રાજકોટ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. ડેન્ગ્યૂ તાવના કારણે છેલ્લા બે દિવસમાં બે દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. ઘેર-ઘેર માંદગીના ખાટલા પડ્યા છે અને દર્દીઓથી દવાખાનાઓ રિતસર ઉભરાઇ રહ્યા છે. બેકાબૂ બનેલા રોગચાળાએ કોર્પોરેશનના પદાધિકારીઓની ચિંતા વધારી દીધી છે. આજે બપોરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર અને આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઇ ઠાકરે આરોગ્ય શાખા અને ફૂડ શાખાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક બોલાવી હતી. દિવાળીના તહેવારોમાં ફોગીંગ વધારવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સાથોસાથ ભેળસેળીયા વેપારીઓ પર પણ તૂટી પડવા ફૂડ શાખાને છૂટ્ટો દોર આપી દેવામાં આવ્યો છે. રોગચાળાના સાચા આંકડાઓ જાહેર કરવા પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખોટી રીતે વેપારીઓને કનડગત ન કરવા પણ અધિકારીઓને ટકોર કરવામાં આવી છે.
દિવાળીના તહેવારોમાં ફોગીંગ અને સફાઇ વધારવા આરોગ્ય શાખાને આદેશ આપતા સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઇ પટેલ
ભેળસેળીયા વેપારીઓ પર તૂટી પડવા ફૂડ શાખાને છૂટો દોર: રોગચાળાના આંકડા ન છૂપાવવા પણ કડક સૂચના
આરોગ્ય શાખા હસ્તકના તમામ જુદા-જુદા વિભાગના અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને જાહેર આરોગ્ય તથા લોકોની સુખાકારી લગત બાબતો માટે આરોગ્ય અધિકારી, તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓ, આર.સી.એચ.ઓ., બાયોલોજીસ્ટ, ડેઝીગ્નેટેડ ઓફિસર, સી.પી.સી., સહિતના અધિકારીઓ સાથે હાલની કામગીરીની સમિક્ષા માટે બેઠક યોજવામાં આવેલ હતી.
આ બેઠકમાં મેલેરીયા વિભાગ, આરોગ્ય કેન્દ્રો, આયુષ્યમાન ભારત, રોગચાળાની આંકડાકીય માહિતી, ફૂડ વિભાગની કામગીરી, લગત માહિતીની સમિક્ષા કરી જરૂરી સુચનાઓ આપવામાં આવેલ, જેમાં મેલેરીયા વિભાગને વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ‘વન ડે થ્રી વોર્ડ’ કામગીરીનું શેડ્યુલ તૈયાર કરી મંદિરો, બાગ-બગીચા, શાળાઓ, સહિત તમામ જાહેર સ્થપળોએ સઘન ઝુંબેશ હાથ ધરવા, રોગચાળાના આંકડાઓ નિયમિતપણે મળતા રહે, તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સાઇનબોર્ડ અને સી.સી.ટી.વી. કેમેરાની જરૂરીયાત બાબતે, આયુષ્યમાન યોજનાનો લાભ નિયમીત મળતો રહે તે બાબતે, ફૂડ વિભાગને દૂધની મીઠાઓ અને ફરસાણના ચેકીંગ-સેમ્પલીંગની કામગીરી સઘન ઝુંબેશરૂપે ચાલુ રાખવા, વગેરે બાબતોએ અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવી છે.