કોર્પોરેશનમાં નવા ભળેલા ગામોમાં વિકાસ કામો હાથ ધરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કાલે મળનારી ખડી સમિતિની બેઠકમાં ૪૮ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકાની હદમાં તાજેતરમાં ભળેલા મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર-૧માં આગામી દિવસોમાં વિકાસનો નવો દ્વાર ખુલશે અને શહેરી વિકાસની નવી જ ઓજસ પથરાશે. નવા ભળેલા વિસ્તારોમાં વિકાસ કામો હાથ ધરવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. કાલે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ ૪૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

રાજકોટની આસપાસ આવેલા મોટામવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર-૧ને મહાપાલિકાની હદમાં સમાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરીની મહોર મરાયા બાદ ખુબજ ટૂંકા સમયમાં કોર્પોરેશન દ્વારા આ વિસ્તારોમાં વિકાસ કામોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારો કોઈપણ સુવિધાથી વંચિત ન રહે તે માટે અહીં નવા વિકાસ કામો હાથ ધરવામાં માટે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં આ ઉપરાંત શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧૨-બમાં પાર્ટ ટાઈમ સફાઈ કામદારો સફાઈ કરવા તથા કચરો ઉપાડવાની કામગીરીનો કોન્ટ્રાકટ આપવા, સિનીયર કલાર્કની જગ્યામાં બઢતીની લાયકાતમાં સુધારો કરવા, કોરોના સંક્રમીત થયેલા કોર્પોરેશનના કર્મચારી અને અધિકારીને માન્ય હોસ્પિટલમાં લીધેલી સારવારનો તબીબી ખર્ચ મંજૂર કરવા, શહેરના અલગ અલગ વિસ્તારોમાં જનભાગીદારીથી મેટલીંગ તથા રોડ-રસ્તાના કામો હાથ ધરવા, ૧૮ ઈંચની સાઈઝના નળ કનેકશન આપવા મંજૂર કરવા તથા તેના ચાર્જ નિયત કરવા, હોકર્સ ઝોનમાં ધંધાર્થીના ત્રણ મહિનાની વહીવટી ચાર્જ માફ કરવા, કોરોના મહામારી સામે લડવા આરોગ્ય વિભાગમાં કરવામાં આવેલી આઉટ સોર્સીંગ ભરતીની મુદતમાં વધારો કરવા, તા.૧૪/૪/૨૦૧૮, ૨૧/૩/૨૦૧૯ સુધીનો વાર્ષિક ઓડિટ રીપોર્ટ અને ૧/૪/૨૦થી ૩૦/૬/૨૦ સુધીનો ત્રિમાસીક ઓડિટ રીપોર્ટ લક્ષમાં લેવા, રોશની શાખાની રોજબરોજની કામગીરી માટે મેઈન પાવર સપ્લાય કરવાનો કોન્ટ્રાકટ આપવા, વર્ષ ૨૦૨૦-૨૧ માટે ટ્રાફિકને લગત કામગીરી માટે વાર્ષિક ઝોનલ કોન્ટ્રાકટ આપવા, આવાસ યોજના વિભાગના હેડ કલાર્કને આવાસ યોજનાના દસ્તાવેજ કરવાની સત્તા આપવા અને મહાપાલિકાના જૂના વાહનોનું તથા ભંગારોનું ઈ-ઓકશનથી વેંચાણ કરવા સહિતની અલગ અલગ મંજૂરી આપવા અંગે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.