અંધારીયા ખંડ તરીકે ઓળખાતા આફ્રીકા ખંડના સેન્ટ્રલ બુરૂંડી દેશમાં અજાણ્યા શસ્ત્ર હુમલાખોરોએ બે વાહનોના કાફલા પર ભયાનક હુમલો કરતા 18 લોકો માર્યા ગયા હતા. શનિવારે આ ભયાનક આતંકવાદી હુમલો થયો હતો. હુમલાખોરોએ આડેધડ ગોળીબાર કરી બે કારને આગ ચાંપી દીધી હતી. પરિણામે કેટલાંક લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા તેમ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું.
ગોળીઓ વરસાવી વાહનોને આગ ચાંપી દેવાતા કેટલાંક કમભાગીઓ જીવતા ભૂંજાયા
ભુરૂંડીના બુઝુંબુરા વિસ્તારમાં વાહનોનો કાફલો પસાર થઈ રહ્યો હતો ત્યારે હુમલાખોરોએ રસ્તા પર પથ્થરોની આડસ મુકી વાહનો અટકાવ્યા હતા. બેફામ ગોળીબાર ચાલુ કર્યો હતો અને બાદમાં વાહનો સળગાવી દીધા હતા. મુરામ્વીયા પ્રાંતમાં આ ઘટના બની હતી. બુરૂંડીની રાજધાની બુઝુંબુરાથી 40 કિ.મી. દૂર આ વિસ્તાર આવેલો છે. તાત્કાલીક કોઈ સંગઠને જવાબદારી સ્વીકારી નથી પરંતુ બુરૂંડીના સુરક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, આતંકવાદી ટોળકીએ હુમલો કર્યો હતો અને કેટલાંક લોકોને જીવતા સળગાવી દીધા હતા. સશસ્ત્રદળોએ 12 જેટલા શકમંદોની ધરપકડ કરી લીધી હતી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. આફ્રિકા ખંડનો આ દેશ લાંબા સમયથી આતંકવાદી હિંસાનો શિકાર બની રહ્યો છે અને અવાર-નવાર ત્રાસવાદીઓ રક્તપાત સર્જતા રહે છે.