નવી સિઝનમાં સિંગતેલનાં ભાવ શું રહેશે? આ સવાલ આજે સૌરાષ્ટ્રના નાગરિકોના મનમાં રમે છે. આવો સવાલ થવો પણ સ્વાભાવિક છે કારણકે વિતેલી ખરિફ સિઝનમાં વાવેતરની સ્થિતી એટલી અનિયમિત રહી છે કે તેલિબીયાનાં ઉત્પાદન તથા ઉતારાના વરતારાનો ગ્રાફ સતત ઉપર-નીચે થતો રહ્યો છે. બાકી હોય તો રવિ તેલિબિયાંનાં વાવેતર પણ હજુ સુધી સામાન્ય કરતા નીચા હોવાનું જાણવા મળે છે.
ભારતમાં રવિ વાવેતરનાં આંકડા આવવા શરૂ થયા છે. આમ તો નોરતાં પુરા થયે એટલે કે દિવાળીનાં પ્રારંભે અથવા તો દિવાળી પુરી થયા બાદ તુરત જ આપણે ત્યાં રવિ વાવેતર શરૂ થવાની પરંપરા છે. પરંતુ આ વખતે શરૂઆતમાં જ ચોમાસું મોડું પડ્યુ, બાકી હોય તો દિવાળી વખતે પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોને પરેશાન કર્યા. ઘણા વિસ્તારો એવા છે જ્યાં નવેમ્બર-૧૯ નાં પ્રથમ સપ્તાહમાં એટલે કે દિવાળી બાદ ખેડૂતોને ખેતરમાંથી માલ ઉપડાવાની તક મળી છે. પરિણામે સૌરાષ્ટ્રમાં સિગતેલની મિલોના ઉત્પાદન પણ પાછા ઠેલાયા હતા. જે લોકો બ્રાન્ડ નામે તેલ વેચતા હતા તેમને બજારમાંથી મિક્સીંગ વાળા તેલનાં માલને પોતાની બ્રાન્ડનાં નામે વેચવાનો વારો આવ્યો છે.
નવેમ્બર-૧૯ ના અંતે સરકારે જાહેર કરેલા અંકડા પ્રમાણે દેશમાં હજુ સુધી રવિ સિઝનનાં તેલીબિયાંનાં વાવેતર ગત વર્ષ કરતા ઓછાં જણાય છે. આ વખતે હજુ ૬૦.૩૧ લાખ હેક્ટરમાં તેલિબીયાંનાં વાવેતર થયા છે. જે ગત વર્ષ ૬૩.૬૯ લાખ હેક્ટરમાં નોંધાયા હતા. વાવેતરનો ઘટાડો મુખ્યત્વે સરસવના વાવેતરમાં કાપના કારણે જોવા મળ્યો છે. જેની અસર આગામી દિવસોમાં મગફળી, તલ તથા સોયાબીનનાં ભાવ પર જોવા મળી શકે છે. આ વખતે દેશમાં સરસવનું વાવેતર ઘટી રહ્યું છે. ગત સાલ આ સમયગાળા સુધીમાં વાવેતર ૫૮.૫૮ લાખ હેક્ટરમાં નોંધાયું હતું. જે આ વખતે હજુ સુધી ૫૫.૪૦ લાખ હેક્ટરમાં એટલે કે ૩.૨૦ લાખ હેક્ટરમાં ઓછું જણાય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી માંડીને કાશ્મીર તથા બિહાર સુધી સૌ દૈનિક વપરાશમાં સરસવના તેલનો ખાવાના તેલ તરીકે ઉપયોગ કરે છે.
આ ઉપરાંત રવિ મગફળીનાં વાવેતર ૧.૯૨ લાખ હેક્ટર એટલે કે ગત વર્ષની સરખામણીઐ થોડું વધારે નોંધાયું છે. ગત વર્ષે આ સમયગાળામાં ૧.૮૮ લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન થયા હતા. કેસર નું વાવેતર ગત વર્ષનાં ૨૪૦૦૦ હેક્ટરની સરખામણી એ આ વખતે હજુ સુધી ૨૩૦૦૦ હેક્ટરમાં જ નોંધયું છે. આજ રીતે સુર્યમુખીનું વાવેતર પણ ગત વર્ષના ૭૬૦૦૦ હેક્ટરની સરખામણીએ હાલમાં ૬૦૦૦૦ હેક્ટર સુધી સિમીત રહી ગયું છે જ્યારે તલનું વાવેતરગત વષનાં ૧૪૦૦૦ હેક્ટરની તુલના એ આ વખતે વધીને ૨૪૦૦૦ હેક્ટરે પહોંચ્યું છે. અળસીનુ વાવેતર ગત વર્ષ ૧.૯૨ લાખ હેક્ટરમાં થયું હતું જે આ વખતે હજુ ૧.૭૫ લાખ હેક્ટરમાં થયું છે.
આમ તો આ વખતે ઓક્ટોબર મહિના સુધી એવી ધારણા હતી કે મગફળીનું ઉત્પાદન ૪૦ ટકા જેટલું વધારે આવશે. આજ રીતે સોયાબીનનું ઉત્પાદન પણ વધારે આવવાની આશા હતી. પરંતુ કુદરતની ગણતરી ઉંધી હતી, પશ્ચિમ ભારતમાં ઠેર-ઠેર ઉભા મોલ ઉપર પાણી ફરી વળ્યા. સોયાબીનની ખેતી કરતા મથકોએ માવઠાંના કારણે ૬૦ થી ૭૦ ટકા ખેતરોમાં નુકસાન થયું છે. નવા અંદાજ પ્રમાણે અગાઉની ધારણા કરતા ૨૦ થી ૨૫ ટકા પાક ઓછો આવવાનું અનુમાન મુકાયું છે. જેના કારણે મંડીઓમાં માલની આવકો વિલંબિત થઇ સાથે જ પ્રોસેસરોના પ્લાન્ટ પણ મોડા થયા છે. અમુક વિસ્તારોમાં ખેડૂતોને ખેતરો તથા પાક સુકાવા માટે સમય આપવો પડ્યો તેથી નવેમ્બર-૧૯ ના પ્રથમ સપ્તાહ બાદ લલણી શરૂ થઇ શકી છે. નુકસાનીનાં અહેવાલો આવતા જ સોયાબીન અને તેના સહારે અન્ય તેલિબીયાંનાં ભાવ વધ્યા હતા.
વૈશ્વિક બજારમાં બ્રાઝિલમાં હજુ સુધીમાં થયેલા વાવેતરના આંકડા ગત વર્ષ કરતા છ ટકા જેટલું વાવેતર વધી રહ્યું હોવાના સંકેત આપે છે. ૨૨ મી નવેમ્બર સુધીમાં બ્રાઝિલનાં ખેડૂતોએ ૭૭.૩ ટકા વાવેતર સંપન્ન કર્યા છે. આમછતાં છેલ્લા પાંચ વર્ષની સરેરાશ જોઇએ તો તે ૮૦.૫ ટકા જેટલી થાય છે તેના કરતા હજુ આ વખતે વાવેતર ઓછા છે. યુ.એસ.ડી.એ ના અહેવાલ પ્રમાણે અમેરિકામાં ગત વર્ષે ૯૪ ટકા વાવેતર સંપન્ન થયા હતા આ વખતે પણ આંકડો ૯૪ ટકા જણાય છે. આમછતાં છેલ્લા પાંચ વર્ષની સરેરાશ ૯૭ ટકા ની છે.