણ ભર્યો સમય છે કે જેમાં ભૂતકાળમાં એક બીજા દ્વારા થયેલી ભૂલોને યાદ આપાવવા કરતા વિવાદોથી દૂર, કયારેક મૌન, કયારેક સંવાદ.. એક બીજાની હૂંફ અને સમજણ સાથે તથા વિતેલી ક્ષણોને ‘ફલેશબેક’ નહી કરીને ‘ફાસ્ટફોરવર્ડ’ કરીને પ્રત્યેક પળને જીવવાની મજા છે. ભૂતકાળનું બધુ ભૂલીને એક બીજાનો સાથ વધુ મજબૂત બનાવવાનો સમય છે. બાળકો સાથ આપશે કે નહીં એની ચિંતા કરવા કરતા બન્ને એક બીજાના સાથી બની જાય તો આ અંતિમ પડાવ આસાનીથી પાર પડી જાય.
નિવૃતિના આદૌરને હોસ્પિટલમાં તબીબો અને દવાઓ સાથે જ વિતાવવુ ના પડે તેની પુસ્તકોનો સહારો લઇ જો વાંચનની આદત વિકસાવવામાં આવે તો સમજણ વધુ પરિપકવ બની જશે અને સમય પણ પસાર થઇ જશે અને સમય પણ પસાર થઇ જશે. ‘કાલે શું થશે’ તેવી ચિંતા સહજ છે. પણ થોડીવાર માટે આ ચિંતાને બાજુ પર મૂકીને વર્તમાનમાં જીવવાનો આનંદ લેવાની સુખદ પળો શરીરને બીમારીથી દૂર રાખશે. ‘ઘડપણ’ બધાને દોહયલુ લાગે છે, કારણ કે શરીર પણ ધીમે ધીમે સાથ છોડતુ જાય છે ત્યારે નિવૃતિના આ દૌરમાં ‘ગાત્રો’ જયારે સાથ છોડે ત્યારે એક બીજાનો હાથ ઝાલીને ઘડપણને પાર પાડવાની દામ્યત્ય જીવનની યોજનાને વધુ સુખદ બનાવી દેશે. અને જીવનનો અંતિમ પડાવ દુ:ખ અને તકલીફ રહિત પાર પડી જશે.
‘ન ધરા સુધી, ન ગગન સુધી’
નહીં ઉન્નતિના પતન સુધી, અહીં આપણે તો જવું હતું બસ એક મેકના મન સુધી… પ્રસિધ્ધ કવિ ગની દહીંવાલાની આ કાવ્ય પંકિતની છેલ્લી લાઇન ‘અમે સાથ દઇએ કફન સુધી..’ આજના વિષય ‘વૃદ્ધાવસ્થા’ને એકદમ બંધ બેસે છે. પતી-પત્નીના જીવનનું આ અંતિમ ચરણ કેમ સુખદ બનાવવું એ ખરેખર આપણા પોતાના જ હાથમાં છે. લાગણીઓના બહાવમાં ન વહીને, જે થયું તેને ભૂલીને એક બીજાનો સાથ નિભાવવામાં જ જીવનનો સાચો આનંદ છે.