જિલ્લા વહીવટી તંત્ર અને ઓઇલ કંપનીની સંયુક્ત મોકડ્રિલ : તમામ વિભાગો સમયસર પહોંચી ગયા પણ પોલીસ તંત્ર જ મોડું પડ્યું: પ્રાંતે પડધરી પોલીસ પાસેથી માંગ્યો ખુલાસો
જિલ્લા વહીવટી તંત્ર અને ઓઇલ કંપની દ્વારા પડધરીના બોડીઘોડી ગામે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક ઓઇલની પાઇપલાઇન તૂટતા આગ ફાટી નીકળી હતી અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ મોકડ્રિલમાં તમામ સરકારી વિભાગો સમયસર પહોંચી ગયા હતાં. બસ પોલીસ જ ફિલ્મોની જેમ ઘટના બાદ પહોચી હતી. પોલીસની આ લાપરવાહી બદલ પ્રાંત અધિકારીએ તેમની પાસેથી ખુલાસો માંગ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ પડધરી તાલુકાના બોડીઘોડી ખાતે જિલ્લા વહીવટી તંત્ર અનેં ઈઅઈંછગજ ઈંગઉઈંઅ ઓઇલ કંપની દ્વારા એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક ઓઇલની પાઇપલાઇન જેસીબીથી કામ ચાલતું હતું તે દરમિયાન તૂટી ગઈ હતી. અને આગ ફાટી નીકળી હતી. ત્યારે ત્યાંથી નીકળતા એક જાગૃત નાગરિકે તુરંત જ ઓઇલ કંપનીના ઇમરજન્સી નંબર ઉપર જાણ કરી હતી. જેથી ઓઇલ કંપનીની ફાયર ટિમ, મહાપાલિકાની ફાયર ટિમ ૧૦૮ની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જો કે આ મોકડ્રિલમાં પડધરી પોલીસની લાપરવાહી સામે આવી હતી. પોલીસની ટિમ સમયસર પહોંચી ન હતી. જેમ ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે પોલીસ ઘટના બાદ જ પહોંચે છે તેમ મોકડ્રિલમાં પણ એવું જ જોવા મળ્યું હતું. ઘોડા છૂટયા બાદ તબેલે તાળા મારવા પોલીસ પહોંચી ગઈ હતી. પોલીસની આ બેદરકારી બદલ પ્રાંત અધિકારી દ્વારા પોલીસ પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે.
પોલીસની લાપરવાહીને બાદ કરતા આ મોકડ્રિલ સફળ રહી હતી. આ મોકડ્રિલ ડિઝાસ્ટર વિભાગના પ્રિયાંક સિંઘના નેજા હેઠળ યોજાઈ હતી. જેમાં પ્રાંત અધિકારી સરયૂ જનકાર, મામલતદાર ભાવનાબેન વિરોજા તેમજ ઓઇલ કંપનીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.