પોલીસ ત્રાટકતા ઓઈલ ચોરો ટેન્કર રેઢા મૂકીને નાસી ગયા રૂ. ૭.૭૦ લાખનો મૂદામાલ જપ્ત
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતાની કચેરીના હે.કો. સહદેવસિંહ ઝાલા મારફતે બાતમી મળેલ કે, ચોટીલા તાલુકાના દેવસર ગામની સીમમાં પસાર થતી સલાયા મથુરા પાઇપલાઇનમાંથી કોઈ માણસો ઓઈલની ચોરી કરી, ટેન્કર ભરી રહેલા છે.
જે મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.ઈન્સ. પી.ડી.પરમાર, પો.સ.ઇ.જે.જે.ચૌહાણ, એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડા, સરદારસિંહ, રાયધનભાઈ, ફારૂકભાઈ, રાજુભાઇ, ભગુભાઈ, હરદેવસિંહ, રાયફનભાઈ, ફારૂકભાઈ, દેવાભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના દેવસર સૂરજ દેવળ ગામે રેઇડ કરવામાં આવતા, ઓઈલની ચોરી કરતા ઇસમોમાં નાસભાગ મચી ગઇ હતી.
અચાનક પોલીસ ટીમ આવી જતા, ઓઇલ ચોરી કરતા ઈસમો ટેન્કર મૂકીને નાસી ગયેલ હતા. ચોટીલા પોલીસ દ્વારા સ્થળ ઉપરથી ટેન્કર નંબર GJ ૨૧ ઝ ૬૧૬૧ કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/- તથા ચોરી કરવામાં આવેલ ૯૦૦૦ લિટર ઓઇલ કિંમત રૂ. ૨,૭૦,૦૦૦/- તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ સાધનો સહિત કુલ કીમત રૂ. ૭,૭૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર *જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી* દ્વારા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ ના પોલીસ ઈન્સ. ખુમાનસિંહ વાળા, પીએસઆઇ એસ.બી.સોલંકી તેમજ ટેકનિકલ સેલના પીએસઆઇ અનિલ નાયર સહિતના ચુનંદા સ્ટાફને પણ કામે લગાડી, ગુન્હાના મૂળ સુધી તપાસ કરવા તથા આ ઓઇલ ચોરીના ષડયંત્રના ગુન્હામાં સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે.
ચોટીલા પોલીસ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની જાણ આઇઓસી ના અધિકારીઓને કરવામાં આવતા, આઇઓસી ના અધિકારી એ.આઇ.પટેલ તથા સ્ટાફ તપાસમાં જોડાયેલ અને આ બાબતે આઇઓસીની મેઈન પાઇપ લાઇન કે જે ખેતર માલિક અમિતભાઈ દવે રહે. ચોટીલા ના ખેતરમાં આવેલ હોઈ, તેમાં ચેડાં કરી, ૯૦૦૦ લિટર ઓઇલ કિંમત રૂ. ૨,૭૦,૦૦૦/- ની ચોરી કરવા તથા સરકારી મિલકતને નુકશાન કરવાની કલમો સહિત આરોપીઓ અમિતભાઈ દવે રહે.
ચોટીલા તથા ટેન્કર નંબર Gj ૨૧ ઝ ૬૧૬૧ ના ચાલક તથા માલિક સહિતના આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે આઇઓસીની અધિકારી આઇ.કે.પટેલ દ્વારા સરકાર તરફે ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવતા, વધુ તપાસ પો.ઈન્સ. પી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જે.ચૌહાણ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે….