છેલ્લા ૨૪ કલાકમાં રાજયનાં ૨૨૨ તાલુકામાં મેઘમહેર: આગામી ૪૮ કલાકમાં રાજયભરમાં ભારે વરસાદની આગાહી
જુનાગઢમાં સૌથી વધુ ૬ ઈંચ: પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, નવસારી, જેતપુર, કલ્યાણપુર, ભાણવડ, રાજુલામાં સાડા ચાર ઈંચ: કચ્છનાં મુદ્રા, વિસાવદર, જાફરાબાદમાં ૪ ઈંચ: ખંભાળીયા, માંડવી, વિંછીયા, ભેંસાણમાં સાડા ત્રણ ઈંચ: રાજકોટમાં પણ બે ઈંચ ખાબકયો
માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ રાજ્યભરમાં શ્રાવણ માસમાં ફરી વરસાદની જમાવટ થતા હવે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તેલીબિયાં, કઠોર અને અનાજના ભંડારો છલકાશે. સારા વરસાદથી હવે ચોમાસુ પાક સાથો સાથ શિયાળાના પાકો લેવામાં પણ ખેડૂતોને ફાયદો થશે. સૌરાષ્ટ્ર-કરછમાં શ્રાવણમાં સરવાળને બદલે હવે ધોધમાર વરસાદ વરસતા ખેડુતોમાં આંનદની લાગણી પ્રસરી છે. દક્ષિણ, મદય, પશ્ચિમ અને પૂર્વીય ભારતમાં ચોમાસું નોંધપાત્ર રીતે મજબૂત બન્યું છે. મુશળધાર વરસાદ અને જોરદાર પવનને કારણે પશ્ચિમ કાંઠાના ઘણા ખરા વિસ્તારો પાણીથી તરબતોર થઈ ગયા છે અને વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદની આગાહીને પગલે મુંબઇમાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે ઉપરાંત મદયપ્રદેશ, ગુજરાત અને ગોવામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર યથાવત છે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પોણા ૬ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને લઈને શહેરના ડેમો અને તળાવમાં નવા નીરની આવક થવા પામી છે. તો જૂનાગઢનો વિલિગન્ડ ડેમ ઓવરફ્લો થયો છે. નરસિંહ મહેતા સરોવર ડેમ પણ ઓવર થવા પામ્યો છે. સવારથી જ જિલ્લાના કેશોદ, માંગરોળ, મેંદરડા અને વંથલી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. તો કેશોદમાં પણ ૨ કલાકમાં ધોધમાર પોણા ૩ ઈંચ વર્ષદ નોંધાયો હતો.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૨ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ શહેરમાં પોણા ૬ ઈંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં સાડા પાંચ ઈંચ વરસાદ, કુતિયાણા, નવસારી, જેતપુર, ભાણવડ, રાજુલામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કરછના મુદ્રામાં, વિસાવદર, જાફરાબાદ, ખંભાળિયામાં ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. તેમજ માંડવી, વીંછીયા, ભેંસાણ, ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ અને મહુવામાં ૩, દ્વારકામાં અઢી, લાલપુરમાં અઢી, લાઠીમાં અઢી, બારડોલીમાં અઢી, ટંકારમાં અઢી, ચોયાશીમાં અઢી, મોરબીમાં ૨, વડીયામાં ૨, હળવદમાં ૨, ધોરાજીમાં ૨ અને ઉપલેટામાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
આજે શુક્રવારે સવારથી ગુજરાતના ૪૩ તાલુકામા વરસાદ વરસી રહ્યો છે. જેમાં સવારથી રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ કેશોદમાં પણ બે જ કલાકમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના માંગરોળમાં પણ બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ૨ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે આ વખતે ચોમાસાએ રહી રહીને જોર પકડતા અનાજના ભંડારા છલકાય જશે તેવી શકયતા વર્તાઈ રહી છે.
દામોદર કુંડ છલકાયો
જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફલો
જૂનાગઢમાં છેલ્લા ચાર દિવસથી મેઘો સર્વત્ર મન મુકીને વરસી રહ્યો છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં જુનાગઢમાં પોણા છ ઈંચ વરસાદ વરસતા વિલિંગ્ટન ડેમ અને દામોદરકુંડ ઓવરફલો થયા છે. શહેરનું નરસિંહ મહેતા તળાવ છલોછલ થઈ જવા પામ્યું છે. આ સિવાય વિસાવદર અને બિલખા વચ્ચે આવેલા ડાયવર્ઝનમાં પાણી આવી જતા રસ્તો ધોવાઈ ગયો હતો અને વિસાવદરથી ધારી બાયપાસ ઉપર આવેલો અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા બંને રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો. ગઈકાલે સાંજે ભેંસાણનાં ચણાકા ગુજરીયા રોડ ઉપર આવેલો ખોડિયાર વોંકળામાં એક હિરા ઘસુ ફસાયો હતો જોકે તેને રેસ્કયુ કરીને બહાર કાઢવામાં આવ્યો હતો.