જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા એક માલધારી ના પશુના વાડામાં ગઈ રાત્રી દરમિયાન એકી સાથે ૧૪ ઘેટાના મૃત્યુ નીપજતાં ભારે ચકચાર જાગી છે. ઉપરાંત અન્ય ચાર જેટલા ઘેટા ઇજાગ્રસ્ત બન્યા છે. કોઈ જંગલી જાનવર ત્રાટક્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, અને ફોરેસ્ટ ખાતાની ટીમ દોડતી થઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના ફલ્લા ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા મેરાભાઈ નાથાભાઈ બાંભવા કે જેનો પોતાના ઘરની પાસે વાડો આવેલો છે, જેમાં ઘેટા બકરાને બાંધીને રાખવામાં આવ્યા હતા ત્યારે રાત્રી દરમિયાન ૧૪ જેટલા ઘેટા મૃત્યુ પામ્યા હોવાથી ચકચાર મચી જવા પામી હતી.
આ ઉપરાંત અન્ય ચાર ઘેટા ઇજાગ્રસ્ત હાલતમાં પણ મળી આવ્યા હતા. આ બનાવ અંગે પશુપાલક મેરાભાઈ બાંભવા દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાતાં ફોરેસ્ટ શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને કુતરાઓ અથવા તો કોઈ જંગલી જાનવર દ્વારા આ મારણ કરાયું હોવાનું અનુમાન લગાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.