સાગર સંઘાણી
રાજયમાં રખડતા ઢોરનો આતંક શમવાનું નામ લેતો નથી ત્યારે જામનગરમાં ફરી એક વાર રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. જામનગરમાં બુધવારે સાંજે બે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જે યુદ્ધ ૨૦ મિનિટ સુધી ચાલ્યું હતું, અને ભારે અફરાતફરી સર્જાઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના ગુરુદ્વારા ચોકડી વિસ્તારની છે જ્યાં બુધવારે સાંજે બે આંખાલાઓ સામસામા આવી ગયા હતા, અને યુદ્ધે ચડ્યા હતા. બંને આંખલાઓએ એક- બીજા વચ્ચે યુદ્ધ ચાલુ રાખ્યું હતું, અને ભારે ધમાચકડી સર્જાઇ હતી.
જેને લઈને ગુરુદ્વારા વિસ્તારનો ટ્રાફિકજામ થયો હતો, અને વાહન ચાલકો આ ધમાચકડીને લઈને અટવાઈ પડ્યા હતા. કેટલાક યુવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ કોઈએ મચક આપી ન હતી, જ્યારે ત્યાં પાર્ક કરેલા ત્રણ ટુ-વ્હીલરોને પણ હડફેટમાં લઈને નુકસાની પહોંચાડી હતી. જોકે મોડેથી બંને છૂટા પડ્યા હતા, અને સર્વેએ હાસ્કારો અનુભવ્યો હતો, તેમ જ વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો.