“ડ્રાયવરે ખોટી રીતે કાર પાર્કિંગ કરી ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી અને મહાભારત થયું વિધાયક અને પોલીસદળ વચ્ચે !
ચા કરતા કીટલી વધારે ગરમ!
અમરેલીનો ટાવર ચોક ભરચક ટ્રાફીક વાળો એ રીતે બન્યો હતોકે તે બજાર વર્ષો જૂની બાંધણીની સાંકડી તો હતી જ. હવે શહેરનો વિકાસ થતા વસ્તી અને વાહન વ્યવહાર બંને વધ્યા હતા અમરેલીના ધારાસભ્યનું નિવાસસ્થાન તોઅમરેલીમાં હતુ.
પરંતુ લાઠી ના અને બાબરાના વિધાયકોનાં નિવાસ સ્થાનો પણ અમરેલીમાં હતા એમ માનોને કે સાંસદથી લઈને તમામ રાજકીય પક્ષોના પદાધિકારીઓના નિવાસ સ્થાન આ નવા બનેલા અમરેલી જિલ્લાના આ શહેરમાં જ હતા તે સમયે તો લગભગ તમામ રાજકારણીઓ પોતાના વાહનો ઉપર લાલ ઈમરજન્સી લેમ્પ અને વાહનની નંબર પ્લેટઉપર જે તે હોદો અને વિસ્તારનું નામ લખેલી ખાસ લાલરંગની પ્લેટપણ લગાડતા.
એકતો બજારો સાંકડી અને તેમાં પણ સવારના નવથી બાર વાગ્યા સુધીના સમયે હૈયે હૈયુ દળાય તેવી સ્થિતિ બજારમાં હોય. સામાન્ય રીતે કોઈ વ્યંકિત ચાર પૈડા વાળુ વાહન લઈ આ બજારમાં પસાર થતું નહિ અને નિકળે તો પણ ધીમેધીમે પસાર થઈ જતા પણ વચ્ચે તો ઉભા રહેતા જ નહિ.
આ ટ્રાફીક નિયમન માટે ટાવર ચોકથી રાજકમલ ચોક સુધીમાં ખાસ ત્રણ ટ્રાફીક જવાનોની વ્યવસ્થા કરવામા આવેલી, આમ છતા આ વિસ્તારમાં એટલી ટ્રાફીકની ગીર્દી રહેતી કે લગભગ દરરોજ પોલીસ અને પ્રજા ને પાર્કિંગ બાબતે વડછડ થતી જ રહેતી. તેથી સીધા અને સરળ સ્વભાવના પોલીસવાળા આ પોઈન્ટ ઉપર ફરજ બજાવવા મરજી બતાવતા નહિ. જેથી રકઝક અને બબાલના નિષ્ણાંત એવા કાઠા અને મજબૂત પોલીસવાળાની લગભગ આ પોઈન્ટો ઉપર નિમણુંક થતી વળી દરરોજની બબાલને કારણે ટાવર ચોક અને રાજકમલ ચોક વચ્ચેના ટ્રાફીક જવાનો વચ્ચે પણ ખાસ સંકલન હતુ.
કે કોઈ એક પોઈન્ટ ઉપર કાંઈ રકઝક કે બબાલ થાય તો ખાસ પ્રકારના અવાજથી વ્હીસલ (સીટી) વગાડવાની એટલે બીજા પોઈન્ટ ઉપરથી પોલીસવાળા તેની મદદમાં પહોચી જાય. આ ત્રણ પોઈન્ટ ઉપર જે ત્રણ જવાનો હતા તે એક દરબાર એક કાઠી દરબાર અને એક જવાન અનુસુચિત જાતીનો એમ ત્રણે વચ્ચે મનમેળ પણ પાકકો, ત્રણે મનના મકકમ, કાઠા અને ખાતાભીમાની પણ ખરા.
એક દિવસ સવારના દસેક વાગ્યે ટાવર ચોકના ભરચકક ટ્રાફીકમાં એક ટોચ ઉપર લાલ લેમ્પ વાળી કાર આવી ને ઉભી રહી ગઈ. પ્રથમ તો ટ્રાફીક જવાનને એમ લાગ્યું કેકારને કાંઈક તકલીફ થઈ લાગે છે. તેથી ત્યાં જઈને જોયુંતો કાર ફકત ડ્રાઈવર લઈને આવ્યો હતો અને તે કારને લોક કરી ચાલતો થયો.
ટ્રાફીક જવાને કહ્યું કારને એક બાજુ થોડી દબાવીને રાખો નહિતો હમણા આખી બજાર ચોકઅપ થઈ જશે પછી તમે પણ નહિ નીકળી શકો. પરંતુ આ ડ્રાઈવર ‘ચા કરતા કીટલી વધારે ગરમ’ તેમ તેને વિધાયક કરતા પણ વધુમદ હતો.તેણે દૂરથી જ હાથ વડે બેહુદો ઈશારો કરી કોઈ ધ્યાન અપ્યા વગર તે એક દુકાનમાં ચાલ્યો ગયો.
થોડીવારમાં જ ટાવર ચોકમાં ટ્રાફીકના ચકકાજામ થઈ ગયા. વાહનોના હોર્નની ચીચીયારીઓ થવા લાગી કચેરી એ જતા અને ઉતાવળના કામે જતા લોકો સહજ રીતે આ દાઝ તો ટ્રાફીક પોલીસ ઉપર જ કાઢે કે પૈસા ઉઘરાવવા સિવાય કાંઈ કરતા જ નથી વિગેરે પણ જનતાને સાચી હકિકતનો ખ્યાલ ન હતો.
તેથી ટ્રાફીક જવાન સાથે રકઝક ચાલુ થઈ જવાને દલીલો કરી પણ ટ્રાફીકના ટોળામાંથી કોઈ વાંકા બોલો વ્યકિત તાડુકયો કે ‘લાલ લેમ્પ જોઈને રાજકારણીથી ફાટી શું પડો છો, ગરી જાવ અંદર’ સ્વમાની સ્વભાવના ટ્રાફીક જવાનને હાડોહાડ લાગી ગઈ અને પોતે કોર્ડવર્ડ વાળા અવાજથી વ્હીસલ વગાડી તેથી બાકીના બે ટ્રાફીકના જવાનો પણ આવી ગયા.
ચકકાજામ અને હોર્નની ચીચીયારીઓ તો ચાલુ જ હતી.ત્યાં સામેથી કારનો ડ્રાઈવર આરામથી ખરીદી અને કામ પતાવીને મોજથી જાણે કાંઈ ઉતાવળ ન હોય તેમ ચાલતો ચાલતો આવ્યો. આથી એક જવાને કહ્યું કે લાલ લેમ્પ લગાડયો એટલે જનતાને ખાંડવાનો પરવાનો મળીજ તો નથી નિયમો તો તમને પણ લાગુ પડે કહેવા છતા એક બાજુ કાર દબાવી નહી અને આ ટ્રાફીક જામ થઈ ગયો.
ખરી બબાલ હવે શરૂ થવાની હતી, અત્યાર સુધી આમ જનતાએ પોલીસને બરાબર….નો મહાવરો તોખરો અને ત્રણે ટ્રાફીક કોન્સ્ટેબલો પણ કાઠાતો હતા જ, તેમણે કારના ડ્રાઈવરને સાત પેઢીસુધીની સંભળાવીને મગજમાં ભરેલી હવા કાઢી નાખી. કારનો ડ્રાઈવર પણ કાંઈ ઓછી માયા ન હતો. તે પણ કીટલી જેવોગરમ હતો જતા જતા કહેતો ગયો કે, તમારી મા નું ધાવણ ધાવ્યા હોય તોઅહિં જ રહેજો હમણા પાછો આવું છું.
ત્રણે ટ્રાફીક જવાનો એ વિચાર્યું કે હવે મામલો ગંભીર બને તેવું લાગે છે તેથી ટેલીફોન કરી પોલીસ સ્ટેશનમાં પીએસઓને આ બાબતની જાણ કરી દીધી ‘પી.એસ.ઓ.એ જેતે અધિકારીઓને જાણ કરી પણ ઉકળતા પાણીમાં જાણી જોઈને કોણ હાથ નાખે ! ટાવર ચોકમાં ત્રણ જવાનો પાસે કોઈ આવ્યું નહિ તમામે વિચાર્યું કે પછી પડશે તેવા દેવાશે આ સળગતામાં કયાં હોળીનું નાળીયેર થવું !
ટાવર ચોકમાં ત્રણે જવાનો હજુ ટ્રાફીક કલીયર કરતા જ હતા. ત્યાં પેલી લાલ લેમ્પ વાળી કાર પાછી આવી. પરંતુ આ વખતે ડ્રાઈવર એકલો નહતો પરંતુ બાબરાના વિધાયક પણ સાથે હતા. ડ્રાઈવરે ટાવર ચોકથી ઘરે જઈ વિધાયકને કહેલુ કે ત્રણ પોલીસ વાળાએ તેની સાથે તો બદસલુકી કરી પરંતુ તમારૂ નામ આપ્યું તો વધારે ગરમી ખાઈને તમને પણ જેમ ફાવે તેમ બોલી જાહેરમાં બીભત્સ ગાળો આપેલી અને તમને ત્યાં બોલાવ્યાનું જણાવેલ વાસ્તવમાં પોલીસ જવાનો વિધાયક વિષે કાંઈ બોલેલા નહિ પરંતુ ડ્રાઈવરે પોતે મનઘડત વાત કરી વિધાયકને ઉશ્કેર્યા હેન્ડસમ યુવાન અને સશકત વિધાયકને પોલીસ સાથે ભીડવી દેવાનો ડ્રાઈવરનો કારસો સફળ રહ્યો.
ડ્રાઈવરને તો પોતાના અપમાનનો બદલો લેવો હતો.પડછંદ વ્યકિતત્વ ધરાવતા વિધાયકે ટાવર ચોકમાં આવી પોલીસની ખબર લેવાનું શરૂ કર્યું. પોલીસે ખુલાસો કર્યો, પરંતુ ડ્રાઈવરને સાચો અને વિશ્વાસુ માનીને વિધાયકે જે શબ્દો તેમને ડ્રાઈવરે ગોઠવીને કહેલા તેજ શબ્દો પોલીસને પાછા ઉંચા અવાજે સંભળાવ્યા !
આથી મામલો બીચકયો. ત્રણે કાઠા અને સ્વાભિમાની જવાનો લાલપીળાલ થઈને સમસમી ગયા તમાશા ને તેડુન હોય અને વળી બજાર પણ સાંકડી તેમાં જનતા પણ ટોળે વળી ડ્રાઈવરે વિધાયકને વધુ કાન ભંભેરણી કરતા તેમને વધારે જુસ્સો અને ઝનુન ચડયા અને વાણી વિલાસ વધી ગયો આથી ત્રણે ટ્રાફીક જવાનો આકમ્રક થઈને બોલ્યા.
!‘હવે બસ!’ પરંતુ ક્રોધ તો આંધળો છે જ! અને તેમાં વધુ ભડકા થાય તેવી કાન ભંભેરણી અને બાકી સત્તાનો મદ અને સામે જનતાનું ઓડીયન્સ ! શું બાકી રહે? આવા સંજોગોમાં કોઈ વિરલ વિવેકી, ડાહ્યા અને પીઢ જનની જ મતિ જો ઈશ્વર કૃપા હોયતો કાબુમાં રહે બાકી તો જોવા જેવી થાય !
ત્રણેય કોન્સ્ટેબલોએ અપમાનજનક, હીણપત ભર્યો ભાષા પ્રયોગ યુનિફોર્મમાં હોવા છતા સહન થાય ત્યાં સુધી સહન કર્યો અને આખરે મર્યાદાની પાળ તુટી બંને પક્ષો ક્રોધના આવેગમાં સ્થળ સંજોગો અને પોતે કોણ છે તે વિસરી ગયા હતા તેથી ન થવાનું થયું ન ભૂતો ન ભવિષ્યતિ, કોઈકની ચાલે જીભ અને કોઈકના ચાલે હાથ એ ન્યાયે વાવાઝોડુ ચાલુ થયું ત્રણે કોન્સ્ટેબલોએ કમરે બાંધેલા યુનિફોર્મનાં પિતળના હુક વાળા ચામડાના પટ્ટા (બેલ્ટ) છોડીને વિધાયક ઉપર હુમલો કર્યો પછી વિધાયક આગળ અને પાછળ પોલીસ ક્રોધતો આંધળો જ છે.
અને અગ્ની પણ છે તેમાં જે નાખોતે બળી જાય વિવેક બુધ્ધીજ્ઞાન પણ સળગી જજાય. ટાવર ચોકમાં જાણે ‘રન ફોર સર્વાઈવલ ઓફ ઈગો’ ધમંડની દોડ ચાલુ થઈ. ટાવર ફરતે ચોકમાં જ ત્રણે કોન્સ્ટેબલોએ યુવાન અને પહાડી કાયા ધરાવતા વિધાયકને પંચાવન (૫૫) પટ્ટાના ફટકા માર્યા એક કાન પણ તૂટી ગયો શરીરે ઘણી જ ઈજા થઈ ભરચકક મેદની અને દુકાનમાં રહેલા વેપારીઓઆ તમાશો જોતા રહ્યા આખરે બંને પક્ષોની ધમંડ દોડ (રન ફોર સર્વાઈવલ ઓફ ઈગો) પૂરી થઈ. બંને પક્ષોવચ્ચે કોઈ આવ્યુંનહિ આમતો બંને પક્ષો પ્રજાના જ સેવકો હતા પરંતુ બંનેની આંખોમાં પ્રજાના હિતને બદલે પોતાના ધમંડના ચશ્મા ચડી ગયા હતા.
તે પછી બંને પક્ષો પોત પોતાના રસ્તે પડયા રાજકારણે રાજકારણનું કામ શરૂ કર્યું. થયેલા ઘાતકી હુમલા અંગે નેતાઓ, મિત્રો, ટેકેદારો, પક્ષના હોદેદારોને ટેલીફોન થવા લાગ્યા. અને તેઓ સહાનૂભૂતિના ઘોડાપૂરમાં વિધાયકના નિવાસ સ્થાને એકઠા થવા લાગ્યા.
ટ્રાફીક પોલીસવાળા પણ કાયદાના જાણકારતો હોય જ. અને યુનિફોર્મનું પોતાનું પણ વર્તુળ હોય જ. આવી બબાલો ના નિષ્ણાંત અને અનુભવી પીઢ પોલીસ ઓફીસરે આ પોલીસવાળાની સમગ્ર હકિકત જાણીને તેમને સલાહ આપી કે આ કિસ્સામાં તો અનુસુચિત જાતીનાં કોન્સ્ટેબલને જ નવા અમલમાં આવેલ ‘અત્યાચાર નિવારણધારા’ મુજબ ફરિયાદ અપાવો એટલે તમામ ખાતાકીય, રાજકીય, કાયદાકીય પ્રશ્નોનું નિરાકરણ થઈ જશે!
તે સમયે નવો અમલમાં આવેલો ‘અનુસુચિત જાતી અનુસુચિત જનજાતી પ્રત્યે અત્યાચાર અટકાવવાનો કાયદો’ બીન જામીન લાયક હતો. અને જયુડિશીયલ કોર્ટને બદલે ખાસ ડેઝીગ્નેટેડ (સેશન્સ)કોર્ટમાંથી આરોપીઓને જામીન મળતા હતા આ પ્રક્રિયા દરમ્યાન આરોપીને ૧૦-૧૫ દિવસ જેલની હવા ખાવી પડતી.
ટ્રાફીક પોલીસે તૂર્ત જ તેનો અમલ ફરિયાદ કાગળ ઉપર લખી ફરિયાદો અનુસુચિત જાતીનાં કોન્સ્ટેબલ અને અન્ય બે સાક્ષી તેમજ જાહેર જનતાને સાક્ષી બતાવીને અમરેલી શહેર પોલીસના ચાર્જમાં રહેલા સીપીઆઈ અમરેલી શ્રી ભદોરીયા પાસે પહોચ્યા અને પોતાની લેખીત ફરિયાદ આપી રીસીવ કોપીમાં સહીલઈ રવાના થઈ ગયા.
પોલીસ ઈન્સ્પેકટર ભદોરીયાને તે વખતે મામલાની ગંભીરતાનો ખ્યાલ નહિહોય કે કોણ જાણે કે ખરેખર ટાવર ચોકમાં તો મહાસંગ્રામ થઈ ગયો હતો. તેમને એમકે સામાન્ય બોલાચાલી થઈ હશે. પરંતુ મહાયુધ્ધ તો હવે શ થવાનું હતુ!
થોડા સમય પછી જ ગાંધીનગર અને ઉચ્ચ કચેરીઓથી પૂછપરછ શરૂ થા જ પો.ઈન્સ્પેકટર ભદોરીયાએ ટ્રાફીક કોન્સ્ટેબલની લેખીત ફરિયાદ ઉપરથી ગુન્હો દાખલ કરી દીધો અને ઉપડયા સિવિલ હોસ્પિટલમાં જયાં હજારો રાજકીય કાર્યકરો અને આગેવાનો એકઠા થયેલા હતા.
પોલીસ જીપ હોસ્પિટલ કંપાઉન્ડમાં પહોચી જ હતી ત્યાં ભદોરીયા એન્ડ કંપનીને કયારેય ન સાંભળ્યા હોય તેવા ડાયલોઝ (સંવાદો) સાંભળવા મળ્યા. અને ટોળા વચ્ચે ચાલતા ચાલતા ડાયલોગ્ઝ સાંભળતા ઈમરજન્સી સારવાર મમાં પહોચ્યા વિધાયકે અને તેમના સલાહકારો એ લખાવ્યા મુજબની ત્રણ કોન્સ્ટેબલો વિધ્ધ હુમલાની ઈજાની, ધમકી વિગેરે જે યાદ આવ્યું તે ફરિયાદ લખાવી દીધી. પરંતુ તે સમયે તેમને ખ્યાલ નહતો કે તેમની વિધ્ધ ગંભીર ગુન્હો નોંધાઈ ચૂકયો છે વિધાયકની ફરિયાદ ઉપરથી પણ ગુન્હો નોંધાયો.
સરકારમાંથી તથા ઉચ્ચ કચેરીઓમાંથી સૂચનાઓનો દોર પોલીસ વડા ઉપર શ થયો. રાજકીય તૃષ્ટીગુણ સંતોષવા માટે તાત્કાલીક ત્રણે કોન્સ્ટેબલોની ધરપકડ કરવા સસ્પેન્ડ કરવા અને જીલ્લા બહાર બદલી કરી દેવા માટે સખ્ત સુચનાઓ અપાઈ ગઈ અમરેલીના રાજકારણીઓ આ પગલા ન લેવાય તો બીજા તબકકાવાર કાર્યક્રમો માટે તૈયારી કરતા હતા અમરેલી જિલ્લાની જાતીવાદી રાજકીય પરિસ્થિતિની વાસ્તવિકતા જાણવા માટે વાત વાંચ્યે કે સાંભળ્યે કાંઈ સમજી શકાય નહિ તે સમજવા માટે તો અમરેલી જીલ્લામાં અમુક સમય નોકરી કરવી પડે અથવા તો કોઈ ધંધો કરવામાં આવે તો જ વાસ્તવિક સ્થિતિનો ચિતાર મળે. આ રીતે અહી જો થોડુ પણ વાંકુ પડે તો રાજકીય મતભેદો એક બાજુ રહી જાય અને જાતીની દ્રષ્ટીએ બનાવનું મૂલ્યાંકન થવા માંડે અને મા મારા બાપનું અને તા મા સહીયા એરીતે માહોલ થઈ જાયતે હકિકતથી પૂરા વાકેફ ત્રણે કોન્સ્ટેબલોએ તે ફરિયાદ આપી ને તુરત જીલ્લો જ છોડી દીધો હતો.
આ રીતે રાજકીય રીતે માહોલ એકદમ ઉગ્ર બનતા જવાબદાર કોન્સ્ટેબલોને સખ્તમાં સખ્ત બોધપાઠ પી નશ્યત આપવાની ચર્ચા ચાલતી હતી. તેમાં જાણવા મળ્યું કે પોલીસ કોન્સ્ટેબલે તો વિધાયક વિધ્ધ ‘એટ્રોસીટી એકટ’ મુજબ પહેલા જ ફરિયાદ આપી દીધી છે. અને મામલો અતિગંભીર થઈ ગયો. પરંતુ આ તમામ આઘાતોનાં પ્રત્યાઘાત જીલ્લાની વડી પોલીસ કચેરી ઉપર આવતા હતા.
કોન્સ્ટેબલો તો છુ થઈ ગયા પણ પાછળ અમરેલી શહેર પોલીસ અને જીલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓઉપર ‘માછલા ધોવાતા હતા’અને પકડોપકડો નો બાપો મારીને દેકારો થતો હતો આથી આ ત્રણ કોન્સ્ટેબલોને ઝબ્બે કરવા માટે શહેર પોલીસ ઉપરાંત પોલીસ વડાના ડાબા જમણા હાથ જેથી શાખાઓ ટાસ્ક ફોર્સ અને ક્રાઈમ બ્રાંચ સહિતના અન્ય અધિકારીઓ પણ દોડાદોડ હતા. પરંતુ આ ત્રણ કોન્સ્ટેબલો ‘હવામાં જ ઓગળી ગયા’ જેવો તાલ હતો.
બીજી તરફ શિસ્ત બધ્ધ પોલીસ બેડામાં પણ ચર્ચા થતી હતી કે જે બનાવ બન્યો તે ખોટો તો બન્યો છે પરંતુ શઆત જે રીતે થઈતે પણ ખરાબ કહેવાય અને ‘તાળી એકલે હાથે તો પડે જ નહિ ને?’ સામા પક્ષે પણ કાંઈક કર્યું જ હશે નહિ તો વાત આટલી હદે વણસે નહિ પોલીસ દળને પણ માન સન્માન જેવું કાંઈ હોય કે નહિ? આમ છતા કોન્સ્ટેબલો એ જે કાયદો હાથમાં લીધો તે તો ખોટુ કહેવાય.
અમુક રાજકારણથી ત્રાસી ગયેલા જવાનો બોલતા હતા કે તે ત્રણ જણાનું જે થવું હોય તે થાય પણ હવે દાખલો પડી ગયો કે વાંક ગુના વગર ગમે તે લોકો પોલીસ ઉપર હુમલા કરી જાય છે અને ટોપી ઉપર ધારણ કરેલ અશોક્સ્તંભની પણ મર્યાદા નથી રાખતા તેઓને અકે ખાસ સંદેશો જશે. જોકે એ તો પોલીસ દળના જવાનોની પોતાની હૈયા વરાળ ની ચર્ચા હતી.
શિસ્ત બધ્ધ અને કાયદાના પાલક જવાનો કાયદો હાથમાં લઈ પ્રજાના પ્રતિનિધિ ઉપર હુમલો કરે તે જરા પણ વ્યાજબી નથી પ્રજાના પ્રતિનિધિ પણ જો દુર્વ્યવહાર કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ થાય, પણ આવો હિંસક હુમલો તો લાંછન રૂપ જ કહેવાય.
જનતા અને જનતાના પ્રતિનિધિઓએ પણ વિચારવું જોઈએ કે તેમના અને કાયદો અને વ્યવસ્થાના હિતમાં પોલીસનું મોરલ પણ સમાજમાં જળવાય રહે તે હકિકત છે. પોલીસ પણ બતમીજી કરે કે દુર્વ્યવહાર કરે તો તેમના વિધ્ધ પણ ખાતાકીય કે ફોજદારી કાર્યવાહી ના રસ્તા મકકમ પણે લેવા જોઈએ, તો જ તમામ સ્તરે સૂધારો થાય અને સમાજ વ્યવસ્થા બરાબર અને સમતોલ રીતે જળવાઈ રહે.
રાજકીય વિરોધ પક્ષને તો દોડવું હતુ અને ઢાળ મળ્યો ‘તેમણે સતાધારી પક્ષ ઉપર શાબ્દીક હુમલો કર્યો કે જો તેમના વિધાયક જ સલામત ન હોય તો આમ જનતાનું શું વિચારવાનું ? કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સાલુ સરકાર સાવ નિષ્ફળ ગઈ છે. વિગેરે આથી સત્તાધારી પક્ષને વધુ ચાનક ચડયું અને તે ચાનક ઉતરે પોલીસ વડાની કચેરી ઉપર કે ગુનેગાર પોલીસ જવાનો ને પકડો પકડો આથી હવે કેસ હાઈપ્રોફાઈલ બની ગયો હોય સત્તાધીશો હુકમો અને સુચનાની ઘોંશ પોલીસ વડા ઉપર જ બોલાવતા હતા.
ચોવીસ કલાક થવા છતા આરોપી પોલીસ જવાનો નહિ પકડાતા પોલીસ વડાની ચારેય તરફથી હાલત કફોડી થઈ ગઈ. રાજકારણીઓએ તો જાહેર કરી દીધું કે આ પોલીસ વડા જ ન ચાલે તેમને જલ્દી બદલો. સરકારનું દબાણ પોલીસ વડા ઉપર ખૂબજ આવ્યું તો સ્થાનિક સત્તાધારી રાજકારણીઓનો વાણી વિલાસ અને હુકમોની છટા તો અધિકારીઓએ સહન કરવાની જ રહી આથી અમરેલીના તમામ પોલીસ અધિકારીઓનું ખાવા પીવાનું અને ઉંઘ પણ હરામ થઈ ગઈ.
તમામ છાપાઓમાં સમાચારો હેડ લાઈનમાં તો હતા પણ જીલ્લાનું રાજકારણ-પોલીસ-કાયદો અને વ્યવસ્થા આ તમામની સ્થિતિની હાલતની રજે રજની માહિતી પણ હતી કે આ કઈ કક્ષાએ છે તેથી જનતાને રસ પડે તેવી હકિકતો લખેલી હતી આથી રાજકારણ વધુ અકળાયું અને આકરા કાર્યક્રમો જાહેર કરવાનું એલાન થયું.
આખરે આદબાણ, શબ્દોની ઘોંશ પે હુકમો અને આવી પડનારા કાર્યક્રમને અટકાવવા શું કરવું તેમાટે પોલીસ વડાએ ટાસ્કફોર્સ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ કે જેઓ પણ વિધાયકની જ્ઞાતિના જ હતા. તેમનું માર્ગદર્શન લીધું આ બંને અધિકારીઓએ જણાવ્યું કે જો વિધાયક જ હવે દબાણ કરવાનું પડતુ મુકે અને તેમના નિવાસ સ્થાન બહાર એકઠા થયેલા કાર્યકરોને વિખરાઈ જવાનુ કહે તો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય! આમાટે વિધાયકને સમજાવવા મનાવવા કોઈ અધિકારીએ જવું પડે.
પરંતુ આ સમજાવવા કે વિષ્ટિ કરવા વિધાયકના ઘેર કોણ જાય? તે મોટો પ્રશ્ર્ન હતો કેમકે સહજ રીતે વિધાયક તો ઉગ્ર હશે જ પરંતુ તેમના ઘરનાં સભ્યો અને ઘર બહાર એકઠા થયેલા કાર્યકરો વિષ્ટિ કરવા જનાર સાથે શું અને કેવો વ્યવહાર કરશે તે સૌ મનમાં જાણતા હતા. ટાસ્કફોર્સ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ તો હાથ ઉંચા કરી દીધા ભલે તેઓ વિધાયકની જ્ઞાતીના જ હતા છતા પણ ! આખરે ‘જમવામાં જગલો અને કુટવામાં ભગલો’ તે ન્યાયે આ વિષ્ટિનો કાંટાળો તાજ ખાતાકીય કે રાજકીય પીઠબળ વગરનાં ભગલા બ્રાન્ડ પણ જીલ્લામાં આકરી છાપ પણ ધરાવતા બાબરાના જ ફોજદાર જયદેવને પહેરાવવામાં આવ્યો.
જયદેવે પોલીસ વડાને આવનારી અમંગળ ઘટનાથી પોલીસ વડાને વાકેફ કર્યા કે મારી જ્ઞાતીતો જુદી છે.પરંતુ આરોપી મારી જ્ઞાતિનો છે તે તમામને ખબર છે. આથી હું ત્યાં જઈશ તો બહાર ટોળામાં તો ‘”Red reg to a big bull‘ ની જેમ ઉશ્કેરાટમાં વધારો તો થશે અને ન કરે નારાયણ ને વધુમાં બીજો બનાવ પણ સંભવ છે. જેથી તેમની જ્ઞાતિના જ કોઈ એક અધિકારીને મોકલો તો સીધી રીતે બધુ પૂ થઈ જશે.
પણ અગાઉ જણાવ્યા પ્રમાણે ‘open Secpetr”‘ ના ન્યાયે આ કાંટાળો તાજ તો જયદેવના શિરે જ રહ્યો. આના બે સુચિતાર્થો હતા જો કાંઈ બબાલ થાય તો એ સાબિત થાય કે આ રાજકારણી લોકોની માનસીકતા જ આવી છે. અનેતે અંગે સહન કરવાનું આવે તો જયદેવને જાણે માનતાનો માનેલો ! વળી માનો કે જયદેવ સહી સલામત પહોચી ને વિધાયકને સમજાવી દે તો તો ભયો ભયો અધિકારીઓ અને ખાતાની ઉપાધી મટે.
અધિકારીઓએ જે મનમાં ધાર્યું હોય તે પરંતુ જયદેવે પોતાની ફરજ પરસ્તી અને પોતાના જાતીગત સ્વભાવ (પગલુ ભર્યું કે નાહટવું ના હટવુ) અનુસાર ગમે તે કાર્ય પડકાર પ સમજી, પરિણામ જે આવે તે યશ મળે કે અપયશ પરંતુ કાયદેસરનું કામ અને અધિકારીના કાયદેસર ના હુકમની અમલવારી કરવી તેવો હતો તે રીતે આ પડકાર પણ ઉપાડી લીધો.
બનાવ બન્યાનો બીજો દિવસ હતો સાંજ થવાની તૈયારી હતી. જયદેવ બાબરા પોલીસ સ્ટેશનની જીપ લઈને ઉપડયો વિધાયકના નિવાસ સ્થાને ઘરબહાર ઘણા કાર્યકરો હતા પરંતુ જીપ છેક દરવાજે પહોચી ગઈ. જયદેવ જીપમાંથી સીધો જ વિધાયકના ઘરમાં ગયો.
મુખ્ય મમાં જ વિધાયક પલંગ ઉપર સફેદ પાટો માથા ઉપર બાંધેલો તેવી સ્થિતિમાં આરામમાં હતા. તેમણે જયદેવને આવેલો જોઈ તેમના ચહેરા ઉપર તેજી આવી ગઈ અને બોલ્યા કે આવો આવો બેસો અને તેમના ધર્મ પત્નીને ઓળખાણ આપી કે આ આપણાબાબરાના ફોજદાર જયદેવ છે.
જયદેવે ખબર અંતર પૂછયા અને ના પાડવા છતા ચા-પાણી આવ્યા. જયદેવે બનાવ અંગે અફસોસ વ્યકત કર્યો તો વિધાયકે કહ્યું કે જાહેર જીવનમાં પડયા છીએ આવું તો ચાલ્યા કરે, પરંતુ તમારા ખાતા એજે પગલા લેવા જોઈએ તે લીધા નથી તે દુ:ખદ હકિકત તો છે પરંતુ મારી ઉપર વળતી સેશન્સ ટ્રાયલ ગુન્હાની એફઆઈઆર. નોંધી દીધી.
જયદેવે સમજાવતા કહ્યું કે કેટલીક બાબતો વાસ્તવીક રીતે અને કાયદાકીય રીતે ઘણી જ મુશ્કેલ હોય છે. ત્રણે કોન્સ્ટેબલો જીલ્લામાં જ નથી તો પોલીસ વડા શું કરી શકે? તેમણે કહ્યું તેમના ફરજ મોકૂફી ના હુકમ તેમના ઘર ઉપર લગાડી દેવા જોઈએ. જયદેવે કહ્યું કાયદા મુજબ તે ત્રણના નિવેદન લીધા પછી જ આ પગલા લઈ શકાય પણ તે મળવા જોઈએને? જયદેવે સમજાવતા વિધાયકે જણાવ્યું કે ભલે હવે પોલીસ વડા ઉપર કોઈ રાજકીય દબાણ નહિ આવે અને કાર્યકરો પણ પોત પોતાના ઘેર ચાલ્યા જશે પરંતુ પોલીસ વડાની તો બદલી થશે જ !
જયદેવ ત્યાંથી સીધો પોલીસ વડાને મળ્યો અને જણાવ્યુ કે હવે સરકારમાંથી કોઈ દબાણ નહિ આવે તેની બાંહેધરી આપી છે. અને કાર્યકરોને પણ ચાલ્યા જવાનું કહેવાનું જણાવેલ છે. જયદેવે પોલીસ વડાને તેમની બદલી બાબતની વાત કરી નહિ. પોલીસ વડાને તો શાંતિ થઈ હશે પણ જયદેવ વિચારતો હતો કે પોલીસ વડા આ જયદેવને મોકલવાની સલાહ આપનાર અધિકારીઓથી રાજી હશે અને જશ પણ તેમને આપતા હશે.
જોકે પછી ત્રણે ટ્રાફીક કોન્સ્ટેબલોની પણ ધરપકડ થઈ અને સસ્પેન્ડ થયા પરંતુ આગોતરા જામીન લઈને આવેલા તેથી જામીન પર છૂટી ગયેલા. પરંતુ ટ્રાફીક પોલીસની ફરિયાદને સમર્થનકારક પૂરાવા મળતા વિધાયકને જેલમાં જવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ જેથી તેઓત્રણ મહિના અમરેલી જ આવ્યા નહિ પણ ગાંધીનગર જ રહ્યા. દરમ્યાન સુપ્રિમ કોર્ટે આ એટ્રોસીટી ના કાયદામાં જામીન હુકમમાં ફેરફાર કરી જયુડશિયલ કોર્ટને જામીનની સત્તા આપતા સમગ્ર મામલો થાળે પડેલો.