૧૯માં સમુહલગ્નમાં ૧૩૯ નવદંપતિઓએ પ્રભુતાના પગલા માંડયા
ઓખા મંડળના ભામાસા શ્રી વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા સમાજને નવો રાહ ચિંઘ્વા ૧૯૯૩થી છેલ્લા ૨૭ વર્ષથી સમસ્ત ક્ષત્રિય વાધેર સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન કરે છે. રવિવારના રોજ ૧૯મો સમુહ લગ્નોત્સવ-૨૦૧૯ શ્રી સનાતન સેવામંડળ-દ્વારકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૩૯ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માડયા હતા.
આ સમુહલગ્નના મુખ્ય યજમાન માનણભા માણેક તથા આયોજક ધારાસભ્ય ઓલ ઈન્ડિયાના ક્ષત્રિય વાધેર સમાજના પ્રમુખ પબુભા માણેક રહ્યા હતા. માણેક પરીવારના ભામાશા સ્વ.વિરમભા આશાભા માણેકના પ્રેરણા સ્ત્રોતથી તેમના પુત્ર પરીવાર દ્વારા છેલ્લા ૨૭ વર્ષમાં ૧૦૦૮ જેટલા નવદંપતિ પરીવારના પુત્ર-પુત્રીના લગ્ન કરાવ્યા છે. ૧૯માં સમુહલગ્નોત્સવ સનાતન સેવા મંડળ દ્વારકા ખાતે ૧૩૯ નવદંપતિઓના સવારે વિધિવિધાનથી મંગળફેરા એક સાથે એક જ મંડપમાં એક સાથે ફર્યા હતા. બાદ આમંત્રિત મહેમાનો અને નવદંપતિ પરિવારોનો સમુહ ભોજન યોજાયો હતો. છેલ્લા ૨૭ વર્ષમાં આ સમુહલગ્ન સાથે કુલ ૧૮૦૨ નવદંપતિઓના લગ્નનું ભગીરથ કાર્ય સાથે ઓખા મંડળમાં નવો ઈતિહાસ રચાયો હતો.
આ નવદંપતિને આશીર્વાદ આપવા શ્રી દંડી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ, મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ.પૂ.માં શ્રી કનકેશ્વરી દેવીજી તથા સ્વામી શ્રી કેશવાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમુહલગ્ન ઉત્સવમાં ૫૦ હજાર જ્ઞાતિજનો એક સાથે એક પંગતે સમુહ પ્રસાદી લઈ ઓખા મંડળના માણેક પરિવારને આ ભગીરથી કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.