ભારતના પશ્ચીમ છેવાડાના પ્રદેશ ગણાતા ઓખા મંડળ પ્રદેશમાં ક્ષત્રીય વાધેર સંપ્રદાયની વિરતા તથા શૌર્યતાનો સદીઓ જુનો સુવર્ણમય ઇતિહાસ છે. હાલમાં પણ દેશની સેવા માટે ક્ષત્રીય વાધેર સમાજના અનેક જવાનો આર્મી, સીઆરપીએફ, સીઆઇએસએફ, બીએસએફ સહીતની અનેક સૈનિક ટુકડીઓમાં દેશની સેવા બજાવી રહ્યા છે.
આ વિસ્તારના ભીમપરા ગામના સ્વ. જીવાભાઇ સાચલભા માણેક પરિવારના પાંચ પાંચ સભ્યો આજે દેશસેવામાં કાર્યરત છે. આ પાંચેય પરિવારજનોનું ઓખા મંડળના ક્ષત્રીય સમાજના અગ્રણીઓ દ્વારા દ્વારકા ખાતે વિશાળ રેલી કાઢી, સ્વામીનારાયણ મંદીરના પટાંગણમાં સ્વાગત સમારોહ તેમજ સાધુ સંતગણના આશીર્વદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાધુ સંતોએ પણ દેશ માટે લોહી વહેડાવનારા સૈનિકો પ્રત્યે ખુબ આદર હોય આ સૈનિક પરીવારના વીરોની ખુબ જ પ્રશંસા કરી આશીર્વાદ પાઠવ્યા હતા.